શિવકુમાર શર્માને શાસકીય સમ્માન સાથે અપાઈ અંતિમવિદાય

હૃદયરોગના હુમલાને કારણે મુંબઈમાં પોતાના નિવાસસ્થાને 10 મે, મંગળવારે અવસાન પામેલા વિખ્યાત સંતૂરવાદક અને સંગીતકાર પંડિત શિવકુમાર શર્મા (84)ના 11 મે, બુધવારે વિલે પારલે સ્થિત સ્મશાનભૂમિમાં સંપૂર્ણ શાસકીય માનમરતબા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે દિવંગત શર્માજીને ગન સેલ્યૂટ આપી હતી. પંડિત શર્માને અંતિમ વિદાય આપવા માટે એમના પત્ની મનોરમા, પુત્રો રાહુલ અને રોહિત, અન્ય પરિવારજનો અને સગાંસંબંધીઓ, એમના જૂના મિત્ર અને ભાગીદાર વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, તબલાવાદક ઝાકીર હુસેન તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગ તથા સંગીતક્ષેત્રની નામાંકિત હસ્તીઓ ઉપસ્થિત હતી.

રાષ્ટ્રધ્વજ વીંટાળેલા પંડિત શર્માના પાર્થિવ શરીરને બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવ્યું હતું. રસ્તા પર અંતિમયાત્રામાં સેંકડો લોકો સામેલ થયા હતા.

પંડિત શર્માના જુહૂ વિસ્તારસ્થિત નિવાસસ્થાને જઈને પુષ્પાંજલિ અર્પણ કરનાર હસ્તીઓમાં અમિતાભ બચ્ચન અને એમના પત્ની જયા બચ્ચન, જાવેદ અખ્તર અને એમના પત્ની શબાના આઝમી, ગાયિકા ઈલા અરૂણ, સંગીતકાર બંધુઓ જતીન-લલિતનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]