વાસ્તુ: મનની શાંતિ માટે શિવ પૂજા જરૂરી

ધર્મને વ્યાખ્યાન્વિત કરવો હોય તો કદાચ સમગ્ર પૃથ્વી પર કાગળ પાથરી દઈએ તો પણ ઓછો પડે. વિવિધ જગ્યાઓ પર ધર્મની વિવિધ વ્યાખ્યાઓ જોવા મળે છે. તો ક્યારેક વિચાર આવે પણ ખરો કે ધર્મની સાચી વ્યાખ્યા કઈ હોઈ શકે? એનું મુખ્ય કારણ એ છે કે કેટલીક જગ્યાએ વ્યક્તિગત વિચારો તો કેટલીક જગ્યાએ સામુહિક વિચારો પણ જોવા મળે છે. મજાની વાત એ છે કે જે લોકો વધારે વિચારે છે એમને જ આવા સવાલો વધારે થાય છે. ધર્મ એટલે શું? સામાન્ય રીતે વિચાર કરીએ તો માનવ જાતિને માટે રચાયેલા એવા નિયમો જે વ્યક્તિ અને સમાજનું ઉત્થાન કરે? તેથીજ કદાચ વિશ્વના સર્વ પ્રથમ ધર્મને કોઈ નામ નહિ આપવામાં આવ્યું હોય. જે વિચારો અને નિયમો સમગ્ર માનવ જાતી માટે રચાયા હોય એને કોઈ વાડામાં તો ન જ રખાય ને? પણ મારી રીતે જો ધર્મે વિચારું તો એવું કહી શકાય કે જેવો વ્યવહાર કોઈ આપણી સાથે કરે અને આપણને ન ગમે એવો વ્યવહાર આપણે અન્ય સાથે ન કરીએ એ ધર્મ.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: કેટલાક સમયથી મને ખુબ ડર લાગ્યા કરે છે. રાત્રે અચાનક ઝબકીને જાગી જાઉં છું. નકારાત્મક વિચારો આવે છે. કેટલીક માન્યતાઓના લીધે એવું લાગે છે કે આવું નહિ કરું તો મારું શું થશે? પાછો વિચાર આવે છે કે આપણા વડવાઓ અને ઈશ્વર એ કારણ વિના આપણું ખોટું તો ન જ કરે. તમારા પર વિશ્વાસ છે કે તમે સાચી સલાહ આપશો. તો આવી બાબતોને કેવી રીતે લેવી જોઈએ?

જવાબ: કોઈ પણ શાસ્ત્રો કે નિયમો કોઈને ડરાવવા માટે નથી રચાયા. એનો મૂળ ઉદ્દેશ્ય માનવ જાતિને કોઈ ને કોઈ રીતે મદદ કરવાનો જ રહ્યો છે. તેથી કોઈ પણ એવી બાબત જે જીવનની ઉર્જા સાથે જોડાયેલી છે એને સમજવી જરૂરી છે. એનાથી ડરવાનો કોઈ અર્થ નથી. વળી ડરવાથી તમને પણ કોઈ ફાયદો થવાનો નથી. ઈશ્વર એ તત્વ છે. એ કોઈને શું કામ રંજાડે? અને વડવાઓ? ખોટી ભ્રમણાઓથી ગભરાવાની જરૂર નથી. ઈશ્વરમાં શ્રદ્ધા કેળવો, સત્કર્મો કરો અને શાસ્ત્રોને સાચી રીતે સમજો. સવારે વહેલા ઉઠો, વડીલોને સન્માન આપો અને પ્રાણાયામ કરો.

સવાલ: સર, મારે લગ્ન કરવા છે પણ લગ્ન થતા નથી. મને કોઈએ એવું કહ્યું છે કે મારો ભાગ્યોદય લગ્ન પછી જ થશે? મારે કશુક કરવું છે પણ જો લગ્ન પછી જ ભાગ્યો હોય તો અત્યારે કાઈ કરવાનો અર્થ ખરો? વળી જો લગ્ન ન થાય તો મારું શું થશે?

જવાબ: તમારો પ્રશ્ન અટપટો છે. તમારે માત્ર ભાગ્યોદય માટે જ લગ્ન કરવા છે? તો ન જ કરો. તમને જયારે લગ્ન કરવાની ઈચ્છા જાગે ત્યારે લગ્ન કરવા જોઈએ. જો લગ્ન ન થાય તો? એવો સવાલ જ દર્શાવે છે કે તમને તમારી આવડત પર ભરોસો નથી. કેટલાય એવા લોકો છે જેમણે લગ્ન નથી કર્યા પણ સફળ છે. તેથીજ આત્મવિશ્વાસ કેળવો. તમારી આવડત પ્રમાણે ખંતથી કામ શરુ કરો. સવારે વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવો. ગાયત્રી માત્ર સાચી રીતે કરો. મહામૃત્યુંન્જય મંત્ર યોગ્ય રીતે કરો.

સુચન: મનની શાંતિ માટે શિવ પૂજા જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)