લગ્ન પછી નૂતન ‘બંદિની’ બની

નૂતનને એમના પતિએ જો લગ્ન પછી કામ કરવા માટે સંમતિ ના આપી હોત તો દર્શકો તેમની વધુ ફિલ્મોથી વંચિત રહી ગયા હોત અને તે કારકિર્દીમાં શ્રેષ્ઠ અભિનેત્રીના પાંચ જેટલા એવોર્ડ જીતી શક્યાં ના હોત. લગ્ન પહેલાં નૂતને અભિનય કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયાં હતાં. ૧૯૫૦ માં માતા શોભના સમર્થે નૂતન માટે ‘હમારી બેટી’ બનાવ્યા પછી નિર્દેશક રવિન્દ્ર દવેની ‘નગીના'(૧૯૫૧) માં કામ કર્યું. ‘નગીના’ ની એક રસપ્રદ વાત એ રહી કે ડરામણાં દ્રશ્યોને કારણે પુખ્ત વયનાઓ માટેનું સર્ટીફિકેટ મળ્યું હોવાથી સગીર વયની નૂતનને એ ફિલ્મ જોવા થિયેટરમાં પ્રવેશ મળ્યો ન હતો. આ ફિલ્મને સફળતા ના મળી.

મજાની વાત એ છે કે, ૧૯૫૨ માં નૂતન મસૂરી ખાતે સોંદર્ય સ્પર્ધા જીતીને આવી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા એને સુંદર માનતા ન હતા. તેના વિશે ત્યાં સુધી કહેવાયું કે કાગળ પર એક રેખા દોરી દેવાથી નૂતનની તસવીર બની જાય છે. માતા શોભના સમર્થની ઓળખાણને કારણે ફિલ્મો મળવા લાગી પણ સફળતા મળતી ન હતી.

આખરે પરિવારે નૂતનને સ્વિત્ઝરલેન્ડ ભણવા મોકલી આપી. એક વર્ષ પછી નૂતન જ્યારે પાછી ફરી ત્યારે તેનો દેખાવ બદલાયો હતો. તેનું વીસ કિલો જેટલું વજન વધી ગયું હતું. એ પછી નૂતન ફિલ્મોમાં વધારે સક્રિય થઇ અને ૧૯૫૫ માં આવેલી ‘સીમા’ પછી તો પાછું વળીને જોયું નહીં. ‘સીમા’ માટે ફિલ્મફેરનો પહેલો એવોર્ડ મળ્યા બાદ સ્ટાર અભિનેત્રી ગણાવા લાગી. એ પછી પેઇંગ ગેસ્ટ, બારિશ, દિલ્હી કા ઠગ, અનાડી, સુજાતા, છલિયા, મંઝિલ જેવી ઘણી સફળ ફિલ્મો કરી. ૧૯૫૯ માં નૂતને નેવી કમાન્ડર રજનીશ બહલ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મો છોડી દેવાનો નિર્ણય કરી લીધો.

નૂતનનું માનવું હતું કે તે હવે ફિલ્મોમાં કામ કરશે તો પતિને ગમશે નહીં. એટલે અગાઉ નૂતન સાથે ‘સુજાતા’ જેવી સફળ નારીપ્રધાન ફિલ્મ બનાવનાર નિર્દેશક બિમલ રૉય જ્યારે ફરી એવી જ ‘બંદિની’ ની ઓફર લઇને આવ્યા ત્યારે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ ના પાડી દીધી. પતિ રજનીશને જ્યારે ખબર પડી કે નૂતને ના પાડી છે ત્યારે તેને ફરીથી ફિલ્મોમાં કામ કરવા સમજાવવાનો પ્રયત્ન કર્યો. નૂતનને પતિની સંમતિની અપેક્ષા ન હતી. રજનીશે જ્યારે કહ્યું કે જો તું લેખિકા કે ચિત્રકાર હોત તો તને કામ છોડવાનું ના કહેવાનો હોય તો અભિનય કરવા શા માટે ના પાડું? ધ્યાન એટલું જ રાખવાનું કે ઓછી ફિલ્મો સાથે પરિવારને સમય આપવાનો. તેમ છતાં નૂતને બિમલ રૉયને જલદી હા ના પાડી. બિમલ રૉય પણ જીદ લઇને બેસી ગયા કે નૂતન સિવાય આ ફિલ્મ કોઇની સાથે બનાવશે નહીં. આખરે નૂતને એ ફિલ્મ કરવી પડી. અને ‘બંદિની’ ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક સાબિત થઇ. ‘બંદિની’ને નૂતનના ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ સહિતના છ ફિલ્મફેરના પુરસ્કાર મળ્યા.

એ પછી તો નૂતને એક દાયકા સુધી મુખ્ય હીરોઇન તરીકે અનેક ફિલ્મો કરી. માતાની ભૂમિકામાં પણ ઘણી ફિલ્મો કરી. ‘મેરી જંગ’ માટે ‘શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી’નો ફિલ્મફેર મળ્યો હતો. ‘મૈં તુલસી તેરે આંગન કી’ માટે છેલ્લો ફિલ્મફેર ૪૨ વર્ષની ઉંમરે મળ્યો ત્યારે કારકિર્દીમાં સૌથી વધુ ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ ના પાંચ એવોર્ડનો રેકોર્ડ થયો. એ રેકોર્ડને નૂતનની બહેન તનુજાની પુત્રી કાજોલે જ ૨૦૧૧ માં ‘માય નેમ ઇઝ ખાન’ માટે છઠ્ઠો ફિલ્મફેર એવોર્ડ મેળવીને તોડ્યો હતો. જો પતિ રજનીશ બહલે ‘બંદિની’ થી નૂતનને ફરીથી ફિલ્મોમાં કામ કરવા મનાવ્યાં ના હોત તો તેમની કારકિર્દી એક ડઝન ફિલ્મો સુધી જ સીમીત રહી ગઇ હોત. ‘બંદિની'(૧૯૬૩) પછી નૂતન ૧૯૯૧ સુધી મૃત્યુપર્યંત અભિનય કરતાં રહ્યાં. અમિતાભ સાથેની ‘ઇન્સાનિયત’ તો તેમના મૃત્યુ બાદ ૧૯૯૪ માં રજૂ થઇ હતી.

(રાકેશ ઠક્કર- વાપી)