અવ્વલ દરજ્જાના ગાયક ઉદિત નારાયણ

હિન્દી ફિલ્મોના બેનમૂન ગણી શકાય એવા નેપાળી ગાયક ઉદિત નારાયણ આજે 65 વર્ષના થયા. એમણે મુખ્યત્વે નેપાળી અને હિન્દી ફિલ્મોમાં ગાયું છે. શ્રેષ્ઠ ગાયક રૂપે ત્રણ નેશનલ એવોર્ડ્ઝ અને પાંચ ફિલ્મફેર એવોર્ડઝ એમને મળ્યાં છે. ગાયનક્ષેત્રે આ પ્રદાન માટે એમને ૨૦૧૬માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે.

સિત્તેરના દાયકામાં રેડીઓ નેપાળના સ્ટાફ આર્ટીસ્ટ તરીકે તેમણે શરૂઆત કરી. આઠેક વર્ષ પછી ઉદિતને ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાની સ્કોલરશીપ મળી એટલે એ ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં આવ્યા. આનંદ મિલિન્દના સંગીતમાં અલકા યાજ્ઞિક સાથે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ના તમામ ગીતો ગાયા અને એ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. બીબીસી દ્વારા ‘ટોપ ૪૦ બોલીવૂડ સાઉન્ડ ટ્રેક ઓફ ઓલટાઈમ’ની યાદીમાં એમના ગાયેલા ૨૧ ગીત હતાં. એક અંદાજ પ્રમાણે, ઉદિતે ૩૬ ભાષામાં ૩૦ હજારથી વધુ ગીતો ગાયા છે.

હાલ ઉદિત નારાયણ મુંબઈમાં રહે છે. તેમણે દીપા ગાહતરાજ અને રંજના ઝા સાથે લગ્ન કર્યા છે. શરૂઆતમાં એમણે રંજના સાથે લગ્ન થયા હોવાનો ઇનકાર કર્યો હતો, પણ લગ્નના ફોટા અને સાક્ષીઓની જુબાની સ્વીકારીને બિહાર મહિલા કમિશને ઉદિત સાથે લગ્ન થયા હોવાનો રંજનાનો દાવો સ્વીકાર્યો હતો. આ પહેલાં ઉદીતે નેપાળી ગાયિકા દીપા સાથે ૧૯૮૪માં લગ્ન કર્યા હતાં.

ઉદિતે ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં અનેક મોટા સ્ટાર્સને અવાજ આપ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને દેવઆનંદનો સમાવેશ થાય છે. તેમના સૌથી વધુ યુગલ ગીતો અલકા યાજ્ઞિક સાથે સંભાળવા મળે છે.

ઉદિત જે ફિલ્મોના ગીતો માટે યાદ રહેશે તેમાં ‘કયામત સે કયામત તક’, ‘દિલ’, ‘આશિકી’, ‘હમ’, ‘ફૂલ ઔર કાંટે’, ‘બેટા’, ‘જો જીતા વોહી સિકંદર’, ‘ડર’, ‘કભી હાં કભી ના’, ‘મોહરા’, ‘રંગીલા’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ સે’, ‘મન’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘તાલ’, ‘હમ સાથ સાથ હૈ’, ‘મિશન કાશ્મીર’, ‘કહો ના પ્યાર હૈ’નો સમાવેશ થાય છે.

(નરેશ કાપડીઆ-સુરત)