ધારો કે સપનાંઓને પણ પાંખો હોત…

કેટલીક કલ્પના પણ કેટલી સુખદ હોય છે. રાત-દિવસ હૈયાને છોલતાં રહેતા સપનાંઓને પણ જો પાંખો હોત તો ઉડાડી મૂકતે એને દૂર દૂર અને વાસી દેત હૈયાના કમાડ.
હા આલાપ, સપનાંઓ આમતો જીવાદોરી છે, પ્રગતિનાં પાયાના પથ્થર છે પણ આ જ સપનાં અથાગ પ્રયત્નો છતાં પણ પૂરા ન થાય ત્યારે માણસ તૂટી જાય છે. બહારથી સાજો સારો અને આખો માણસ અંદરથી ચૂર ચૂર થઈ ગયો હોય છે. એક હરતી ફરતી લાશ માફક જીવતો હોય છે સ્વપ્નભંગ માણસ. ‘ઘરભંગ’ની અવસ્થામાંથી માણસ વહેલો-મોડો પણ બહાર નીકળે, પરંતુ ‘સ્વપ્નભંગ’ની અવસ્થા કળણ જેવી છે. માણસ એમાં ખૂંચતો જ જાય છે.
જીવનનો એ શિયાળો અત્યંત આહલાદક હતો, જ્યારે મારી ધ્રૂજતી કાયા પ્રથમ વખત ગરમ કપડામાં નહિ, તારા અસ્તિત્વમાં ઢબુરાઇ હતી. યાદ છે એ ગુલાબી ઠંડીવાળી સવાર? ઘરની સામેના વૃક્ષ પરથી સંભળાતા પંખીઓના કલરવ તરફ તને ઈશારો કરતાં મેં કહેલું, “પંખીઓની દુનિયા પણ કેવી અજબ છે નહીં? કેવી સમજૂતીથી બંને સંપીને તણખલા લાવે અને મસ્ત માળો બનાવે. ન કોઈ પૂજા,ન કોઈ હવન કે ન શાસ્ત્રોક્ત વિધિ. શું એને કોઈ ગ્રહો, કોઈ પિતૃ કે કોઈ આસુરી શક્તિ નહીં નડતી હોય?”

ને તેં એક મીઠી મુસ્કાન સાથે કહેલું, “એને કોઈ જ વિધિની જરૂર નથી પડતી અને એને કંઈજ નથી નડતું કેમ કે એમણે ગૂંથેલા માળામાં બન્નેનો સહયોગ, ચીવટ, કાળજી, આત્મીયતા અને બંનેનું ભવિષ્ય હોય છે. માદા પંખી નથી કહેતું કે ઘર બનાવો પછી આવું, ખાવાનું એકઠું કરો તો સંસાર માંડું. તેઓ જ ‘સહજીવન’ નો અર્થ સાર્થક કરે છે.

હું તને માનપૂર્વક જોઈ રહેલી. મને મારા પર જ ગર્વ થયેલો. હું કેટલી ખુશકિસ્મત છું કે મારું ભાવિ તારી સાથે જોડું છું. એ સવારે ઈશ્વરે આપેલી બક્ષિસ એવી આ પ્રકૃતિની સાક્ષીએ અને છલકતી આંખોએ મેં તને વચન આપેલું, “પરસ્પરના સપનાંના તણખલા લાવી આપણે પણ સંબંધોનો માળો રચીશું’. સહજીવનના હવનમાં અહમને હોમીને, વિશ્વાસના ફેરા ફરીશું. આપણને પણ પછી કાંઈ નડશે નહીં, બસ બધું જડશે જ. પ્રેમ, લાગણી, વફાદારી, જવાબદારી અને એ બધાથી રચાતો મજબૂત અને અદભુત સંબંધ.”

હૃદયમાં ઘર કરી ગયેલા આ શમણાં સાકાર ન થયા. ઇશ્વરે ધાર્યું હોય એને આપણે ક્યાં ધારી શકીએ છીએ? એક ગોઝારી સવારે આપણે સંજોગોના માર્યા જૂદા પડ્યા. જીવન ફરીથી એકલવાયું અને ઉઘાડું થઈ ગયું.

આલાપ, હું સ્ત્રી છું અને કોઈપણ સ્થિતિમાં ગોઠવાઈ જવું એ સ્ત્રીની નિયતિ હોય છે. સમય વીતતો ચાલ્યો. તારા વિનાના શહેરમાં તારી યાદોથી ભરચકક હૈયે અને તારા જ સંગાથના સપનાં ભરેલ આંખે ખાલીપાની નવી સ્થિતિમાં હું ગોઠવાઈ તો ગઈ, પરંતુ તૂટેલા સપનાંની કરચ હૃદયને છોલીને તાર-તાર કરી રહી છે. આ મન પણ કેવું જિદ્દી છે. જે સપનાંઓ મન-હૃદયને સતત લોહીલુહાણ કરે છે એ સપનું તૂટ્યું છે, પણ મર્યું નથી. તરફડે છે, છટપટે છે. મરવા માટે ભીખ માંગે છે ને જ્યાં સુધી સામેના વૃક્ષ પર પંખીઓ કલરવે છે ત્યાં સુધી એ આમ જ જીવશે, તરફડશે અને છટપટશે.

આલાપ, થાક લાગે છે આ આંખોને તૂટેલા સ્વપ્નોની કરચો સાચવવાનો. ભાર લાગે છે હૃદયને યાદોના આ પોટલાંનો. જીવન તો વીતે છે, પણ સમય થંભી ગયો છે. હજી પણ આ લોહીલુહાણ આંખોમાં એક જ સવાલ છેઃ તું આવીશ ને???

-સારંગી.

(નીતા સોજીત્રા)