બંગાળી બપ્પીદાનો હિન્દી ફિલ્મોમાં સંઘર્ષ

બંગાળથી હિન્દી ફિલ્મોમાં કારકિર્દી બનાવવા આવેલા સંગીતકાર બપ્પી લાહિરી માટે સફળતા મેળવવાનું સરળ રહ્યું ન હતું. માતા બંસરી અને પિતા અપરેશ બંગાળમાં જાણીતા ગાયક રહ્યા હતા. મૂળ નામ અલોકેશ હતું પણ નાનપણથી બપ્પી તરીકે જ ઓળખ ઊભી થઈ હતી. બપ્પીએ ચાર વર્ષની ઉંમરે તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. તે માતા-પિતા સાથે શૉમાં જતો હતો ત્યારે એક વખત લતા મંગેશકરે એનું કામ જોઈને વખાણ કર્યા હતા. લતાજી જ્યારે બપ્પીના પિતાના સંગીતમાં એક ગીત ‘એકબાર બિદાય દે’ ગાવા કલકત્તા આવ્યા ત્યારે એ પણ હાજર રહ્યો હતો. બપ્પીએ ૧૧ વર્ષની ઉંમરે દુર્ગા પૂજા વખતે પ્રાઈવેટ આલબમના એક ગીતમાં સંગીત આપ્યું હતું અને એમાં પિતાએ ગાયું હતું.

બપ્પી ભણતો હતો ત્યારે સંગીતકાર તરીકેની પહેલી બંગાળી ફિલ્મ ‘દાદુ’ મળી હતી. એમાં લતાજી, આશાજી અને મન્ના ડેએ ગીત ગાયા હતા. બપ્પીને ભણવામાં રસ ન હતો. એણે પિતાને સંગીતમાં કારકિર્દી બનાવવાની વાત કરી ત્યારે એમણે પહેલાં ભણવાનું પૂરું કર્યા પછી સંગીતમાં સંપૂર્ણ સમય આપવા કહ્યું હતું. ૧૯ વર્ષની ઉંમરે બપ્પીએ મુંબઈમાં કારકિર્દી બનાવવા માતા- પિતા સાથે પગ મૂક્યો ત્યારે હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે શરૂઆત કરવાનું ખૂબ જ મુશ્કેલ હતું. એસ. ડી. બર્મન, આર. ડી. બર્મન, ઓ. પી. નૈયર, શંકર- જયકિશન, મદન મોહન, કલ્યાણજી- આણંદજી, લક્ષ્મીકાંત- પ્યારેલાલ વગેરે દિગ્ગજ સંગીતકારોનું રાજ હતું. પરંતુ પિતા બંગાળના જાણીતા ગાયક અને સંગીતકાર હોવાથી શરૂઆતમાં હિન્દી ફિલ્મોમાં કામ મળી ગયું.

તનૂજાના પતિ શોમુ મુખર્જીની ફિલ્મ ‘નન્હા શિકારી’ (૧૯૭૩) મળી એ નિષ્ફળ રહી. એ પછી પણ ફિલ્મો ચાલી નહીં ત્યારે પિતાએ એને સૂચન કર્યું કે હજુ થોડા વર્ષ પ્રયત્ન કરી જો. સફળતા નહીં મળે તો પાછા બંગાળ જતાં રહીશું. માતા- પિતા ગાયક તરીકે પ્રવૃત્ત હતા અને આર્થિક રીતે સંપન્ન હતા એટલે બીજો કોઈ પ્રશ્ન ન હતો. એક હિટ ફિલ્મની સતત શોધ રહેતી હતી. સમય જતાં ફિલ્મ ‘એક લડકી બદનામ સી’ (૧૯૭૪) નું લતા મંગેશકર અને કિશોરકુમારે ગાયેલું ‘રહે ના રહે ચાહે હમ ઔર તુ’ લોકપ્રિય રહ્યું અને પ્રશંસા થઈ. આ ગીત સાંભળીને તાહિર હુસેને ફિલ્મ ‘જખ્મી’ (૧૯૭૫) માં મોટો બ્રેક આપ્યો. ફિલ્મના ‘જલતા હૈ જીયા મેરા ભીગી ભીગી રાતોં મેં’ અને બીજા ગીતો બહુ લોકપ્રિય થયા પછી બપ્પીને સંગીતકાર તરીકે હિન્દી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. ફિલ્મ ‘આપ કી ખાતિર’ (૧૯૭૭) નું ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગીત સુપરહિટ રહ્યા પછી સંગીતકાર જ નહીં ગાયક તરીકે પણ બપ્પી લહેરી મુંબઈમાં જામી ગયા હતા.