અભિનેત્રી બિંદુએ પહેલી ફિલ્મ ‘અનપઢ’ (૧૯૬૨) પછી છેક ‘દો રાસ્તે’ (૧૯૬૯) થી પુનરાગમન કર્યું એની પાછળની કહાની રસપ્રદ છે. ‘અનપઢ’ માં માલા સિંહાની પુત્રીની ભૂમિકા કરીને શરૂઆત કર્યા બાદ અભિનયમાં સફળતા ના મળતાં બિંદુએ કામ બંધ કરી દીધું હતું. ‘અનપઢ’ ના ‘આપ કી નજરોં ને સમઝા’ વગેરે બધા જ ગીતો સાથે સંગીત લોકપ્રિય થયું પણ ફિલ્મ ચાલી નહીં. બિંદુને પહેલી ફિલ્મથી જે ઓળખ મળવી જોઈએ એ મળી નહીં. ફિલ્મ રજૂ થયા પછી લોકોને ખ્યાલ ના આવ્યો કે બિંદુ નામની કોઈ નવી છોકરી આવી છે. બિંદુને કોઈ ફિલ્મ ના મળી એ દરમ્યાનમાં ચંપકલાલ ઝવેરીની બહેન સાથે મિત્રતા હોવાથી એમની સાથે મુલાકાત થઈ અને પ્રેમ થતાં ૧૯૬૪ માં લગ્ન કરી લીધા. પહેલાં એણે હીરોઈન બનવાનું વિચાર્યું હતું. પણ કામ મળવાનું મુશ્કેલ હતું. કેમકે લોકો એવું માનતા હતા કે એ પાતળી અને લાંબી છે. ગુજરાતી ભાષી છે એટલે હિન્દી બોલવા અંગે શંકા વ્યક્ત થતી હતી.
બિંદુએ પ્રયત્ન છોડી દીધા હતા. એક દિવસ અભિનેતા ચંદ્રશેખરના જન્મદિનની પાર્ટીમાં જવાનું આમંત્રણ મળ્યું. બિંદુ એની બહેનો સાથે ગઈ ત્યારે ત્યાં સંગીતકાર લક્ષ્મીકાંત–પ્યારેલાલ પણ આવ્યા હતા. ત્યારે એમની ‘પારસમણી’ (૧૯૬૩) અને ‘દોસ્તી’ (૧૯૬૪) રજૂ થઈ ચૂકી હતી. બિંદુ અને એની બહેનો એના ગીતોની દીવાની હતી. એમણે લક્ષ્મીકાંત – પ્યારેલાલના સંગીતના બહુ વખાણ કર્યા અને એમની મિત્રતા થઈ ગઈ. બિંદુએ એમને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું. કેમકે ઘર નજીકના ફેમસ સ્ટુડિયોમાં જ એમના સંગીતનું રેકોર્ડિંગ થતું હતું. એમને બિંદુનો પરિવાર સારો લાગ્યો અને અવરજવર શરૂ થઈ ગઈ. ત્યારે બિંદુને ખબર ન હતી કે એની નાની બહેન જયા સાથે લક્ષ્મીકાંતની આંખો ચાર થઈ ગઈ છે. એમણે જ્યારે બિંદુની બહેન સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે ખબર પડી. બહેનને લક્ષ્મીકાંત પસંદ હતા એટલે એણે પણ હા પાડી દીધી અને એમનાં લગ્ન થઈ ગયા.
એક દિવસ લક્ષ્મીકાંત બિંદુના ઘરે જમવા આવવાના હતા પણ રાજ ખોસલાની ફિલ્મ ‘અનિતા’ (૧૯૬૭) ના સંગીતમાં એટલા વ્યસ્ત રહ્યા કે બહુ મોડું થઈ ગયું. સ્ટુડિયો નજીક હતો એટલે બિંદુ પતિ સાથે એમને બોલાવવા ગઈ. ત્યારે એમણે કહ્યું કે કામ પૂરું જ થવા આવ્યું છે. તેઓ આવી રહ્યા છે. ત્યાં રાજ ખોસલા હાજર હતા એટલે લક્ષ્મીકાંતે બિંદુ પોતાની સાળી હોવાનો પરિચય આપ્યો. થોડી વાર પછી રાજે પૂછ્યું કે તું ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરશે? બિંદુ અભિનય કરવાની વાત પોતાના દિમાગમાંથી કાઢી ચૂકી હતી પણ કંઈક વિચારીને તરત જ હા પાડી દીધી. રાજે ફિલ્મ ‘દો રાસ્તે’ ની વેમ્પની ભૂમિકા ઓફર કરી ત્યારે બિંદુ વિચારમાં પડી ગઈ. એને નકારાત્મક ભૂમિકા કરવા બાબતે મૂંઝવણ ઊભી થઈ એટલે રાજે પંદર દિવસમાં જવાબ આપવાનું કહ્યું. બિંદુએ પછીથી પતિને, લક્ષ્મીકાંતને અને બીજા ઘણાને પૂછ્યું કે અભિનયમાં નકારાત્મક ભૂમિકાનો આ નવો રસ્તો પસંદ કરવો કે નહીં.
મોટાભાગનાએ હકારાત્મક પ્રતિભાવ ના આપ્યો. પણ બિંદુને થયું કે લોકો કહેતા હતા કે ગુજરાતી છે અને આવી છે તેવી છે ત્યારે આ એક તક છે જેનાથી લોકોને બતાવી શકું છું કે કંઈક કરી શકું છું. બિંદુએ રાજને હા પાડી દીધી અને એમણે સ્ક્રીનટેસ્ટ લઈ એને પસંદ કરી લીધી. બિંદુએ પડકાર ઝીલીને એ નકારાત્મક ભૂમિકાને એવી ભજવી કે અભિનયમાં નામ થઈ ગયું અને બધાને ખબર પડી ગઈ કે બિંદુ નામની એક અભિનેત્રી આવી છે.
