સાવનકુમાર અભિનયની ગલીમાં ગયા નહીં 

નિર્માતા, નિર્દેશક અને ગીતકાર તરીકે નામ કમાનાર સાવનકુમારે અભિનેતા બનવું હતું. જયપુરથી કિશોર વયમાં માતાને કહ્યા વગર ઘરમાંથી ૪૫ રૂપિયાની ચોરી કરીને પોતાનું હીરો બનવાનું સપનું પૂરું કરવા મુંબઇ આવ્યા હતા. એમણે મહિનાઓ સુધી ફિલ્મ સ્ટુડિયોના ચક્કર કાપ્યા. કોઇ અંદર જવા દેતું ન હતું. તે સ્ટુડિયોની બહાર જ ઊભા રહેતા હતા. એક સ્ટુડિયોની બહાર નિયમિત ઊભા રહેતા હોવાથી ચોકીદારને દયા આવતાં અંદર જવાની પરવાનગી આપી હતી. અંદર દિલીપકુમાર- મીનાકુમારીની ફિલ્મ ‘યહૂદી’ (૧૯૫૮) નું શુટિંગ ચાલતું હતું. એના એક દ્રશ્ય માટે નિર્દેશકે બંનેને વારંવાર રિહર્સલ કરાવ્યું. એ જોઇને સાવનકુમારે એમ વિચારીને અભિનેતા બનવાનો નિર્ણય માંડી વાળ્યો કે આ મુશ્કેલ કામ છે. પણ મુંબઇમાં કંઇક બનવું હતું એટલે ફિલ્મોના નિર્માણ-નિર્દેશન માટે પ્રયત્ન શરૂ કર્યા.

અનેક વર્ષોના સંઘર્ષ પછી સંજીવકુમાર સાથે ફિલ્મ ‘નૌનીહાલ’ (૧૯૬૭) નું નિર્માણ કરવાની તક મળી. એ સફળ ના રહી અને બીજા કેટલાક વર્ષ વીતી ગયા પછી ફિલ્મ ‘ગોમતી કે કિનારે’ (૧૯૭૨) થી નિર્દેશક બનવાની તક મળી. અસલમાં એ નિર્માતા તરીકે આ ફિલ્મની વાર્તા મીનાકુમારીને સંભળાવવા ગયા હતા. ત્યારે મીનાકુમારીએ જ સાવનકુમારને નિર્દેશન કરવા સૂચન કર્યું હતું. સાવનકુમારે પોતાને અનુભવ ન હોવાનું જણાવ્યું ત્યારે મીનાકુમારીએ કહ્યું હતું કે તમે વાર્તા સંભળાવી છે એ પ્રમાણે નિર્દેશન કરવાનું છે. મીનાકુમારીની એ છેલ્લી ફિલ્મ હતી. એ નિષ્ફળ રહ્યા પછી પણ સાવનકુમારે હાર ના માની અને અનિલ ધવનને લઇ ‘હવસ’ (૧૯૭૪) નું નિર્માણ- નિર્દેશન શરૂ કર્યું. ફિલ્મની વાર્તા એમણે જ લખી હતી. એમને કલ્પના ન હતી કે પોતે ગીતકાર પણ બની જશે. અસલમાં ‘હવસ’ ના ગીતો લખાવવા તે મજરૂહ સુલતાનપુરી પાસે ગયા હતા. કેમકે ‘ગોમતી કે કિનારે’ ના ગીતો એમના જ હતા.

અડધો દિવસ એમની સાથે ગીતો વિશે ચર્ચા કરી અને જ્યારે ફી પૂછી ત્યારે એમણે ઘણી વધારે કહી. અગાઉની ફિલ્મની નિષ્ફળતાથી સાવનકુમાર નુકસાનમાં હતા. તે મજરૂહને માગ્યા મુજબની ફી ચૂકવી શકે એમ ન હતા. ઓછી રકમમાં ગીતો લખવાની વિનંતી કરી એને મજરૂહે માની નહીં. તે ગુસ્સામાં ત્યાંથી નીકળ્યા અને નક્કી કર્યું કે,’તેરી ગલીયોં મેં ના રખેંગે કદમ આજ કે બાદ.’ એમના મનમાં પછી આ શબ્દો જ ગુંજવા લાગ્યા. એને ‘હવસ’ ના ગીત તરીકે એમણે સંગીતકાર ઉષા ખન્નાને સંભળાવ્યા. એમને પંક્તિ ગમી ગઇ અને ધૂન બનાવી દીધી. સાવનકુમારે પાછળથી પોતાની ફિલ્મોના જ ગીતો લખ્યા. જ્યારે ઉષા ખન્નાએ મોહમ્મદ રફીના સ્વરમાં ‘તેરી ગલીયોં મેં’ ગીત રેકોર્ડ કર્યું ત્યારે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ફિલ્મ ‘સબક’ (૧૯૭૩) ના નિર્દેશક જુગલ કિશોર આવ્યા હતા.

એ આ ગીત સાંભળીને બહુ પ્રભાવિત થયા. એમને વરસાદ પર એક ગીતની જરૂર હતી. ‘સબક’ ના સંગીતકાર ઉષા ખન્ના જ હતા. એમના દ્વારા સાવનકુમારને વિનંતી થતાં એમણે ‘બરખા રાની જરા જમ કે બરસો’ ગીત લખી આપ્યું. જે ‘તેરી ગલીયોં મેં’ જેટલું જ લોકપ્રિય બન્યું. આ ગીતની બીજી રસપ્રદ વાત એ છે કે તેને શત્રુધ્ન સિંહા અને પૂનમ સિંહા પર ફિલ્માવવાનું હતું. ત્યારે બંને વચ્ચે અબોલા થઇ જતાં અભિજીત અને જયશ્રી ટી. પર ફિલ્માવ્યું હતું. પછી શત્રુધ્નને સમજાવવામાં નિર્દેશક સફળ થતાં એમના પૂનમ સાથેના દ્રશ્યો ગીતમાં ઉમેર્યા હતા. આ કારણે જ ગીતમાં બે દંપતી દેખાય છે અને ગાયક એક મુકેશ જ છે. સાવનકુમારે આ ગીત સ્ત્રી અવાજ માટે પણ લખ્યું હતું. જેમાં સુમન કલ્યાણપુરે સ્વર આપ્યો હતો.