એક યંગ મિલેનિયર બિઝનેસમેન સાથે થોડો સમય પસાર કરવાનું થયું ત્યારે તેમણે પોતાની શોપિંગ અને ફેશન ટિપ્સ
શેર કરી. એમણે જણાવ્યું કે, “હું કદી શોપિંગ માટે જતો નથી, મને જે પસંદ પડે છે, તે હું એક જ સાઈઝના બધા જ પીસ ખરીદી લઉં છું.” એનાથી બે ફાયદા થાય છે—એક, શોપિંગ માટે સમય વેડફાતો નથી. બીજું, રોજ સવારે ઊઠીને કોઈ જ સમસ્યા રહેતી નથી કે “આજે શું પહેરવું?”
હવે પોઇન્ટ પર આવીએ. આ એક અતિ સફળ બિઝનેસમેન છે, જે હંમેશા વેલ ડ્રેસ્ડ હોય છે, પરંતુ તેની સાથે એક એવો વ્યક્તિ પણ છે જે પૈસાના રોકાણ પાછળનું ગણિત જ નહીં, વિચારોના રોકાણ વિશે પણ વિચારે છે. જેને ખબર છે કે માનસિક એનર્જીનો વ્યવસ્થિત ક્યારે અને ક્યાં ઉપયોગ કરવો.
આજના સમયમાં આપણું મગજ એકસાથે કેટલીયે દિશામાં ચાલે છે, પરિણામે દિવસ પૂરો થતાં પહેલા મન શરીરથી પહેલાં જ થાકી જાય છે. મોબાઇલ નોટિફિકેશન, મેસેજિસ, ફોન કોલ્સ, બકેટ લિસ્ટ અને લોકોની અપેક્ષાઓ… બધું જ એકસાથે ચાલે છે. અને આપણે કહીએ છીએ કે આપણે થાકી ગયાં. જેમ શરીરને તંદુરસ્ત રાખવા માટે સ્વચ્છતા જરૂરી છે, તેમ માનસિક સ્વચ્છતા કે ‘મેન્ટલ હાઇજિન’ માનસિક શાંતિ માટે જરૂરી છે. જેને કહેવાય છે મેન્ટલ મિનિમલિઝમ—જેને ડિટોક્સ કહો કે ડીક્લટર, પણ સરળ ભાષામાં મનમાંથી કચરો કાઢવાની કળા; જે બિનજરૂરી છે તેને દૂર રાખવાની રીત.

આપણું મગજ એક જટિલ મિકેનિઝમ છે, જેને સરળ રીતે સમજવું અઘરું છે. છતાં સહેલાઇથી સમજીએ તો, આપણા મગજમાં આવેલા પ્રિફ્રોન્ટલ કોર્ટેક્સ પર આપણા વિચારો અને નિર્ણયોની અસર થાય છે, જે વધારે જટિલ વાતાવરણમાં બરોબર કામ કરતું નથી. પરંતુ જ્યારે મન શાંત હોય, વિચારો ઓછા હોય એટલે કે મિનિમલ વાતાવરણમાં, માનસિક અવ્યવસ્થા (visual entropy) ઓછી હોય છે, તેથી મગજને ઓછું પ્રોસેસ કરવું પડે છે. પરિણામે તેની કાર્યક્ષમતા વધી જાય છે.

અવ્યવસ્થા અને અતિઉત્તેજના મન પર હળવો પરંતુ સતત તણાવ ઉત્પન્ન કરે છે, જે એમિગ્ડાલા—એટલે કે ડર અને તણાવના કેન્દ્રને—સક્રિય કરે છે. મિનિમલિઝમ આ પ્રવૃત્તિ ઘટાડે છે અને મનને વધુ શાંત બનાવે છે. માનવ મગજ એક સમયે લગભગ ચાર જ માહિતીના ભાગો યાદ રાખી શકે છે. મેન્ટલ મિનિમલિઝમ “માનસિક RAM” ખાલી કરે છે અને બિનજરૂરી માહિતીના અવરોધ ઘટાડે છે. અને સૌથી મહત્વનું છે ડિફોલ્ટ મોડ નેટવર્ક, જે ફ્રી સમયમાં મનને સર્જનાત્મક દિશામાં લઈ જાય છે. આજ કારણથી મન વિચારોના બોજ વગર સર્જનાત્મક કાર્યો વધારે સારી રીતે કરી શકે છે.
મેન્ટલ મિનિમલિઝમ લાગુ કરવાની રીત
પહેલી સમજવા જેવી વાત એ છે કે જેમ આપણા બધા જ અંગો તેમનું કામ કરે છે, એવી જ રીતે આપણું મન પણ સતત વિચાર કરતું રહે છે, પરંતુ દરેક વિચાર જરૂરી હોતો નથી. જેમ કે હાથ અસંખ્ય વાર તેમનું કામ કરે છે છતાં આપણે તેની દરેક હાલચાલ પર ધ્યાન આપતા નથી, એમ જ મનમાં આવતા દરેક વિચાર મહત્વનો હોતો નથી. જો તમે દરેક નાની વાત પર ફિલોસોફી અને જવાબો શોધશો તો તમે મહત્વનું કામ ચૂકી જશો, કારણ કે આપણી આસપાસ બનતી દરેક ઘટના કે વાતચીત આપણા માટે હોતી નથી.

એના માટે— બિનજરૂરી માહિતી, એપ્સ, સંબંધો અને વિચારોમાંથી મુક્ત થવું, નહિતર બર્નઆઉટ થાય. બિનજરૂરી અવાજોથી દૂર રહેવું. એકાગ્ર રહેવાની પ્રેક્ટિસ માટે યોગ-મેડિટેશન કરવું, જેથી બિનજરૂરી વિચારોથી મુક્તિ મેળવી શકાય. મેન્ટલ મિનિમલિઝમ આપણને શીખવે છે કે મન તમારું સાધન છે, માલિક નથી. તમે જે વિચારોને જગ્યા આપો છો એ જ તમારું જીવન ઘડે છે. મેન્ટલ મિનિમલિઝમ કોઈ કઠિન સાધના નથી, પણ એ એક પસંદગી છે—ઓછું વિચારવું, વધારે જીવવું. જ્યારે મન હળવું બને છે, ત્યારે જીવન પોતે જ સરળ અને સુંદર બની જાય છે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)


