વાસ્તુ: ઉત્તર થી દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો અકારણ ડર લાગે

પહેલાના જમાનામાં લોકો ડાયરી લખતા. ભૂલથી પણ કોઈ એ ડાયરી જોઈ લેતું તો ધમાલ થઇ જતી. પોતાની અંગત વાત કોઈ જાણી જાય એ કોઈને ગમતું નહિ. અત્યારે પોતાની બધીજ માહિતી પેજ પર મુકાય છે અને જો કોઈ ભૂલથી એને ન જુએ તો ધમાલ મચી જાય છે. અંગત વાતો ફેલાવવાનું બધાને ગમે છે. ખોરાક આરોગવા માટે હોય છે. પણ એને આરોગતા પહેલા દુનિયાને દેખાડવાનું ગમે છે. જીવન જાણે એક ખુલ્લી કિતાબ બની ગયું છે. કેટલાક લોકોને નવાઈ લાગશે કે આજના લેખમાં કેટલાક શબ્દો ગુજરાતીના નથી. સાચું છે. એ શબ્દો એ પણ આપણી ભાષા પર પ્રહાર કર્યા છે. ટૂંકમાં કશું જ પહેલા જેવું નથી. બધા પોત પોતાનામાં છે. શું આને આપણે ભારત કહી શકીશું?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો.

સવાલ: અમારા ઘરની સામે એક પરિવાર રહે છે. એ સતત અમારા ઘર પર નજર રાખે છે. અમે ક્યારે ઉઠ્યા, શું પહેર્યું, શું ખાધું, ક્યારે ખાધું, કોને મળ્યા, જેવી રજે રજની માહિતી એ લોકો બધાને આપે છે. વળી ક્યારેક મનઘડત વાર્તાઓ પણ બનાવે છે. સમજાતું નથી કે શું કરવું. તમે કોઈ સલાહ આપો ને.

જવાબ: જે કામ માટે લોકો પૈસા આપીને એજન્સી રાખે છે એ કામ માટે તમને મફતિયા માણસો મળી ગયા છે. જોકે આવા મફતિયા માણસોથી ચેતવું જરૂરી છે. તમે આવું કરવા માટે એમનો આભાર માનો. એમને એવું પણ કહો કે ઘણા લોકો અમને પૂછે છે કે તમે એમને કેટલો પગાર આપો છો? પણ અમે કહીએ છીએ કે એ લોકો શોખથી મફતમાં આવું કરે છે. એ લોકો અમારાથી ખુબ પ્રભાવિત છે. એટલે એમને અમારા માટે આવું કરવું ગમેછે. એકાદ બે મિત્રોને પણ કહો કે એમને ફોન કરીને સામેથી કહે કે તમે અમારા માટે પણ આવું કામ કરો ને. જે લોકો તમારું અહિત ઈચ્છે છે. એમનાથી તમારો રાજીપો સહન નહિ થાય. એ એની મેળે જ બંધ થઇ જશે. સોસ્યલ મીડિયા આવ્યા બાદ ઘણા લોકોને આવી પંચાત કરવી ગમે છે. ક્યારેક એ લોકો સંતાઈને તમારી વિડીઓ લેતા હોય ત્યારે એમની સામે પોઝ પણ આપો. કદાચ પછી એમનો રસ ઓછો થઇ જશે.

સવાલ: આજ કાલ આખા વિશ્વમાં કુદરત રૂઠેલી છે. કેટલા બધા લોકો પીડાય છે. ક્યારેક ડર લાગે છે કે પૃથ્વીનો વિનાશ તો નહિ થાય ને? મારા દીકરાના લગ્ન થયા છે. હજુ તો એના બાળકોના મોઢા પણ નથી જોયા. શું એ જોયા વિના જ જતા રહેવું પડશે?

જવાબ: માણસની જીજીવીશાઓ કેવી હોય છે એ આપના પત્રમાં દેખાય છે. પ્રલય આવે એના કરતા પણ વધારે ચિંતા પૌત્રનું મોઢું જોયા વિના જવું પડશે એની છે. ચિંતા ન કરો પૃથ્વીને કશુજ નથી થવાનું. તમારા ઘરમાં ઉત્તર થી દક્ષિણનો અક્ષ નકારાત્મક છે. તેથી આવું થાય છે. બુધવારે સમળા ના વૃક્ષને દૂધ ચડાવો.

સુચન: શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણને ખીર પૂરી ખવરાવી તેને ગમતી વસ્તુનું દાન કરવું જોઈએ.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)