વિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર) એનાયત

અમદાવાદઃ ગુજરાતી ભાષાના સમર્થ હાસ્યલેખક વિનોદ ભટ્ટને ચિત્રલેખાનો આઠમો ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ (મરણોત્તર) એવોર્ડ ગઈ કાલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના મંત્રીઓ, નામાંકિત લેખકો-પત્રકારો અને પ્રતિષ્ઠિત મહાનુભાવોની હાજરીમાં રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે સ્વ. વિનોદ ભટ્ટના પુત્ર સ્નેહલ ભટ્ટને આ સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો, ત્યારે એ મંગળ ઘડીને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એચ. ટી. પારેખ હોલમાં યોજાયેલા આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સંસદસભ્ય પરિમલ નથવાણી, જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગર અને સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત હતા.

અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ ચિત્રલેખા અને વિનોદભાઈ માટેની લાગણીને કારણે ખાસ ઉપસ્થિત રહેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ‘વિનોદભાઈ એટલે હાસ્યનો પર્યાય. આજનો અવસર ચિત્રલેખા પરિવાર અને સમગ્ર ગુજરાતીઓ માટે આ આનંદનો-ગૌરવનો અવસર છે. મારા માટે પણ આ આનંદની ક્ષણ છે કે ગુજરાતીની ભાષાના સમર્થ લેખક સ્વ. વિનોદ ભટ્ટને મારા હસ્તે સુવર્ણચંદ્રક આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે.’

ભૂપેન્દ્રભાઇએ ઉમેર્યું હતું કે, ‘ચિત્રલેખાએ છેલ્લા સાત દાયકાથી સામાજિક દાયિત્વ સુપેરે નિભાવીને વૈવિધ્યસભર વાચન સામગ્રી વાચકોને પૂરી પાડી છે. હાલ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ચિત્રલેખા એનું 72મું વર્ષ ઊજવી રહ્યું છે. ચિત્રલેખા એટલે ગુજરાતીઓની પોતીકી ઓળખ. આજે તો ગુજરાતીઓના ગૌરવ સમાન ચિત્રલેખા અને સ્વ. વિનોદ ભટ્ટનું આ સન્માન- બંનેનો અદભુત સંગમ સર્જાયો છે.’

સન્માનના પ્રતિભાવમાં સ્વ. વિનોદભાઇના પુત્ર સ્નેહલભાઈએ જણાવ્યું હતું કે, ‘તારક મહેતાના નિધન પછી ચિત્રલેખાએ દુનિયાને ઊંધા ચશ્માં કોલમનાં ચાર પાનાંને કોરાં રાખીને તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી હતી, જે કદાચ કોઈ મેગેઝિન કે છાપું ના કરે. તારકભાઇને અપાયેલી આ શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. ચિત્રલેખાએ ગુજરાતી ભાષાને ધબકતી રાખી છે. આટલાં વર્ષ પછી પણ વિનોદ ભટ્ટને યાદ કરીને સુવર્ણ ચંદ્રક આપવો એ બહુ મોટી વાત છે.’

આ પ્રસંગે ઉપસ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, ‘ચિત્રલેખા દેશ-વિદેશમાં છે. ચિત્રલેખા એ મેગેઝીન છે, જે આપણને જાગ્રત રાખે છે. વિનોદ ભટ્ટ અને ચિત્રલેખાએ સાહિત્ય, સાહિત્યકારો અને પત્રકારો માટે ઘણું કર્યું છે.’

આ કાર્યક્રમ માટે ખાસ રાજકોટથી પધારેલા સુપ્રસિદ્ધ કલાકાર સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે ‘વિનોદ ભટ્ટ મને ગમે છે. વિનોદ ભટ્ટનું સમાજમાં બહુ મોટું પ્રદાન છે. તેમની કોલમમાં દંભ વગરનું હાસ્ય હતું. તેઓ સ્વતંત્ર શૈલીના લેખક હતા. તેમણે સ્વ. વિનોદ ભટ્ટને યાદ કરતાં એક સ્વર્ગમાં પણ પત્ર લખ્યો હતો- એ કાલ્પનિક પત્રની વાત કરીને ઉપસ્થિત શ્રોતાઓ સમક્ષ વિનોદભાઈના વ્યક્તિત્વ-સર્જનને અદભૂત રીતે પેશ કરી બતાવ્યું હતું.’

તેમણે કહ્યું હતું કે ‘જો આ એવોર્ડ લેવા માટે વિનોદભાઈ હાજર હોત તો તેઓ ચોક્કસ કહેત કે હાસ્ય લેખક પાછળ ખોટા ખર્ચા નહીં કરો, પણ મને એવોર્ડનાં નાણાં રોકડા ચૂકવી દો! આ એવોર્ડ વિનોદ ભટ્ટને નહીં પણ વિનોદની નજરને અપાયો છે. આ વિનોદ ભટ્ટનું નહીં, પણ ગુજરાતના સ્મિતનું સન્માન થઈ રહ્યું છે.’

જાણીતા હાસ્ય લેખક રતિલાલ બોરીસાગરે પણ સ્વ. વિનોદભાઈનાં સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘વિનોદ ભટ્ટે એક અલગ કેડી કંડારીને પોતાનો માર્ગ પ્રસ્થાપિત કર્યો હતો. તેમણે 52 વર્ષ સુધી એકચક્રી શાસન કર્યું છે. હું તેમની કોલમનો ચાહક હતો અને તેમની કલમથી અભિભૂત હતો.’ તેમણે વિનોદભાઈની અત્યંત જાણીતી કથા સત્યવાન- સાવિત્રીની વાત કહીને શ્રોતાઓને ખડખડાટ હસાવ્યા હતા. 

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ હર્ષ સંઘવી, બ્રિજેશ મેરજા, જિતુ વાઘાણી, કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય રાકેશ શાહ, જાણીતા લેખકો-સાહિત્યકારો રજનીકુમાર પંડ્યા, જોરાવરસિંહ જાદવ, લલિત લાડ, અશોક દવે, રાઘવજી માધડ, કેશુભાઇ દેસાઈ, મહેશ યાજ્ઞિક, ભાગ્યેશ જહા, અનિલ રેલિયા, અશ્વિનકુમાર, યમલ વ્યાસ, ભરત પંડ્યા, સરોજ અજિત પોપટ, પદ્મશ્રી ડો. પકંજ શાહ, વરિષ્ઠ પત્રકારો અજય ઉમટ, કલ્પક કેકરે, નરેશ દવે અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો બકેરી ગ્રુપના પવન બકેરી, વાઘબકરીના પરાગ દેસાઈ, વરમોરાના ભાવેશભાઈ વરમોરા, ગુલાબ ઓઇલવાળા મુકેશભાઈ નથવાણી, રૂઝાન ખંભાતા સહિત અનેક નામાંકિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભમાં સૌનું સ્વાગત કરતાં ચિત્રલેખા ગ્રુપના ચેરમેન મૌલિક કોટકે કહ્યું હતું કે, ‘આજથી 45 વર્ષ પહેલાં ચિત્રલેખાની સિલ્વર જ્યુબિલીના ભાગરૂપે મેગેઝિનમાં મહત્ત્વનું યોગદાન આપનારાઓને વજુ કોટક સુવર્ણ ચંદ્રક આપવાની પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ સુવર્ણ ચંદ્રક સુપ્રસિદ્ધ નવલકથાકાર હરકિસન મહેતાને આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિજયગુપ્ત મૌર્ય, વાસુદેવ મહેતા, તારક મહેતા, કાંતિ ભટ્ટ, સુરેશ દલાલ અને નગીનદાસ સંઘવીને આ બહુમાન મળ્યાં છે. વિનોદ ભટ્ટને એવોર્ડ આપવાની જાહેરાત તેમની હયાતીમાં થઈ હતી, પણ તેમણે 2018માં આપણી વચ્ચેથી વિદાય લીધી હતી, જેથી આ કાર્યક્રમ થઈ નહોતો શક્યો. એ પછી કોરોના કાળને કારણે તેમને એવોર્ડ આપવાનો કાર્યક્રમ પાછળ ઠેલાતો ગયો હતો. છેવટે આજે આ કાર્યક્રમનું આયોજન થઇ શક્યું એનો અમને આનંદ છે.’

ચિત્રલેખાનાં સહસંસ્થાપક મધુરીબહેન એમની ઉંમર અને મુંબઇની વરસાદી પરિસ્થિતિના કારણે ઇચ્છા હોવા છતાં હાજર રહી શક્યાં નહોતાં, પણ આયોજનના દરેક તબક્કે એ સતત આયોજન વિશે, કાર્યક્રમ વિશે પૃચ્છા કરતાં રહ્યાં હતાં અને માર્ગદર્શન આપતાં રહ્યાં હતાં.

આ કાર્યક્રમને અંતે વાઇસ ચેરમેન મનન કોટકે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો ઉપરાંત કાર્યક્રમમાં હાજર રહેનારા સૌ મહાનુભાવો, આયોજનમાં સહયોગ આપનારા સ્પોન્સર્સ અને આયોજન સાથે સંકળાયેલા સૌનો આભાર માન્યો હતો અને ઉપસ્થિત સૌને ચિત્રલેખાના વિશાળ પરિવારનો એક ભાગ ગણાવ્યા હતા.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જેડ બ્લુ અને બેન્ચમાર્કના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનું સુંદર સંચાલન જાણીતી આરજે પૂજા દલાલ-ધોળકિયાએ કર્યું હતું અને મહેમાનોને કાર્યક્રમ સાથે જોડી રાખ્યા હતા.

સામાન્ય રીતે સુવર્ણ ચંદ્રકમાં ખાલી ચંદ્રક જ અપાતો હોય છે, પણ આ વજુ કોટક સુવર્ણ ચંદ્રકની ડિઝાઇન ચંદ્રક અને ટ્રોફીનું અદભુત મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી હતી. એવોર્ડ એનાયત કર્યા પછી સંચાલક પૂજાએ આ ચંદ્રક-ટ્રોફીની ડિઝાઇનની વિશેષતાની વાત કરી ત્યારે આ અનોખી ડિઝાઇન ફિલોસોફીને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, વિનોદ ભટ્ટને ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ એનાયત કરવાની જાહેરાત 2018માં કરવામાં આવી હતી, પણ તેમને એ એવોર્ડ એનાયત કરવામાં આવે એ પહેલાં જ વિનોદભાઈએ આ ફાની દુનિયામાંથી કાયમ માટે વિદાય લીધી હતી. ત્યાર બાદ વૈશ્વિક કોરોના રોગચાળાને કારણે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં વિલંબ થયો હતો. વરસાદી છાંટણાની સાક્ષીએ અમદાવાદની આ સાંજ ચિત્રલેખા-સાંજ બની ગઈ હતી.

(અમિષ જોષી-અમદાવાદ) 

(તસવીરો- પ્રજ્ઞેશ વ્યાસ)