સર સલામત તો પગડી હજાર

“વસવાટના સ્થળે કોઈ શત્રુ કે રાજા હેરાન કરતો હોય અથવા ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તેને લીધે પોતાની લાજ જતી હોય કે ધનનો નાશ થતો હોય કે પછી પોતાના પ્રાણનો નાશ થવાનું જોખમ હોય એવા સ્થળનો સત્સંગી ગૃહસ્થે તરત જ ત્યાગ કરી દેવો. એ સ્થળ પોતાના મૂળ ગરાસનું હોય કે વતનનું હોય તોપણ વિવેકબુદ્ધિ વાપરીને ગૃહસ્થે ત્યાંથી નીકળી જવું અને એવા દેશ કે પ્રદેશમાં જવું જ્યાં સુખેથી રહી શકાતું હોય.” શિક્ષાપત્રીના 153 અને 154મા શ્લોકનો આ સાર છે.
આ શ્લોક પરથી ‘ભાગ મિલખા ભાગ ફિલ્મ’ યાદ આવે છે. ભારતના ભાગલા વખતે મિલખાના પરિવારે પાકિસ્તાનના ભાગે આવેલા વિસ્તારમાં રહેવાનું પસંદ કર્યું અને મિલખાનાં બહેન-બનેવી તથા જે લોકો ત્યાંથી નીકળી ગયાં એ બધાં ભારતમાં આવીને બચી ગયાં. 1972માં યુગાંડાથી યુનાઇટેડ કિંગડમમાં સ્થળાંતર કરી ગયેલા મૂળ ભારતીય પરિવારોના કિસ્સામાં પણ એવું જ બન્યું હતું.

ઉપરોક્ત બન્ને કિસ્સાઓમાં કારણ રાજકીય પરિસ્થિતિનું હતું. આમ, એ ઘટનાઓ માનવસર્જિત હતી. કેટલીક વાર કોઈક કુદરતી આફત આવવાનું જોખમ હોય અથવા તો આફત આવી રહી હોય એવા સમયે પણ લોકોએ સ્થળાંતર કરી લેવું જરૂરી બને છે. ગુજરાતમાં સરદાર સરોવર બંધ બંધાતી વખતે ઘણા ગ્રામવાસીઓ પાણીને કારણે સર્જાનારી આફતનો તાગ પામીને વતન છોડીને બીજે જતા રહ્યા હતા.

સ્થળાંતર કાયમી કે કામચલાઉ હોઈ શકે છે.

જે. પી. દત્તાની ફિલ્મ – ‘બોર્ડર’માં પાકિસ્તાની હુમલાથી તારાજ થવાનું જોખમ ધરાવતા વિસ્તારમાંથી ગ્રામવાસીઓને દૂર મોકલી દેવાયા હતા, જેથી જાનહાનિ થાય નહીં. આ સ્થળાંતર કામચલાઉ સ્વરૂપનું કહેવાય. આ બધાં શિક્ષાપત્રીમાં કહેલી વાતને લાગુ પડતાં ઉદાહરણો છે. જ્યાં માનવસર્જિત કે કુદરતી આપદાઓ હોય ત્યાંથી પોતાના પરિવાર સાથે તથા સંપત્તિ સાથે સ્થળાંતર કરી લેવું જોઈએ. “આ તો મારું જન્મસ્થળ છે, હું અહીંથી ક્યાંય જઈશ નહીં” એવી જિદ કરીને સ્થળાંતર કરવાનું ટાળવાની માનસિકતા પણ જોવા મળી શકે છે. આથી જ શિક્ષાપત્રીમાં બોધ આપવામાં આવ્યો છે કે પોતાના જન્મસ્થળની કે વતનની પ્રીત છોડીને પણ બીજે ચાલ્યા જવું જરૂરી છે. એવા સમયે લાગણીશીલ બનવાને બદલે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

આપણે યાદ રાખવું જોઈએ કે મોટાભાગની મનુષ્ય જાતિઓ પહેલેથી ભટકતી જાતિઓ જ રહી છે. આપણા પૂર્વજો મધ્ય એશિયાથી આવ્યા હતા. પારસીઓ છેક ઇરાનથી ગુજરાતના સંજાણમાં આવીને વસ્યા હતા. આર્યો અને મોગલો પણ બીજેથી જ આવ્યા હતા. ફક્ત ભારતમાં આવું થયું છે એમ નથી. અમેરિકા તો આખેઆખું વસાહતીઓથી જ ભરેલું છે. મૂળ અમેરિકન લોકો તો ઘણા ઓછા છે.

આપણા વડવાઓ પોતપોતાનાં જન્મસ્થળ છોડીને સ્થળાંતર કર્યું તેનાં ફળ આજે આપણે ચાખી રહ્યા છીએ. શિક્ષાપત્રીની ઉક્ત બાબત નાણાકીય ક્ષેત્રે કઈ રીતે લાગુ પડે છે એ હવે જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનરો હંમેશાં કન્ટિન્જન્સી ફંડ રાખવાનું કહેતા હોય છે. તાકીદના સમયે કામ આવે એવું આ ભંડોળ હોય છે. આપણે પહેલેથી નક્કી કરીને કે પછી અચાનક સ્થળાંતર કરી જવું હોય ત્યારે રોજિંદા ખર્ચ પૂરા કરવા માટે એ રકમ ઉપયોગી થાય છે. સામાન્ય રીતે ત્રણથી પાંચ મહિનાનો ઘરખર્ચ નીકળી જાય એટલું ભંડોળ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કોઈ પણ આફતને પહોંચી વળવા કે તેમાંથી કળ વળવા માટે 90 દિવસનો સમય પૂરતો હોય છે. અંગ્રેજીની કહેવત છે કે ટાઇમ ઇઝ ધ ગ્રેટ હીલર અર્થાત્ સમય જતાં ઘા રૂઝાઈ જાય છે. કોઈ પણ મોટી દુર્ઘટના બને ત્યારે તત્કાળ વ્યવહારુ નિર્ણય લઈ શકાતા નથી. 90 દિવસની અંદર કળ વળે પછી માણસ વ્યવહારુ-તર્કબદ્ધ નિર્ણય લેવાની સ્થિતિમાં આવી જાય છે.

તાકીદના ભંડોળમાં ઘરમાં એક અઠવાડિયું ચાલે એટલી રોકડ રાખવી અને બાકીની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ સાથે સંકળાયેલા સેવિંગ્સ બૅન્ક અકાઉન્ટમાં રાખવી. આ નાણાં સહેલાઈથી મળી શકવાં જોઈએ. પરિવારના સભ્યોને એટીએમ કે ડેબિટ કાર્ડની સુવિધાની જાણ હોવી જોઈએ તથા તેમને તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. ઘણા લોકોને રિયલ એસ્ટેટ પ્રત્યે ઘણી પ્રીતિ હોય છે. અહીં એ યાદ રાખવું કે રિયલ એસ્ટેટ સ્થાયી સંપત્તિ છે. વખાના માર્યા બીજે ક્યાંય જવું પડે તો રિયલ એસ્ટેટ સાથે લઈને જવાનું શક્ય હોતું નથી. આથી ફક્ત રિયલ એસ્ટેટમાં રોકાણ કરતાં જવાનું હિતાવહ નથી. અલગ અલગ પ્રકારની અસેટ્સમાં રોકાણ કરવાની સલાહ આપવા પાછળનું આ પણ એક કારણ છે.
કપરો સમય દરેક મનુષ્યના જીવનમાં આવતો જ હોય છે. એવા વખતે માણસ લાગણીઓમાં તણાઈ જાય છે. આથી જ, શાસ્ત્રોમાં કહેલી વાતને ધ્યાનમાં લઈને આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. આપણાં શાસ્ત્રો ફક્ત મનની શાંતિ માટે નથી, વ્યવહારમાં અમલી બનાવાયા એવાં પણ છે. ઉક્ત શ્લોક દ્વારા શિક્ષાપત્રી “સર સલામત તો પગડી હજાર”નો બોધ આપે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)