આવું વાતાવરણ હોય તો છે અકુદરતી, ન રહે બરકત

માણસ માત્ર પોતાની જીજીવિષા પુરી કરવા માટે જીવે છે. અને અંતે જીવન ભૌતિકતાવાદી બની જાય છે. અર્થ સંપાદન માટે તે પ્રયત્નશીલ રહે છે. પરંતુ જીવન મૃગજળની માફક ભાગ્યા કરે છે. સંતોષી જીવન માટેની ઊર્જા આપે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે જગ્યાનો અભ્યાસ કરીએ છીએ તે એક દુકાન છે. દુકાનનો આકાર લંબચોરસ છે. તેથી અહીં કામ કરવા વાળી વ્યક્તિઓ નો સ્વભાવ પ્રેક્ટિકલ હોય. દુકાન બે ભાગમાં વહેચાયેલી છે. પૂર્વ તરફ ગોડાઉન છે અને પશ્ચિમ તરફ ઓફિસ છે. આ વ્યવસ્થા યોગ્ય નથી. વળી આ જગ્યાની એન્ટ્રી પણ યોગ્ય નથી. દક્ષિણ તરફ નૈરુત્યના પદમાં એન્ટ્રી માનસિક તણાવ આપી શકે. અંદર ગયા પછી કોઈ કુદરતી હવા પ્રકાશના સ્ત્રોત ન હોવાથી અકુદરતી વાતાવરણમાં કામ કરવાનું થાય જે યોગ્ય ન ગણાય .ભારતીય વાસ્તુમાં કુદરતી હવા અને પ્રકાશનું ખૂબ જ મહત્વ છે.

ઓફિસ ત્રણ ભાગમાં વહેચાયેલી છે. એક સોફા વિઝિટર માટે છે. જે ઉત્તરની દીવાલ પર વાયવ્યના પદમાં એવી રીતે છે કે ત્યાં બેસનાર વ્યક્તિનું મુખ દક્ષિણ તરફ રહે. જેના કારણે અકારણ ગુસ્સો આવે અને નકારાત્મક વિચારો પણ આવે. જે એકંદરે ધંધામાં નુકશાન કરે. કોમ્પ્યૂટરનું ટેબલ ઓફિસના ઇશાનમાં છે. બેસવાની દિશા યોગ્ય છે, પણ જગ્યા યોગ્ય નથી. તેથી અહીં કામ કરનાર વ્યક્તિને તણાવ રહે અને હૃદય પર ભાર રહ્યાં કરે. મુખ્ય ટેબલ બ્રહ્મમાં છે અને બેઠક વ્યવસ્થા પશ્ચિમ તરફ મુખ રાખીને કામ કરવાની વ્યવસ્થા છે. જેના કારણે કામમાં બરકત ન આવે અને અટકી ગયાંની લાગણી રહે. દરવાજાની આગળ બેઠકની વ્યવસ્થા ઊર્જા ઓછી કરે. કામમાં મન ન લાગે. કોઈ પણ ધંધા માટે આ વ્યવસ્થા યોગ્ય નથી. પીઠ પાછળ ખુલ્લી જગ્યા ન હોય તે જરૂરી છે. ગોડાઉનની જગ્યા પૂર્વ તરફ છે તેથી વજન આ દિશામાં વધારે આવવાનું. ઇશાન,ઉત્તર અને પૂર્વ તરફ વજન આવે તો તે વિવિધ પ્રકારની સમસ્યાઓ આપી શકે છે. અહીં સામાન રાખવાની વ્યવસ્થા વિચારીને કરવી જરૂરી છે. ખાસ તો ઇશાનમાં વજન ન આવે અને ઉત્તર અને પૂર્વમાં ઓછા વજનવાળી વસ્તુઓ રાખવી જરૂરી છે.

આ જગ્યાએ હકારાત્મક ઊર્જા વધારવા માટે સૂચન પ્રમાણેના નકશા પ્રમાણેની રચના કરી અને બે જગ્યાને છૂટી પાડવા દરવાજાની વચ્ચે લાકડાનો નાનો ઉંબરો બનાવી દેવો. ગોડાઉનના ઇશાનમાં તાંબાના વાસણમાં ગુલાબની પાંદડી અને ઓફિસના ઇશાનમાં તાંબાના વાસણમાં પીળા ફૂલ અને ગુલાબ રાખવા. કોમ્પ્યૂટર ટેબલ પર કાંસાના વાસણમાં ગુલાબની પાંદડી રાખવી. ગોડાઉનની પૂર્વની દીવાલ પર આછો પીળો રંગ લગાવવો. ઓફિસની પશ્ચિમની દીવાલ પર આછો સ્કાય બ્લુ રંગ લગાવવો.  મુખ્ય દ્વાર પર દર ગુરુવારે આસોપાલવનું તોરણ લગાવી અને ઉંબરો પૂજી લેવો. દરરોજ સવારે ઘીનો દીવો કરી અને મહામૃત્યુંન્જયના મંત્ર જાપ કરવા. આખી જગ્યામાં ગૂગલ, ચંદન, જસ્મીનનો ધૂપ કરવો. બેસતા મહિને કીડીયારું પૂરવું. કોઈનું દિલ ન દુખાવવું. શિવલિંગ પર દરરોજ પાણી, દૂધ, પંચામૃત, દહીંમાં કાળાતલ. ચોખા, સરસવ, શેરડીનો તાજો રસ, ચંદન, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા. સવારે ગણેશજીને ગોળ ધરાવીને પ્રસાદ લેવો.

ભારતીય વાસ્તુમાં દરેક કાર્ય માટેના નિયમો છે. એજ રીતે વ્યવસાય આધારિત નિયમો પણ છે. જે તે વ્યવસાયને સમજી અને તેને અનુરૂપ વ્યવસ્થા કરવામાં આવે તો જીવન જરુરથી સુખમય બને.