ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર ભારતના સૌથી પ્રતિષ્ઠિત લોકસભા મતવિસ્તારોમાંનું એક છે. જેનું પ્રતિનિધિત્વ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા થયું છે. આ મતવિસ્તારની રચના ૧૯૬૭માં કરવામાં આવી હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય કોંગ્રેસના સોમચંદભાઈ સોલંકી હતા. 1989થી આ બેઠક ભાજપનો ગઢ બની છે. બેઠક ભલે ગાંધીનગરના નામથી ઓળખાય છે પરંતુ તેમાં અમદાવાદના મતદારો મહત્વનો ભાગ ભજવે છે.
ઉમેદવાર
ભાજપ: અમિત શાહ
2019માં ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી બન્યા. તેઓ 1989માં ગુજરાત ભાજપના ઉપપ્રમુખ બન્યા હતા. 1997માં સરખેજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. 2002માં ગુજરાતના ગૃહમંત્રી હતા. 2013માં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતા. જ્યારે 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. ભાજપમાં નાના હોદ્દા પરથી તેઓ દેશના ગૃહમંત્રી પદ સુધી પહોંચ્યા છે. ભાજપના કાર્યકરોમાં તેમની છબી કુશળ સંગઠક અને વિજયના વ્યૂહરચનાકાર તરીકેની છે.
કોંગ્રેસ: સોનલબેન પટેલ
સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે.
PROFILE
- ગાંધીનગર લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભાનો સમાવેશ થાય છે.
- 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના અમિત શાહ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 5,57,014 વોટની લીડથી જીત્યા હતા.
- મતદારોની સંખ્યા
કુલ મતદારો 21,50,110
પુરુષ મતદાર 11,04,559
સ્ત્રી મતદાર 10,45,481
વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક | પક્ષ | વિજેતા | વોટ | લીડ |
ગાંધીનગર ઉત્તર | ભાજપ | રીટાબેન પટેલ | 80,623 | 26,111 |
કલોલ | ભાજપ | લક્ષ્મણજી ઠાકોર | 86,102 | 5,733 |
સાણંદ | ભાજપ | કનુભાઈ પટેલ | 1,00,083 | 35,369 |
ઘાટલોડિયા | ભાજપ | ભૂપેન્દ્ર પટેલ | 2,13,530 | 1,92,263 |
વેજલપુર | ભાજપ | અમિત ઠાકર | 1,28,049 | 59,651 |
નારણપુરા | ભાજપ | જીતેન્દ્રકુમાર પટેલ | 1,08,160 | 92,800 |
સાબરમતી | ભાજપ | હર્ષદ પટેલ | 1,20,202 | 98,684 |
ગાંધીનગર બેઠકની વિશેષતા
- 1991થી આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતા વર્સિસ સ્થાનિક નેતાનો જંગ જોવા મળે છે.
- રાજેશ ખન્ના કે ટી. એન. શેસાન પણ ભાજપનો વિજય રથ અટકાવી શક્યા નથી.
- 1998થી 2014 સુધી લાલ કૃષ્ણ અડવાણી આ બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યા હતા.
- 2019માં આ બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.