શાહીનબાગમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના દક્ષિણ ભાગમાં આવેલા શાહીનબાગ વિસ્તારમાં સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને 9 મે, સોમવારે ગેરકાયદેસર બાંધકામો/અતિક્રમણોને તોડી પાડવાની પડકારજનક કામગીરી હાથ ધરી હતી. એ માટે પોલીસ તથા અર્ધલશ્કરી દળના જવાનોનો કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કર્મચારીઓની ટીમ બાંધકામોને જમીનદોસ્ત કરવા માટે એક જેસીબી બુલડોઝર તથા કાટમાળને લઈ જવા માટે બે-ત્રણ ટ્રક સાથે ત્યાં પહોંચી ગયા હતા.

ડિમોલીશન કામગીરીને રોકવા માટે ઘણા લોકોએ આંદોલન કર્યું હતું. કેટલાક જણ બુલડોઝરની સામે બેસી ગયા હતા. મ્યુનિસિપલ કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસે અનેક સ્થાનિક લોકો તથા રાજકીય પક્ષોના કાર્યકર્તાઓને અટકમાં લીધા હતા. મહિલા પોલીસકર્મીઓએ મહિલા આંદોલનકારીઓને ત્યાંથી દૂર કરી હતી.