બજરંગ પુનિયાએ એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

શિઆન (ચીન) – અહીં આજથી શરૂ થયેલી એશિયન કુસ્તી સ્પર્ધામાં ભારતના બજરંગ પુનિયાએ આજે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પુનિયા હાલ વિશ્વમાં નંબર-વન રેન્ક ધરાવે છે. એશિયન કુસ્તી સ્પર્ધામાં પુનિયાનો આ બીજો ગોલ્ડ મેડલ છે. પહેલો ગોલ્ડ એણે 2017માં જીત્યો હતો.

24 વર્ષીય પુનિયા હરિયાણાનો વતની છે. પુરુષોની 65 કિ.ગ્રા. ફ્રીસ્ટાઈલ કેટેગરીની ફાઈનલમાં એણે કઝાખસ્તાનના પહેલવાન સાયાત્બેક ઓકાસોવને 12-7 સ્કોરથી પરાજય આપ્યો હતો. મુકાબલામાં એક સમયે પુનિયા 2-5થી પાછળ હતો અને આખરી બેલ વાગવાને માત્ર 60 સેકંડની જ વાર હતી, પણ એણે જોરદાર રીતે કમબેક કર્યું હતું અને લગાતાર 10 પોઈન્ટ હાંસલ કર્યા હતા. ઓકાસોવ, જે એશિયન ગેમ્સનો કાંસ્યચંદ્રક વિજેતા છે, એ પુનિયાના આક્રમણથી થાકી ગયો હતો.

2018માં પુનિયાએ જાપાનમાં એશિયન કુસ્તી સ્પર્ધામાં  કાંસ્યચંદ્રક જીત્યો હતો.

પુનિયાએ વર્તમાન સ્પર્ધામાં આજના મુકાબલાનો આરંભ ઈરાનના બિઆબની પર જીત મેળવીને કર્યો હતો. ત્યારબાદ એણે ક્વાર્ટર ફાઈનલમાં શ્રીલંકાના ચાર્લ્સ ફર્નને અને સેમી ફાઈનલમાં ઉઝબેકિસ્તાનના ખાસાનોવને 12-1થી  હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

પુનિયા આ પહેલાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

બજરંગના ગુરુ અને લંડન ઓલિમ્પિક્સના કાંસ્યચંદ્રક વિજેતા કુસ્તીબાજ યોગેશ્વર દત્તે તેમના શિષ્યને આજની સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન આપ્યા છે.