કોઈ પણ સંબંધનો આધાર વિશ્વાસ હોય છે. આ પ્રેમ કરતા પણ વધારે જરૂરી શબ્દ છે કોઈનો વિશ્વાસ સંપાદન કરવો
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ-મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: હું તમને ફોલો કરું છું. અમારા ગ્રુપમાં આપની સલાહ વિશે ચર્ચાઓ પણ થાય છે. આપના પરના વિશ્વાસથી એક ખાનગી વાત કહું છું. મને ખબર છે કે આ વિભાગમાં કોઈનું નામ ક્યારેય આવતું નથી. અને તમે કોઈને એ ક્યારેય કહેશો પણ નહિ. હું એક સંસ્થામાં ભણું છું. સ્કુલના પહેલા દિવસે ક્લાસમાં મારા સિવાય કોઈ ન હતું. સંગીતના શિક્ષકે મને ગાવા કહ્યું. મેં ભજન ગાયું. એમને ગમ્યું. મારા ગાયનમાં એમણે સુજાવ પણ આપ્યા. પછી એમણે ગાયું. હું એમના અવાજમાં ખોવાઈ ગઈ. નવા શિક્ષક આવ્યા. પણ મનમાં પેલો અવાજ ગુંજતો રહ્યો. મારા વર્ગમાં અન્ય ત્રણ શિક્ષકનું ગ્રુપ છે. એ બધાની ટીખળ કરતા હોય છે. એ પેલા શિક્ષકથી નજીક છે. એમાંથી એક મારાથી નજીક આવવા પ્રયત્ન કરતા હતા પણ મને પેલા શિક્ષક ગમવા લાગ્યા હતા. પછી અમારી વાતચીત વધતી ગઈ. જોકે અમે મળતા નથી. પણ ક્યારેક શંકા પડે છે કે પેલા લોકો અને એ શિક્ષક ભળેલા છે. ડર લાગે છે. એક બાજુ દિલ ચીરીને કરેલો પ્રેમ છે અને બીજી બાજુ દગો થવાનો ડર. સમજાતું નથી. કોઈ ઉપાય ખરો?
જવાબ: આપના જેવી દ્વિધા ઘણા બધાની હશે. મોબાઈલમાં રેકોર્ડીંગ થયા બાદ ખાસ રીતે પૂછાયેલા શબ્દોના મૂળ જવાબમાંથી એડિટ કરેલા જવાબોને વાયરલ કરવાની પ્રક્રિયા સામાન્ય ગણી શકાય. કોઈ પૂછે તો ચુપ રહેવું? દરેક માણસ પર અવિશ્વાસ કરવો? જ્યાં સાચા ખોટાની પરખના માપદંડ જ નથી મળતા ત્યાં શું કરવું એ સવાલ અસ્થાને ન જ ગણાય. તમે એ વ્યક્તિના અવાજને પ્રેમ કરો છોને? કરો. એમાં વ્યક્તિ ક્યાં આવે છે? રહી વાત અન્ય લોકોની. એમનાથી દુર જ રહો.
આપના ઘરમાં વાયવ્યમાં આપ પશ્ચિમ તરફ માથું રાખીને સુવો છો. રન્જક્તાનો અનુભવ થઇ શકે. ગભરાવ નહિ. શિવ લિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ગુલાબ જળ, પાણીથી અભિષેક કરો. ગાયત્રી મંત્ર યોગ્ય રીતે કરો. ચોક્કસ સાચો માર્ગ દેખાશે.
સવાલ: મયંકજી. હું ૩૨ વરસનો યુવાન છું. કેરિયર બનાવવામાં આજ સુધી મને કોઈ ગમ્યુજ ન હતું. છેલ્લા ચાર મહિનાથી એક પ્રોજેક્ટ પર કામ કરું છું. એના માટે એક વ્યક્તિ સાથે ફોન પર વાત કરવાની થાય છે. મારાથી ઘણા સીનીયર છે. મને એ ગમવા લાગ્યા છે. એમનો અભિગમ, વાત કરવાની છટા, બધુજ અદ્ભુત છે. મને એનું એડીકશન થઇ ગયું છે. મને સમાજનો ડર નથી. માત્ર મારા માબાપ સમજશે કે નહિ એની ચિંતા છે.
જવાબ: કોઈને પ્રેમ કરવો એ કોઈ ખરાબ બાબત નથી. તમારો પ્રેમ તમારો છે. પણ તમે સામે વાળાને જણાવ્યું છે ખરું? તમારા માતા-પિતા તો ત્યારે વચ્ચે આવશેને જયારે સંબંધ કોઈ નામ માંગશે? શું તમારી એવી ઈચ્છા છે? તમારા ઘરની એન્ટ્રીના કારણે લીવીંગ રૂમ વાયવ્યમાં છે. જેના કારણે મનની વાત યોગ્ય સમયે કહેવામાં વાર લાગે. ઘરના વાયવ્યમાં બે છોડ બીલીપત્રના અને ઈશાનમાં પાંચ છોડ તુલસીના વાવી દો. સાચા નિર્ણયો લેવામાં સકારાત્મકતા આવશે.
આજનું સુચન: વાયવ્યની નકારાત્મકતા વધારે પડતા વિચારો આપે છે.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)