માણસનું જીવન જ અકુદરતી છે. માણસ સિવાય કોઈ પણ જીવ વસ્ત્રો પહેરતો નથી, કોઈ પણ જીવ રાંધેલો ખોરાક
ખાતો નથી કે કોઈ પણ જીવ અન્ય જીવને પાળતો નથી. ઉરાંત કારણ વિના કોઈને રંજાડવાનું કે હથિયાર વાપરવાનું પણ માત્ર માણસ જ કરે છે. પોતાના સ્વાર્થ માટે અન્યનું નુકસાન કરવું કે સંગ્રહ કરવો એ માણસની ખાસિયત છે. તેથી જ માણસ જે કંઈ કરે છે તે ઘણીવાર સૃષ્ટિ વિરુદ્ધનું જ બને છે. આથી, પોતે જે કંઈ કરે છે તે સૃષ્ટિને આધીન છે — આ ગેરમાન્યતામાંથી માણસે બહાર આવીને કુદરતને સન્માન આપતા શીખવું પડશે. એક માત્ર માણસ જ છે જે પોતાના મોજશોખ માટે અન્યને દુઃખી કરે છે.
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સ: હું અમદાવાદમાં રહું છું. અમારા એક ઓળખીતાનું ઘર એમની પાસે NOC ન હોવાથી તોડી પાડવા માટે નોટિસ આવી છે. આ પહેલાં પણ ઘણા તળાવોની આસપાસના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અમે હવે ગભરાઈએ છીએ કે ક્યાંક અમારું ઘર તો તોડી નહીં પાડે ને? ખૂબ મહેનત કરીને માંડમાંડ લોનના પૈસા ભર્યા છે. એ મકાન તોડી પાડે તો કેમ ચાલે? બહુ જ ડર લાગે છે. એની સામે વિવિધ ગામોમાં અર્ધાથી વધારે તળાવો પૂરીને એની જમીન તે સમયની કમિટીના લોકોએ કોઈને ને કોઈને આપી દીધી છે. તો એને પણ તોડી પાડવા માટે નોટિસ કેમ નથી અપાતી? જેમની પાસે વગ અને પૈસા છે એમનો જ બોલબાલા છે?

જ: આમ તો આપનો જવાબ સચોટ રીતે આપવા હું સક્ષમ નથી, પરંતુ આપની વેદના હું સમજી શકું છું. આ આખી વાતમાં એક વાત સ્પષ્ટ છે કે તમને કોઈ નોટિસ નથી આવી અને જેમણે ગેરકાયદે દબાણો કર્યા છે એમને નોટિસ આવી છે. વાસ્તુની રીતે વિચારીએ તો જળનું જીવન અને વાસ્તુ બંનેમાં ખૂબ જ મહત્વ છે. પહેલાંના જમાનામાં રાજાઓ જળાશયો બંધાવતા; તેના લીધે તેમની પોતાની ઉર્જા વધતી. હવે લોકો જળાશયોને પૂરે છે, જે કુદરતના નિયમથી વિપરીત ક્રિયા છે. પાણીનો એક ઢળાવ હોય છે. એ જગ્યા પુરાઈ જવાથી વરસાદી પાણી અન્ય જગ્યાએ ભરાય છે, જેના કારણે ઉર્જાનો પ્રવાહ બદલાય અને તણાવ ઊભો થાય છે. જ્યાં જ્યાં જળાશયો પૂરીને બાંધકામ થયા છે ત્યાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ છે. વ્યક્તિગત સ્વાર્થને પોષવા જતા એ જગ્યાની ઉર્જા સમગ્ર વિસ્તાર કે ગામને અસર કરે એવું પણ બની શકે.
નકારાત્મક ઉર્જાની અસરથી ક્યારેક જીવહાનિ પણ થઈ હોય એવી શક્યતા ગણાય. આવી જગ્યાએ કામ કરતા લોકો પર વિશ્વાસ ન રહે. તેથી જ જળાશયો પૂરીને બનેલા બાંધકામ તોડી નાખવા શાસક માટે જરૂરી બની જાય છે. જો શાસકની ઉર્જા સારી હશે તો જ એ પ્રજાલક્ષી કામ કરી શકે. બની શકે કે સમગ્ર ગુજરાતમાં આવા બાંધકામોને નોટિસ મળી હોય, પરંતુ તમને જાણ ન હોય.
જો કે નદીના કોતરો કે જ્યાં હંમેશાં પાણી નથી હોતું, તે જમીન આ પ્રકારમાં આવતી નથી. મુખ્યત્વે તળાવ, સરોવર વગેરેને આ પ્રકારમાં વિચારવામાં આવે છે. વળી, કોઈ પણ જગ્યા ખરીદતાં પહેલાં બધાં જ કાગળિયાં તપાસવા અત્યંત જરૂરી છે. એટલે તમે કોઈની સલાહ લઈને તે તપાસી લો; તમારી મુંઝવણ દૂર થઈ જશે.
સૂચન: જળાશય પર મકાન બનાવવું યોગ્ય નથી ગણાતું.
(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )




