સૂરત ટ્યૂશન ક્લાસ આગનો રીપોર્ટ મેળવ્યાં બાદ ખળભળ્યાં સીએમ રૂપાણી, કહ્યું…

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સૂરતમાં ટ્યૂશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનામાં કસુરવારો સામે કડક હાથે કામ લેવા પ્રતિબદ્ધ છે અને કોઇ જ પ્રકારની બેદરકારી સાંખી લેવાશે નહી જ.મુખ્યપ્રધાન સમક્ષ શહેરી વિકાસના અગ્રસચિવ મૂકેશ પૂરીએ સૂરત ટયૂશન કલાસ આગ દુર્ઘટનાનો પ્રાથમિક તપાસનો અહેવાલ સોંપ્યા બાદ આ બેઠક યોજાઈ હતી.

સેઇફ-ગુજરાત મોડેલ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે સરકાર જનજાગૃતિ માટે શહેરી વિકાસ વિભાગ, ફાયરબ્રિગેડ, ટાઉન પ્લાનીંગ અને કાયદા તેમજ ઊર્જા વિભાગના લોકો સાથે મળીને ચોક્કસ કાર્યનીતિ – કાયદો બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધશે.

રૂપાણીએ આ સંદર્ભમાં કાયદામાં સુધારા-વધારા, નિયમિત ઇન્સ્પેકશન, એન્ફોર્સમેન્ટ તથા કસૂરવારોની ક્રિમીનલ લાયાબિલીટી ફિક્સ કરવા સુધીની કાર્યવાહી માટે પણ બેઠકમાં સૂચનો કર્યા હતા.

સીએમ રુપાણીએ કહ્યું કે, આ સરકાર આવી ગંભીર દુર્ઘટનાઓ બાબતે કોઇ જ કોમ્પ્રોમાઇઝ કરવાની નથી અને કસૂરવારો સામે સખત પગલાં ભરશે. સેફટી-લોકોના જાનની રક્ષાને પ્રાયોરિટી આપીને સમગ્ર રાજ્યમાં બધા જ નગરો-મહાનગરોમાં ફાયર સેફટી અંગેનું ચુસ્ત પાલન રાજ્ય સરકાર કરાવશે જ.

મોટા શહેરો-નગરોમાં જ્યાં માસ ગેધરીંગ થતાં હોય તેવા કામકાજના સ્થળો એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, હોટલ્સ, મોલ, સિનેમાગૃહો વગેરેમાં ફાયર સેફટીની સજ્જતા સાધનોનું નિયમીત ચેકિંગ કરાશે. આવી વ્યવસ્થાઓ ન હોય ત્યાં નોટિસ આપી તેને બંધ કરવા સુધીની કાર્યવાહી પણ સરકાર કરશે.

તેમણે હાઇરાઇઝડ બિલ્ડીંગ-આવાસો સહિતની જગ્યાએ ફાયર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ પ્રાપ્ત મેનપાવર ર૪ કલાક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થાઓ વિકસાવવા,  લિફટમેન, સિકયુરિટી ગાર્ડસને વર્ષે એકવાર ફાયર સેફટી તાલીમ, તેમજ નિયમીત આવી સિસ્ટમના સંબંધિત મહાનગરપાલિકા- નગરપાલિકા તંત્ર દ્વારા ચેકિંગ માટે પણ સૂચન વ્યકત કર્યું હતું.

સૂરતની આગ દુર્ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્ય સરકારે છેલ્લા ૩ દિવસથી સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ ઝૂંબેશ ઉપાડી છે અને ફાયર સેફટી સહિતની આપદા પ્રબંધન વ્યવસ્થાનો ચુસ્ત અમલ થાય તે સુનિશ્ચિત કરાઇ રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]