કોરોના કાળમાં નકારાત્મકતા દૂર કરવા અપનાવો આ વાસ્તુ ટિપ્સ

સતત ચાલતા સમાચારો અને મૃત્યુનું તાંડવ. તોયે માનવ ઘેલછા માજા મુકે ત્યારે પ્રભુને કહેવાનું મન થાય કે હવે પ્રભુ અવતાર લ્યો તો પ્રભુ જાણું. આપત્તિને અવસરમાં બદલવાની વાત પણ જાણે અમુક લોકો અલગ રીતે સમજ્યા હોય એવું લાગે. હકીકત એ જ છે કે સુરક્ષિત રહેવું જરૂરી છે. જેણે જે કર્યું એ. જે કોઈ જે કરી રહ્યા છે એ બધુજ જોયા વિચાર્યા વિના એક વાત સમજવી જરૂરી છે કે જીવ પોતાનો છે. કોઈ પણ આક્ષેપબાજી એને બચાવી નહિ શકે. વળી કોઈ માસ્ક નથી પહેરતું એટલે આપ પણ ન પહેરો એ યોગ્ય નથી. બે ખોટાથી એક સાચું ન જ થાય. વાયરસ કોઈ ધર્મ, જાતી, સમાજ, સંસ્થા કે પરિવારને જોઇને નથી આવતો. અત્યારે માત્ર જીવતા રહેવું જરૂરી છે. જીવતા હોઈશું તો ભવિષ્ય હશે. બાકી બધા જ પ્લાનિંગ અહી રહી જશે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: મને તમારામાં ખુબ શ્રદ્ધા છે. અમારું ઘર પણ તમારા લેખ વાંચીને વાસ્તુ મુજબ કર્યું છે. અમે સુખી છીએ. બધુજ ખુબ સારું છે. કોરોના જતો રહ્યો હતો. અમે સાવ નોર્મલ લાઈફ જીવતા હતા. એક મહિના પહેલા એક કેસ અમારા વિસ્તારમાં આવ્યો. અમને એમકે જતો રહેશે. પણ હવે અમારી સોસાયટીમાં ત્રીસ ટકા ઘરમાં કોરોના આવી ગયો છે. ખુબ ડર લાગે છે. કોઈ ઉપાય બતાવોને.

જવાબ: બહેનશ્રી. કોરોના ગયો છે એવું કોણે કહ્યું? કેટલીક ગેર માન્યતા અને માત્ર આપણને ગમતી વાતો જ સાંભળવાની વૃત્તિ ઘાતક બને છે. એક કેસ આવ્યો ત્યારે ચેતવાને બદલે તમે લોકોએ રાહ જોઈ. સરકાર પોતાનું કામ કરે છે. એ ઘરે ઘરે માસ્ક પહેરાવવા તો નહિ આવે ને? આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. એમ રાતોરાત જતો પણ નહિ રહે. બની શકે એ નવા સ્વરૂપે પાછો આવે. તમારો જીવ તમારે જ બચાવવો પડશે. તમે માસ્ક ન પહેરો અને એ તમને માફ કરી દે એવું ન બને. નોર્મલ લાઈફ એટલે સભાનતા પૂર્વકનું જીવન. નહિ કે મન ફાવે એવું જીવન. ડરવાની જરૂર નથી પણ સભાન તો રહેવું જ પડે ને? જ્યાં સુધી તમે ઘરમાં છો અને અન્ય કોઈના સંપર્કમાં નથી આવતા તમે સુરક્ષિત છો. પણ કારણ વિના બહાર ન નીકળશો. જો બહાર જવાનું થાય તો પ્રોટોકોલ પાળશો.

તમારી સોસાયટીમાં મુખ્ય ચારે ચાર અક્ષ નકારાત્મક છે. નૈરુત્યમાં કચરો છે અને વાયવ્યમાં કપાત. પૂર્વમાં બાંધકામ છે અને પશ્ચિમ ખાલી છે. ઉત્તરમાં મોટું મશીન છે. ઇશાન 90 ડીગ્રી કરતા મોટો છે. આ બધા કારણોથી સોસાયટીમાં કોઈને કોઈ સમસ્યા ચાલ્યા કરતી હોય. એક બીજા સાથે માયા પણ ઓછી હોય. ગર્વિષ્ઠ લોકો રહેતા હોય. તેથી પોતાને કોવિડનું ઇન્ફેકશન છે એવું કહેવામાં ઘણાને શરમ આવતી હોય. નાના માણસો સોસાયટી પર રાજ કરતા હોય. તમારા ઘરમાં વ્યવસ્થા બરાબર છે તેથી જ તમે સુરક્ષિત છો. ગભરાવાની જરૂર નથી.

સવાલ: હું તમને ગુરુ માનું છું. તમારા બધા જ ટીવી એપીસોડસ મેં જોયા છે. મને ખરેખર ખુબ વિશ્વાસ છે. અત્યારે કોરોનાએ કેર વર્તાવ્યો છે ત્યારે તમારા જેવા લોકો કેમ કાઈ કરતા નથી? શું એ તમારી ફરજમાં નથી આવતું? તમે આટલા જ્ઞાની છો તો તમારું જ્ઞાન કેમ વાપરતા નથી. ડર લાગે છે. શું કરવું? અમને રસ્તો સુજાડો.

જવાબ: ભાઈ શ્રી. તમારો મારા પરનો વિશ્વાસ અને તમારી લાગણી બંને યોગ્ય છે. જયારે સમગ્ર વિશ્વ તકલીફમાં હોય ત્યારે એમને મદદ કરવા માટે પ્રયત્ન કર્યો જ હોય. પણ ઈશ્વર પણ એમની જ મદદ કરી શકે છે જે મદદ ઈચ્છે છે, અથવા તો પોતાની મદદ કરે છે. હું દરરોજ મારા ક્લાયન્ટ્સ માટે કોઈ મંત્ર કરું છું અને એમને સારું પણ લાગે છે. પણ વિવિધ ધર્મ, જાતી સંસ્કાર વિગેરેમાં માનતા દરેક લોકોને એમાં વિશ્વાસ ન પણ હોય. તમને બે વસ્તુ સજેસ્ટ કરું છું. યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરો અને ત્યાર બાદ પાંચ મંત્ર મહામૃત્યુંજયના કરો. ગરમ પાણીમાં અજમો નાખીને નાસ લ્યો. ચોક્કસ સારું લાગશે. ડર ઓછો થશે. એ સિવાય કોવીડના પ્રોટોકોલ સમજી એનું પાલન કરો. જે લોકો મારી મદદ માંગે છે એમની મદદ હું કરું જ છું.

આજનું સુચન:  કપૂરનો વધારે પડતો ઉપયોગ શ્વસન માટે હાનીકારક નીવડી શકે છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]