નૌકાદળની અનોખી સિદ્ધિઃ એક સાથે બે યુદ્ધજહાજનું જલાવતરણ કરાયું

મુંબઈમાં મઝગાંવ ડોક્સ ખાતે સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવેલા બે યુદ્ધજહાજ – ‘આઈએનએસ સૂરત’ અને ‘આઈએનએસ ઉદયગિરી’ને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 17 મે, મંગળવારે લોન્ચ કર્યા હતા અને ભારતીય નૌકાદળમાં વિધિવત્ સામેલ કરાવ્યા હતા.

સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત બે યુદ્ધજહાજને એક સાથે લોન્ચ કરવામાં આવ્યા હોય એવો આ પહેલો જ પ્રસંગ છે, એમ જહાજ નિર્માણ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએસએલ) તરફથી જણાવવામાં આવ્યું છે. જહાજ અને સબમરીન બનાવતી દેશના જાહેર ક્ષેત્રની આ પ્રમુખ કંપની છે.

પ્રોજેક્ટ-15B વિનાશિકા વર્ગમાં આઈએનએસ સૂરત ચોથું જહાજ છે. તેને ગુજરાતના આર્થિક પાટનગર સુરતનું નામ આપવામાં આવ્યું છે.

જહાજ આઈએનએસ ઉદયગિરીને આંધ્ર પ્રદેશની પર્વતમાળા ઉદયગિરીનું નામ આપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ-17A ફ્રિગેટ્સ વર્ગમાં ત્રીજું જહાજ છે. આ સુધારિત આવૃત્તિનું જહાજ છે જેને અત્યાધુનિક શસ્ત્રો અને સેન્સર્સ તથા પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ્સથી સજ્જ કરવામાં આવ્યું છે.

આઈએનએસ ઉદયગિરી

રાજનાથસિંહે એમના સંબોધનમાં કહ્યું હતું કે દેશના હિતના રક્ષણ માટે અને ભારતને વૈશ્વિક શક્તિ બનાવવા માટે નૌકાદળ શક્તિશાળી હોવું જરૂરી છે.

આ બંને યુદ્ધજહાજ દુનિયાના દેશોને ભારતની વ્યૂહાત્મક શક્તિ અને આત્મનિર્ભર ક્ષમતાનું પ્રદર્શન છે.

(તસવીર સૌજન્યઃ પીઆઈબી)