શમ્મીજીના લગ્નની ‘ફિલ્મી’ વાતો

અભિનેતા શમ્મી કપૂરે ગીતા બાલી સાથે ટૂંકી ઓળખાણ બાદ લગ્ન કરી લીધા હતા. એમના લગ્ન સાથે સંકળાયેલી લગભગ બધી જ વાતો કોઇ ફિલ્મમાં જોવા મળતાં દ્રશ્યો જેવી હતી.

આમ તો શમ્મીએ ગીતા સાથે ‘મિસ કોકાકોલા’ (૧૯૫૫) માં કામ કર્યું હતું. અને થોડા નજીક આવ્યા હતા. પરંતુ કેદાર શર્માની ‘રંગીન રાતેં’ (૧૯૫૬) માં કામ કર્યા પછી બંને વચ્ચે ખરો પ્રેમ શરૂ થયો હતો. નવાઇની વાત એ છે કે ‘રંગીન રાતેં’ માં ગીતા બાલીએ ‘ગુલુ’ નામના પુરુષ પાત્રના વેશમાં મૂછ લગાવી કામ કર્યું હતું. આ ફિલ્મની હીરોઇન માલા સિંહા હતી. ત્યારે ગીતા બાલીની લોકપ્રિયતા શમ્મી કપૂરથી વધારે હતી. ગીતા સ્ટાર હીરોઇન હતી અને શમ્મી સંઘર્ષરત હતો.

ગુરુદત્તના નિર્દેશનમાં બનેલી દેવ આનંદ સાથેની ‘બાઝી’ (૧૯૫૧) થી ગીતા મોટી સ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મનું ‘તકદીર સે બિગડી હુઇ તકદીર બના દે’ ગીત જોવા જ દર્શકો વારંવાર થિયેટરમાં જતા હતા. એ પરથી જ ગીતા બાલીની સફળતાનો ખ્યાલ આવશે કે ‘રંગીન રાતેં’ ફિલ્મના ટાઇટલ્સમાં પહેલું ગીતાનું, બીજું શમ્મીનું અને ત્રીજું માલા સિંહાનું નામ લખાયું છે. આ ફિલ્મના શુટિંગ દરમ્યાન શમ્મીનું દિલ ગીતા પર આવી ગયું હતું.

શમ્મી આ વાત પરિવારમાં કહેતાં ખચકાતો હતો. તેની પાછળ અનેક કારણ હતા. એક તો ગીતા તેનાથી એક વર્ષ મોટી હતી. બીજું ગીતાએ ભાઇ રાજ કપૂરની સાથે ‘બાવરે નૈન’ અને પિતા પૃથ્વીરાજ કપૂરની સાથે ફિલ્મ ‘આનંદમઠ’ માં કામ કર્યું હતું. શમ્મીને સમજાતું ન હતું કે પરિવારમાં તેના આ નિર્ણયના કેવા પ્રત્યાઘાત આવશે. પરંતુ એ નક્કી કરી લીધું હતું કે હવે પછીની જિંદગી ગીતા સાથે જ પસાર કરશે. શમ્મીએ હિંમત કરીને ‘રંગીન રાતેં’ના શુટિંગ વખતે ગીતાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારે ગીતાએ કોઇ ફિલ્મનું જ દ્રશ્ય લાગે એમ કહ્યું હતું કે, “હું તને પ્રેમ કરું છું અને તારા વગર જીવવાનું વિચારી શકતી નથી. પણ હમણાં તારી સાથે લગ્ન કરી શકું એમ નથી. મારો પરિવાર મારા પર નિર્ભર છે અને એમને નિરાશ કરી શકું નહીં. એમની પાસે બીજી કોઇ વ્યવસ્થા નથી.”

ગીતાની વાતમાં સચ્ચાઇ હતી. ખૂબ ગરીબીમાં તે ઉછરી હતી. એક જગ્યાએ ઉલ્લેખ છે કે નિર્દેશક કિદાર શર્મા પહેલી વખત ગીતાને મળ્યા ત્યારે તેનો પરિવાર કોઇના બાથરૂમમાં રહેતો હતો. શમ્મીએ પછીથી ગીતાને લગ્ન કેવી રીતે મનાવી એની વાત રઉફ અહમદના પુસ્તક ‘ધ ગેમ ચેન્જર’ માં કહી છે. ચાર મહિના સુધી તડપ, આંસુ, વિનંતી, વિયોગ અને હતાશાના અનુભવ પછી શમ્મી મુંબઇની હોટલમાં રોકાયો હતો ત્યાં બંને મળ્યાં. ત્યારે પિતા પૃથ્વીરાજ અને પરિવારજનો ભોપાલ ગયા હતા. શમ્મીએ આ તકનો લાભ લઇ લીધો. શમ્મીએ ફરી ગીતા બાલીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શમ્મીને એમ હતું કે એ માથું હલાવી ઇન્કાર કરી દેશે, પણ ગીતાએ હા પાડી દીધી. શમ્મીએ મિત્રો જોની વોકર અને હરિ વાલિયાની મદદથી તરત જ મંદિરમાં લગ્ન ગોઠવી દીધા. લગ્ન દરમ્યાન ગીતાના સેંથામાં ભરવા માટે સિંદૂર પણ ન હતું. ત્યારે શમ્મીએ ગીતાની લિપસ્ટિકથી સેંથો ભર્યો હતો. શમ્મીની ગીતા સાથેના પ્રેમ અને લગ્ન સુધીની યાત્રા કોઇ ફિલ્મી અંદાજથી કમ ન હતી.

(રાકેશ ઠક્કર- વાપી)