અમિતાભને થઇ રાજેશની ભૂમિકાથી ચિંતા    

ઋષિકેશ મુખર્જી જ્યારે ‘નમકહરામ’ (૧૯૭૩) બનાવી રહ્યા હતા ત્યારે અમિતાભ રાજેશ ખન્નાની ‘સોમુ’ ની ભૂમિકાને કારણે ચિંતિત થયો હતો. ઋષિદાએ જ્યારે ‘નમકહરામ’ માં રાજેશ ખન્ના સાથે નવા ગણાતા અમિતાભને ‘વિકી’ ના પાત્રમાં લેવાનો નિર્ણય કર્યો ત્યારે નિર્માતા જયેન્દ્ર અને રાજારામે ચિંતા વ્યક્ત કરી હતી. ઋષિદા અમિતાભને જબરદસ્ત અભિનેતા માનતા હતા. તેમણે નિર્માતાઓને એના પર ભરોસો કરવા કહ્યું હતું. અને થોડું કામ જોયા પછી એના વિશે અભિપ્રાય આપવા કહ્યું હતું. ફિલ્મ બનતી હતી ત્યારે અમિતાભ પોતાના જ કામથી સંતુષ્ટ જણાતા ન હતા. કેમકે બધા તેમને એવું કહેતા હતા કે તેમણે સંવાદમાં બહુ મોટેથી બૂમો પાડી છે. જયા બચ્ચન અને ગુલઝારનો પણ એવો જ મત હતો.

આ અંગે અમિતાભે ચિંતા વ્યક્ત કરી ત્યારે ઋષિદાએ અમિતાભને સમજાવ્યા કે તે આયોજનથી જ બધું કામ કરે છે. એમણે ફિલ્મ પૂરી થવાની રાહ જોવી જોઇએ. પણ અમિતાભ ઋષિદાથી એક અઠવાડિયા સુધી નારાજ રહ્યા. અમિતાભને એવો ડર હતો કે દર્શકોની સહાનુભૂતિ રાજેશ ખન્ના લઇ જશે. તે જે પાત્ર ભજવી રહ્યો હતો તેનું મૃત્યુ થતું હતું. એ સમય પર ફિલ્મોમાં જે પાત્રનું મૃત્યુ થાય તેને દર્શકોની સહાનુભૂતિ મળતી હોવાનું કહેવાતું હતું. આ કારણે કલાકારો ઇચ્છતા હતા કે ફિલ્મના અંતે તેમના પાત્રનું મૃત્યુ થાય. અમિતાભને ફિકર હતી કે બધી જ સહાનુભૂતિ રાજેશને મળશે તો પોતાને કોઇ ફાયદો નહીં થાય. લોકો એનો અભિનય સારો હોવા છતાં યાદ રાખશે નહીં.

ઋષિદાને અમિતાભે અનેક વખત એવી પણ ફરિયાદ કરી હતી કે તે રાજેશ ખન્નાને વધારે મહત્વ આપી રહ્યા છે. આ વાતની ખબર સાઉન્ડ રેકોર્ડિસ્ટ મંગેશ દેસાઇને પડી ત્યારે એમણે અમિતાભના આ વલણ માટે નારાજગી બતાવી અને ઠપકો પણ આપ્યો. તેમનું કહેવું હતું કે તેનો રોલ પણ મહત્વનો છે. ફિલ્મ વિશે હજુ તે બરાબર જાણતો નથી. મંગેશની વાત સાંભળ્યા પછી પણ અમિતાભ પોતાના વિશે ચિંતિત રહેતા હતા. ‘નમકહરામ’ જ્યારે રજૂ થઇ ત્યારે ઋષિદા સાચા પડ્યા. ફિલ્મ હિટ રહી અને અમિતાભને પ્રશંસા મળી. વળી એ પહેલાં ‘જંજીર’ (૧૯૭૩) રજૂ થઇ ચૂકી હોવાથી એની લોકપ્રિયતાનો પણ અમિતાભને લાભ મળ્યો. અમિતાભ બચ્ચનને ‘નમકહરામ’ ના અભિનય માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ત્યાર પછી અમિતાભને ઋષિદા પર પૂરો વિશ્વાસ આવી ગયો હતો.