પીયૂષ ગોયલ નાણાં પ્રધાન, સ્મૃતિ ઈરાની ફરી માનવ સંસાધન વિકાસ પ્રધાન બનશેઃ અહેવાલ

નવી દિલ્હી – નરેન્દ્ર મોદી સતત બીજી મુદતમાં વડા પ્રધાન બનશે. 30 મેના ગુરુવારે એ શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોદી તથા મોદી તથા એમના સાથી પ્રધાનોને હોદ્દાના શપથ લેવડાવશે. બીજી મુદતમાં, મોદીના પ્રધાનમંડળમાં ઘણા ફેરફારો જોવા મળે એવી ધારણા છે.

એવી અટકળો છે કે ભાજપના સિનિયર નેતા અને ગત સરકારના નાણાં પ્રધાન અરૂણ જેટલી એમની નાદુરસ્ત તબિયતને કારણે નવી સરકારમાં નહીં જોડાય. અહેવાલ અનુસાર, નાણાં ખાતું પીયૂષ ગોયલને સોંપવામાં આવશે, જે હાલ રેલવે પ્રધાન છે. ગત્ મુદતમાં, જેટલીની ગેરહાજરીમાં ગોયલે જ નાણાં ખાતું સંભાળ્યું હતું અને વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. ગોયલ હવે આવતા જુલાઈમાં સંપૂર્ણ સ્તરનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

પીયૂષ ગોયલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને ભૂતપૂર્વ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર પણ છે.

જેટલી છેલ્લા એક વર્ષથી બીમાર રહે છે. મોદી કદાચ એમને પ્રધાન બનાવશે, પણ કોઈ હોદ્દો નહીં આપે એવો પણ અહેવાલ છે.

એવી પણ શક્યતા છે કે ભાજપપ્રમુખ અમિત શાહને કેબિનેટમાં સ્થાન અપાશે. શાહ લોકસભા ચૂંટણીમાં ગુજરાતના ગાંધીનગરમાંથી પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી વિજયી થયા છે.

કહેવાય છે કે ગત્ સરકારમાં ટેક્સટાઈલ પ્રધાન તરીકે ફરજ બજાવનાર સ્મૃતિ ઈરાનીને ફરી એમનું માનવ સંસાધન વિકાસ ખાતું આપવામાં આવશે. ઈરાનીએ લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને હરાવીને સનસનાટી સર્જી દીધી છે.

ગત્ સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ, જળસંસાધન ખાતું સંભાળનાર નીતિન ગડકરીને કદાચ એનાથી વધારે મોટું ખાતું આપવામાં આવશે.

ભાજપના મહામંત્રી રામ માધવને પણ પ્રધાન બનાવવામાં આવે અને કેબિનેટ રેન્ક સાથે કોઈક મહત્ત્વનું ખાતું સોંપવામાં આવે એવી ધારણા છે.

એવી જ રીતે, રાજસ્થાનનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે અને મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને પણ મોદી પોતાના પ્રધાનમંડળમાં સ્થાન આપે એવી ધારણા છે.

નરેન્દ્ર મોદી સરકાર નીતિ આયોગમાં પણ ફેરફાર કરે એવી ધારણા છે. રાજીવ કુમારની જગ્યાએ કદાચ નંદન નિલેકણીને વાઈસ-ચેરમેન બનાવવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]