ભાવનગર: મતદારો કોને ‘ભાવ’ આપશે?

ભાવનગર: આઝાદી પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતું ભાવનગર વિશાળ સ્ટેટ હતું. મહારાજા ભાવસિંહજીએ વર્ષ 1743માં વડવા ગામ નજીક ભાવનગરની સ્થાપના કરી હતી. આઝાદી બાદ અખંડ ભારત માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા પોતાનું ભાવનગર રાજ્ય સરદાર પટેલને સોંપ્યું હતું. ભાવનગર જિલ્લામાં વિશાળ દરિયાકાંઠો, અલંગ જેવો મોટો શિપબ્રેકિંગ ઉદ્યોગ, ઘોઘા બંદર આવેલાં છે. 1989 સુધી ભાવનગરમાં કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોનું વર્ચસ્વ હતું, પરંતુ 1991થી ભાવનગરની પ્રજાએ ભાજપનો સાથ આપ્યો છે. આ બેઠક પર સૌથી વધુ અંદાજે 2.95 લાખ કોળી મતદારો છે.

ઉમેદવાર

ભાજપ:  નિમુબેન બાંભણીયા

નિમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે. 57 વર્ષીય નિમુબેન બે વખત મેયર રહી ચૂક્યા છે. ત્રણવાર કોર્પોરેટર અને અનેક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. B.Sc., B.Ed.નો અભ્યાસ કરીને શિક્ષિકા તરીકે કાર્યરત હતા. વર્ષ 2004થી ભાજપમાં જોડાયેલા છે. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. 2011થી 2013 ભાજપ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચામાં 2013 થી 2021 ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે.

 

આપ:   ઉમેશ મકવાણા

ઈન્ડિયા ગઠબંધને લોકસભામાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેશ મકવાણા બોટાદના રહેવાસી છે અને તેઓ કોળી પટેલ જ્ઞાતિમાંથી આવે છે. તેમણે બી.એ, બી.એડ.નો અભ્યાસ કર્યો છે અને યુનિવર્સિટીમાં તેઓ પ્રથમ રહ્યા હતા. ઉમેશ મકવાણાની રાજકીય સફર વર્ષ 2020થી શરુ થઈ હતી. બોટાદ લોકસભાના તેઓ 2020થી 2023 સુધી આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ રહ્યા હતા. 2023થી આજ દિન સુધી તેઓ રાષ્ટ્રીય સંયુક્ત મહા સચિવ છે. ઉમેશ મકવાણા આમ તો 1998થી રાજકારણમાં એક્ટિવ હતા. તેઓ સાંસદ ભારતીબેન શિયાળના P.A. તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 10 વરસ સુધી ભાજપમાં તેમને ભોગ આપ્યા બાદ પરિણામ ન મળતા અંતે આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા.

PROFILE

  • ભાવનગર લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભારતી શિયાળ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,29,519 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો    19,09,190

પુરુષ મતદાર   9,90,923

સ્ત્રી મતદાર     9,18,226

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ  વિજેતા વોટ લીડ
તળાજા ભાજપ ગૌતમ ચૌહાણ 90,255 43,306
પાલિતાણા ભાજપ ભીખાભાઈ બારૈયા 81,568 27,577
ભાવનગર ગ્રામ્ય ભાજપ પરસોત્તમ સોલંકી 1,16,034 73,484
ભાવનગર પૂર્વ ભાજપ સેજલ પંડયા 98,707 62,554
ભાવનગર પશ્ચિમ ભાજપ જીતુ વાઘાણી 85,188 41,922
ગઢડા(SC) ભાજપ શંભુપ્રસાદ ટુંડિયા 64,386 26,694
બોટાદ આપ ઉમેશ મકવાણા 80,581 2,779

ભાવનગર બેઠકની વિશેષતા

  • 1962માં ભાવનગર નામની લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી.
  • 1951 અને 1957ની ચૂંટણી દરમિયાન આ બેઠકનો વિસ્તાર ગોહિલવાડ નામની લોકસભા બેઠકમાં આવતો હતો.
  • બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા એ પહેલાં વર્ષ 1951 અને 1957માં ગોહિલવાડ બેઠક પરથી જીતીને સાંસદ બન્યા હતા.
  • રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છબિલદાસ મહેતા વર્ષ 1977માં કોંગ્રેસ તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની 11,137 મતથી હાર થઇ હતી.
  • 1991માં ભાજપને પ્રથમ જીત મળી હતી ત્યારથી સતત તેના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે.
  • રાજેન્દ્રસિંહ રાણા સૌથી વધુ પાંચ વખત આ બેઠક પરથી સાંસદ બન્યા છે.