માનવ જીવનની શરૂઆત થઇ પછી જેમ જેમ ઉત્ક્રાંતિ થતી ગઈ એની જરૂરિયાતો બદલાતી ગઈ. વિવિધ અભિવ્યક્તિ માટે વિવિધ ઇન્દ્રિયોને સજાગ કરવાનું એને સુજ્યું. વખત જતા એને ભાષાની જરૂરિયાત સમજાઈ. શરૂઆતમાં એ ચિત્રની મદદ લેતો હતો. ધીમે ધીમે એણે લીપી વિકસાવી. હવે એ પોતે શોધેલા નિયમોને વધારે સારી રીતે અભિવ્યક્ત કરી શકતો. અવનવી લિપીઓ વિકસતી ગઈ. હવે ભાષાને લઈને વિવાદો શરુ થયા. માનવો વધતા ગયા અને વિવાદો પણ. જીવન જીવવાના નિયમો સમજવા લખાણની જરૂર પડી. એના માટે ભાષા શોધી. અને અત્યારે એ જ ભાષાના લીધે વિવાદો થાય અને માનવતાના નિયમો ન સમજાય એવી પણ ઘટના બને ત્યારે લાગે કે જો લીપી ન શોધી હોત તો? તો વિવાદોથી બચી શકાત?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપણે કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.
સવાલ: તમને વાંચવામાં ખુબ મજા આવે છે. જેટલા માથા એટલા માનવી જેવું જ છે. સવાલો ખુબ મજેદાર હોય છે. જોકે મારો સવાલ પણ ચટપટો છે. જવાબ આપજો. તમે એક આર્કિટેક્ટ છો. વાસ્તુનું પણ તમને ગહન અને સચોટ જ્ઞાન છે. તમે સારા વક્તા છો અને વિવધ વિષય પર તમારી ઊંડાણ પૂર્વકની વાતો દર્શાવે છે કે તમારું વાંચન ખુબ સારું છે. ટૂંકમાં તમે ઘણા બધા વિષયોને આત્મસાત કરી લીધા છે. અરે ના ના, તમારી પ્રસસ્તી નથી કરતી. મારો સવાલ હવે જ આવે છે. આ બધું કરવાનો તમને સમય ક્યાંથી મળે છે? અને જો મારે તમારા જેવું થવું હોય તો એના માટે કયા વાસ્તુ નિયમો મદદ કરે?
જવાબ: બહેન શ્રી. તમારી વાત સાચી છે મારું વાંચન સારું છે. એનો શ્રેય મારા ઘરના વાતાવરણને જાય છે. હું મનથી હજુ પણ બાળક જેવી જીજ્ઞાશા ધરાવું છું. નવું શીખવામાં શરમ શાની? વળી શીખવાની કોઈ ઉમર નથી હોતી. મુસાફરી, નવા લોકોને મળવાનું અને જે મળે એમાં રાજી થવાનું એ બધું જ મારા જીવન ઘડતરનો ભાગ છે. સંસ્કાર, કર્મ અને વાસ્તુ આ ત્રણેય સકારાત્મક હોય તો વ્યક્તિને ગમતું કરવું ગમે અને એ પણ અન્યને ગમતું પણ. સમય દરેકની પાસે હોય જ છે. બસ એને સમજવો પડે છે. સત્તા અને સંપતિ ક્ષણિક છે. એ જરૂર પડે કામ લાગે. પણ અંતે તો વ્યક્તિત્વ જ સાથે રહે છે. ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખો. શિવ પૂજા અને ગાયત્રી ઉપાસના કરો. ચોક્કસ લાભ થશે.
સવાલ: મારી બહેનને કોઈ છોકરા ગમતા નથી. લગ્ન માટે ના પાડે છે. જેટલા ફોટા જુએ એ બધામાં એને કોઈ ને કોઈ ભૂલ દેખાય. કયારેક વિચાર આવે છે કે એને છોકરીઓ તો નહિ ગમતી હોય ને? જલ્દી લગ્ન થઇ જાય એવો કોઈ ઉપાય બતાવો ને.
જવાબ: લગ્ન થયા એટલે પતિ ગયું એવું હોય ખરું? એ શરૂઆત છે. એક અજાણી વ્યક્તિ સાથે આખી જિંદગી કાઢવાની. વિચારવું તો પડે ને? વળી તમે વારંવાર ફોટા બતાવ્યા કરો તો એ એને ન પણ ગમે. તમે એને કોણ ગમે છે એવું પૂછ્યું છે? જો જવાબ ના છે. તો પૂછો. માત્ર તર્ક કરીને દુખી ન થાવ. એમને યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કરવાનું કહો.
સુચન: ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ ગોળનો પ્રસાદ ધરાવી ને લેવો જોઈએ.
(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)