નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી અને NCPપ્રમુખ અજિત પવારના વિમાન દુર્ઘટનામાં આકસ્મિક થયેલા નિધનને કારણે NCPના બંને જૂથની વચ્ચે ચાલી રહેલી વિલયની ચર્ચાઓ અને શક્યતાઓને મોટો આંચકો લાગ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિલયની સત્તાવાર જાહેરાત 8 ફેબ્રુઆરીએ થવાની છે. આ અંતર્ગત એવી ચર્ચા પણ થઈ હતી કે વિલય બાદ પણ પાર્ટી NDA સરકારમાં સામેલ રહેશે, જેના માટે NCPના સ્થાપક શરદ પવાર પણ સંમત થઈ ગયા હતા, એવો દાવો કરવામાં આવ્યો છે.
NCP બંને જૂથ વચ્ચે વિલયની ચર્ચા ઘણી આગળ વધી ચૂકી હતી અને જિલ્લા પરિષદનાં ચૂંટણી પરિણામો બાદ ઔપચારિક એકીકરણ માટે તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે આ દુઃખદ ઘટના બની. જોકે NCPના નેતાઓએ જણાવ્યું હતું કે અજિત પવારના અવસાનથી યોજનાઓના તાત્કાલિક અમલ પર અનિશ્ચિતતા જરૂર છવાઈ ગઈ છે, પરંતુ મૂળ રાજકીય પ્રક્રિયા હજુ પણ ચાલુ છે.
બારામતીમાં થઈ હતી NCP નેતાઓની બેઠક
વાસ્તવમાં, બુધવાર મોડી રાત્રે અજિત પવારને શ્રદ્ધાંજલિ આપવા બારામતી પહોંચેલા NCPના વરિષ્ઠ નેતાઓએ એક બેઠક યોજી હતી. બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે પરામર્શ ચાલુ રાખવાની આ બેઠકમાં ચર્ચા થઈ હતી. નેતાઓએ કહ્યું હતું કે પુનર્મિલન શરદ પવારના નેતૃત્વ હેઠળની NCPના સરકારમાં જોડાવાની દિશામાં એક પગલું હશે.
મંત્રીમંડળ ફેરબદલ સુધી પહોંચી ગઈ હતી વાત
NCP (SP)ના વરિષ્ઠ ધારાસભ્ય જયંત પાટીલ અને NCP (SP)ના પ્રમુખ શશિકાંત શિંદેએ પુષ્ટિ કરી હતી કે વિલયની ચર્ચા અંતિમ તબક્કામાં છે. આ ચર્ચા એ હદ સુધી પહોંચી ગઈ હતી કે સંભવિત મંત્રીમંડળ ફેરબદલ અને નવા ચહેરાઓને સામેલ કરવાની બાબતે અનૌપચારિક રીતે વિચારણા થઈ રહી હતી.
NCPની અંદરથી અવાજ ઊઠી રહ્યો છે કે અજિત પવારનાં પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારને પાર્ટી અધ્યક્ષ તથા ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવે. જો રાજકીય કારણોસર એવું શક્ય ન બને, તો NCPના પ્રફુલ્લ પટેલને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.


