મન હોય તો માળવે જ નહીં, મતદાન મથકે ય જવાય…

અમદાવાદઃ લોકસભા-2019ની ચૂંટણીમાં 23 એપ્રિલે ગુજરાતના મતદારોએ મતદાન કર્યુ. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદની ઠંડક છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગઇ છે. ગુજરાતના મતદારો માટે મતદાનનો દિવસ હોટ રહ્યો. આ અસહ્ય ગરમી વચ્ચે મતદારો વહેલી સવારથી જ પોતાના મતદાન મથકની કતારોમાં ઉભા રહી ગયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો-વૃધ્ધો અને દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો.

કેટલાક સ્થળોએ દિવ્યાંગ અને સીનિયર સિટીઝન્સ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જો કે અમદાવાદના વાડજ મતદાન મથકમાં મનજીભાઇ રામાણીની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતાએ બધાના દિલ જીતી લીધા હતા. મનજીભાઇ મોં અને પગ દ્વારા સુંદર પેઇન્ટિંગ કરવા માટે ખૂુબ જ જાણિતા છે. કલાકાર અને મતદાર મનજીભાઇ જ્યારે વોટ આપવા મતદાન મથકમાં આવ્યા ત્યારે એમનો ઉત્સાહ જોઇ સૌ સ્તબ્ધ થઇ ગયા. કારણ કે બે હાથની ગેરહાજરીમાં મનજીભાઈએ પગનો ઉપયોગ કરીને મતદાનની ફરજ પુરી કરી હતી. મતદાનની નીશાની તરીકે શાહીના ટપકાનું નિશાન એમના પગના અંગુઠા પર કરવામાં આવ્યું હતું, અને ઈવીએમનું બટન પણ એમણે પગની આંગળીથી જ દબાવ્યું હતું.

રાજકારણની સુગ, ગરમી, નોકરી-ધંધો કે આળસના બહાના હેઠળ મતદાન મથકે જવાનું ટાળતા લોકોએ મનજીભાઇને મતદાન કરતાં જોઇને પ્રેરણા લેવી જોઇએ. અને મનજી ભાઈએ સાબિત કરી આપ્યું કે મન હોય તો માળવે જ નહીં, મતદાન મથકે ય જવાય…

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]