પ્રતિભાસભર અભિનેત્રીઃ સ્મિતા પાટીલ

ભારતીય રંગમંચ અને ફિલ્મજગતની જોયેલી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંના એક સ્મિતા પાટીલની આજે ૩૪મી પુણ્યતિથિ. ૧૩ ડીસેમ્બર, ૧૯૮૬ના રોજ માત્ર ૩૧ વર્ષની વયે તેઓ આ જગત છોડી ગયા હતા. સ્મિતા ફિલ્મ, ટીવી અને રંગમંચના બહુ સારા અભિનેત્રી હતાં. માત્ર અગિયારેક વર્ષની ટૂંકી કારકિર્દીમાં સ્મિતાએ ૮૦થી વધુ હિન્દી-મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને રાષ્ટ્રીય કક્ષાના અને ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ૧૯૮૫માં તેમને પદ્મશ્રીથી પણ સમ્માનિત કરાયા હતાં. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોમાંની એક ગણાતી ‘ભવની ભવાઈ’ના પણ તેઓ નાયિકા હતાં.

પુણેની ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટયૂટમાંથી તેઓ સ્નાતક થયેલાં. સમાંતર સિનેમાના મુખ્ય નાયિકાઓમાંના તેઓ એક હતાં. તેમની કેટલીક યાદગાર ભૂમિકાઓ ધરાવતી ફિલ્મોમાં ‘મંથન’, ‘ભૂમિકા’, ‘આક્રોશ’, ‘ચક્ર’, ‘ચિદમ્બરમ’ કે ‘મિર્ચ મસાલા’ને યાદ કરી શકાય.

૧૭ ઓક્ટોબર, ૧૯૫૫ના રોજ પુણેના કુનબી મરાઠા પરિવારમાં રાજકીય નેતા શિવાજીરાવ પાટીલને ત્યાં સ્મિતાનો જન્મ થયો હતો. સિત્તેરના દાયકામાં તેઓ મુંબઈ દૂરદર્શન પર સમાચાર વાચક પણ બન્યા હતાં. આ ઉપરાંત, તેઓ સારા ફોટોગ્રાફર પણ હતાં.

સ્મિતા પાટીલને ‘ભૂમિકા’ અને ‘ચક્ર’ માટે નેશનલ એવોર્ડ અને ‘જૈત રે જૈત’ અને ‘ઉંબરઠા’ (બંને મરાઠી) અને ‘ચક્ર’ માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યા હતાં. આ ઉપરાંત, સ્મિતાને ‘ભૂમિકા’, ‘બાઝાર’, ‘આજ કી આવાઝ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીના અને ‘અર્થ’ અને ‘મંડી’ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડ માટે નામાંકિત કરાયા હતાં.

‘શક્તિ’ અને ‘નમકહલાલ’થી તેઓ સ્ટાર બન્યાં. મોન્ટ્રીયલ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલમાં ૧૯૮૪માં તેઓ જ્યુરી સભ્ય પણ હતા.

અભિનેતા રાજબબ્બરે રંગકર્મી નાદિરા બબ્બરને છોડી સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. ૧૯૮૬માં માત્ર ૩૧ વર્ષની વયે સ્મિતાનું નિધન થયું અને ફિલ્મજગતે એક બહેતરીન પ્રતિભાશાળી અભિનેત્રી ગુમાવી.

(નરેશ કાપડીઆ-સુરત)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]