શું કુંવારી સ્ત્રીઓ એ ચંદનનું તિલક કરી શકાય?

તો કેવી કરુણતા કહેવાય કે અન્ય લોકોના આપેલા કેરેક્ટર સર્ટીફીકેટ મેળવવા આપણે ક્યારેક એવા કામ કરવા પડે છે જે આપણા સિધ્ધાંતોથી વિરુદ્ધ હોય. કેટલાક સંબંધોનો ભાર એટલે વેંઢારવો પડતો હોય છે કારણકે આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ કે ચાર માણસો આપણને કાંધ આપવા આવે. પણ કોરોનાએ શીખવાડી દીધું છે કે મૃત્યુ બાદ કોણ કાંધ આપશે કે ક્યાં સંસ્કાર થશે એ પણ નક્કી નથી. તો શું પોતાને ગમતા માણસો સાથે મનગમતું જીવન ન જીવી શકાય?

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ:  મારો એક મિત્ર હતો. અમારા સંબંધો આગળ વધી ગયા હતા. અને અચાનક એણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. હું ખુબ ખુશ થઇ. જાણે અમારી સગાઇ થઇ ગઈ હોય એમ હું એનાથી નજીક આવતી ગઈ. અને એક નાજુક ક્ષણે હું એની થઇ ગઈ. મેં મારા મામીને પણ મારા માબાપને સમજાવવા કહેલું. પણ અચાનક પેલો મિત્ર બદલાઈ ગયો. અમારા એ ફોટા સોસીયલ મીડિયા પર મુકવાનું કહીને એ મને ડરાવે છે. એના મિત્રો સાથે સંબંધ બાંધવા કહે છે. હું એવું ખરાબ નથી કરવા માંગતી. મારે આત્મહત્યા નથી કરવી મારા માબાપની આબરૂનો સવાલ છે. શું કરું સમજાવો, પ્લીઝ.

જવાબ: પહેલી વાત એ કે તમે આત્મહત્યા નથી કરવા માંગતા એ સારી વાત છે. એમ નાની નાની વાતમાં આવી નકારાત્મકતા ન વહોરી લેવાય. શું આત્મહત્યા કરવાથી માં-બાપની આબરૂ વધી જશે? હવે મૂળ વાત પર આવીએ. કોઈને મન આપી દેવું એ બહુ મોટી વાત ગણાય. પણ એના માટે વ્યક્તિની લાયકાત જોવી પડે. જે થયું એ બરાબર નથી. તમે છેતરાયા છો. પણ કોઈ પ્રસ્તાવ મુકે અને તમે સમર્પિત થઇ જાવ એવા અધીરા પણ ન થવાય. બે વ્યક્તિની સંમતિ વિના આવા સંબંધો બંધાતા નથી. જો તમે ખોટા છો તો પેલો માણસ પણ ખોટો જ છે. વળી તમારા મનમાં કોઈ પાપ ન હતું એ તમારી ભૂલ હતી. ગુનેહગાર તો પેલો છોકરો છે. તમે કયા સમાજ થી ડરો છો? શું તમારા વિશે ઓપીનીયન આપનાર દરેક વ્યક્તિ પોતાના સાચા કેરેક્ટર સર્ટીફીકેટ લઈને ફરે છે? સહુથી પહેલા તમારા ઘરનાને વિશ્વાસમાં લઈને એમને સત્ય સમજાવો. પેલા છોકરા પર દબાણ ઉભું કરવા માટે આ ખુબ જરૂરી છે. આવા માણસો ખુલ્લા પડે તો અન્યને પણ એનો લાભ મળશે અને નવી વ્યક્તિઓ ફસાશે નહિ. તમારા ઘરમાં પશ્ચિમ અને દક્ષિણના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક છે અને પૂર્વમાં દાદરો છે તેથી તમને કૈક નવું કરવાની ઈચ્છા થઇ અને લાગણીના પ્રવાહમાં આવી ગયા. ઘરમાં ગુગળનો ધૂપ કરો અને યોગ્ય રીતે ગાયત્રીમંત્ર કરો. દરરોજ  સૂર્યને જળ ચડાવો. સાચો રસ્તો જરૂરથી મળશે.

સવાલ:  હું એક જગ્યાએ નોકરી કરું છુ. ત્યાં એક સ્ત્રી ચંદનનો ચાંદલો કરે છે. કુંવારી સ્ત્રીથી એ કરી શકાય?

જવાબ: સવાલ એટલે ગમ્યો કે આ કામ આણે જ કરાય અને આણે ન કરાયની ઘરેડ માંથી બહાર નીકળવાની એક ઈચ્છા એમાં દેખાઈ રહી છે. તિલક કરવા પાછળ પણ વિજ્ઞાન રહેલું છે. ચંદનનું તિલક મનને શાંત કરવા માટે છે. તેથી તે જ્ઞાની માટે યોગ્ય ગણાતું અથવાતો વિધવા માટે. જેને શાંત ચિતની જરૂર છે એ સહુ આ તિલક લગાવી શકે છે. આપ કોર્પોરેટમાં નોકરી કરો છો. માનસિક તણાવ હોઈ શકે છે. જો આપ મન શાંત રાખવા માંગો છો તો આપ પણ ચંદનનું તિલક કરી શકો છો.

આજનું સુચન:  ભૂમિપૂજનના કેટલાક નિયમો એ સમયે ભૂમિ પરીક્ષણ માટે વપરાતા હતા. તેથી એને સમજી અને જાતે ભૂમિ પરીક્ષણ કરી શકાય.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરોઃ vastunirmaan@gmail.com)