હિન્દી ફિલ્મોમાં યાદગાર રમૂજી ભૂમિકાઓ કરનારા અભિનેતા દેવેન વર્માની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. ૨ ડીસેમ્બર, ૨૦૧૪ના રોજ તેમનું ૭૭ વર્ષની વયે નિધન થયું હતું.
પોતાના સમયના ટોચના નિર્દેશકો બાસુ ચેટરજી, હૃષીકેશ મુખરજી અને ગુલઝારની ફિલ્મોમાં દેવેને કોમેડિયનની ભૂમિકા અદભૂત રીતે ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. ‘નાદાન’, ‘બડા કબૂતર’ અને ‘બેશરમ’ જેવી ફિલ્મોનું નિર્માણ-નિર્દેશન કરવા ઉપરાંત ‘યકીન’, ‘ચટપટી’ કે ‘દાનાપાની’ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું હતું. દેવેને હિન્દી ઉપરાંત મરાઠી અને ભોજપુરી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
દેવેન વર્માનો જન્મ કચ્છમાં ૨૩ઓક્ટોબર,૧૯૩૭ના રોજ થયો, પણ એમનો ઉછેર થયો પુણેમાં. ૧૯૫૩-૫૭ દરમ્યાન પુણે યુનિવર્સિટીની નવરોજજી વાડિયા કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં ભણીને એ પોલીટીક્સ અને સોશિયોલોજી વિષયમાં ઓનર્સ સાથે ગ્રેજ્યુએટ થયા હતા. મહાન અભિનેતા અશોક કુમારના દીકરી અને અભિનેત્રી પ્રીતિ ગાંગુલીના બહેન રૂપા ગાંગુલી સાથે એમના લગ્ન થયા હતા.
દેવેન વર્માને ‘ચોરી મેરા કામ’, ‘ચોર કે ઘર ચોર’ અને ‘અંગૂર’માં અભિનય માટે ફિલ્મફેરના શ્રેષ્ઠ કોમેડીયન એવોર્ડ્ઝ મળ્યા હતા. વિલિયમ શેક્સપિયરના યાદગાર નાટક ‘કોમેડી ઓફ એરર્સ’ આધારિત અને ગુલઝાર લિખિત-નિર્દેશિત માલિક અને નોકરની બેવડી ભૂમિકાવાળી યાદગાર કોમેડી ફિલ્મ ‘અંગૂર’માં સંજીવકુમાર અને દેવેન વર્મા બંનેએ ડબલ રોલ કર્યા હતા. આ ફિલ્મને ભારતની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે.
૧૯૬૧ની ‘ધર્મપુત્ર’થી લઇને ૨૦૦૩ની ‘કલકત્તા મેઈલ’ સુધી દોઢસોથી વધુ હિન્દી ફિલ્મોમાં દેવેન વર્માએ અનેકવિધ ભૂમિકા અદા કરી હતી. અનેક મોટા કલાકારો સાથે એ કોમેડીયનની હળવી ભૂમિકામાં દેખાતા રહ્યાં. એવી થોડી ફિલ્મોમાં ગુમરાહ, અનુપમા, દેવર, મિલન, સંઘર્ષ, યકીન, ખામોશી, બુઢ્ઢા મિલ ગયા, ધુંદ, કોરા કાગઝ, ઝીંદગી, મુક્તિ, બેશરમ, ચોર કે ઘર ચોર, ખટ્ટા મીઠા, લોક પરલોક, ગોલમાલ, દો પ્રેમી, થોડી સી બેવફાઈ, જુદાઈ, કુદરત, સિલસિલા, પ્યાસા સાવન, આહિસ્તા આહિસ્તા, અંગૂર, રંગબિરંગી, આજ કા એમએલએ, સાહેબ, દિલ, દીવાના, એક હી રાસ્તા, અંદાઝ અપના અપના, દિલ તો પાગલ હૈ, ક્યા કહના જેવી ફિલ્મોને યાદ કરી શકાય.
હાર્ટ એટેક અને કીડનીની નિષ્ફળતાથી ૨ ડીસેમ્બર, ૨૦૧૪ની રાત્રે બે કલાકે પુણેમાં એમનું નિધન થયું હતું.
(નરેશ કાપડીઆ-સુરત)