વાસ્તુ: બાંધકામમાં ફેરફાર કરવાથી ઘરની ઉર્જા બદલાઈ જાય

ડીલ્યુઝન ડીસઓર્ડર એક એવો રોગ છે જેમાં દર્દીને એની ભ્રમણાઓ સાચી લાગે. એના વિચારોને એ વાર્તાઓમાં પરિવર્તિત કરે અને પછી એ જ હકીકત છે એવું માનવા લાગે. આવું થવાના ઘણાં કારણો હોઈ શકે. એકલતા, આત્મવિશ્વાસનો અભાવ, સમાજ તરફથી અપેક્ષા મુજબ ન મળેલું મહત્વ, વિગેરે. સત્ય અને ભ્રમણા વચ્ચેનો ભેદ ક્યારે વ્યક્તિને ન સમજાય ત્યારે એ પોતાની ભ્રમણાઓને સાચી ઠેરવવા મહેનત કરવા લાગે. જે અન્ય વ્યક્તિઓ માટે નુકશાનકારક હોઈ શકે છે. જો કે આ રોગની સારવાર શક્ય છે. આ પરિસ્થિતિને વાસ્તુના સંદર્ભમાં જોઈએ તો ક્યારેક કશુક નવું બાંધકામ થાય કે પછી બાંધકામમાં ફેરફાર થાય પછી આવું કશુક થવા લાગે તો એ જગ્યાનું વાસ્તુ નકારાત્મક થયું છે એવું માની શકાય. જાણકાર વ્યક્તિની સલાહ દ્વારા એ ઉર્જાને સકારાત્મક બનાવી શકાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. ઘર પણ વિશાળ છે. સમયાંતરે કેટલાક લોકો છુટા પડ્યા તો પણ બહોળો પરિવાર છે. અમારા ઘરમાં બધું જ બરાબર ચાલતું હતું. અમે ઘરમાં કેટલાક ફેરફાર કરાવ્યા પછી અચાનક એક વડીલને એવું લાગે છે કે એ ભગવાન સાથે વાતો કરે છે. એ અમને પણ દેખાડે કે જુઓ ભગવાન અહી બેઠા છે. દરરોજ નવા નવા નામના ભગવાન આવે છે એવું એ માને છે. કેટલાક ભગવાનના તો અમે નામ પણ નથી સાંભળ્યા. વળી હવે નવું શરુ થયું છે. એ એવું કહે છે કે જુઓ ભગવાન આપણા માટે ખાવાનું લાવ્યા છે એટલે આજે બધાએ એ જ ખાવાનું છે. એ પોતે બહાર જઈને ખાઈ લે છે પણ અમને રોકે છે. અમે સમજાવવા જઈએ તો ગુસ્સે થઇ જાય છે. કાલે એમણે કહ્યું કે ભગવાન બધા માટે કપડા લાવ્યા છે. દિવાળી પર બધાએ આ જ પહેરવાનું છે. જે કપડા છે જ નહિ એ પહેરવા કેવી રીતે? અમે કંટાળી ગયા છીએ. કોઈ ઉપાય હોઈ શકે ખરો?

જવાબ: આ આખી બાબતને આપણે બે રીતે વિચારી શકીએ. બાંધકામમાં ફેરફાર થયા એટલે ઘરની ઉર્જા બદલાઈ. બ્રહ્મમાં ફેરફાર થયા એની અસર દેખાય છે. બીજું કે જે વડીલને એવું લાગે છે એ એકલા પડી ગયા છે. ક્યારેક ભર્યા પરિવારમાં પણ વ્યક્તિને એકલું લાગે. પોતાને પુરતું મહત્વ ન મળતું હોય  ત્યારે ઘણા લોકો આવું વિચારી શકે. આપણા દેશમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાને ડર સાથે પણ ક્યાંક જોડાઈ છે. વડીલને સમજાવો કે અમને ખાવાનું કે કપડા દેખાતા નથી એટલે અમે એમાં વિશ્વાસ નહિ કરીએ. તમે જેટલું વધારે મહત્વ આપશો એટલો એમનો પ્રયત્ન વધશે. કોઈ જાણકાર ડોક્ટરને પણ બતાવો. ઘરમાં મહામૃત્યુંન્જય મંત્રના બને તેટલા વધારે જાપ યોગ્ય રીતે કરો.  આપને સારું લાગશે.

સવાલ: મારો સ્વભાવ પહેલા ખુબ જ સારો હતો. છેલ્લા કેટલાક વરસોથી મને બસ કોઈકની આવડતનો ઉપયોગ કરીને આગળ આવવાના જ વિચારો આવે છે. વળી એ લોકો અંદર અંદર એક બીજાને ન મળે એના માટે પણ મેં અલગ વાતાવરણ ઉભું કરીને રાખ્યું છે. કોઈ મારી વિરુદ્ધ જવા જાય તો એને રોકવા હવે મારી પાસે પૂરતા પૈસા છે. પણ રાત્રે ઊંઘ નથી આવતી. ક્યારેક મને મારી જ દયા આવે છે. પણ અંતે હરી ફરીને મારો વિચાર બદલાઈને અન્યનો લાભ લેવાની વૃત્તિ આવી જ જાય છે. મારે શું કરવું જોઈએ?

જવાબ: સંપત્તિ અને સત્તાનો નશો જો એક વાર ચડે તો એને ઉતારવામાં વાર જ લાગે. એટલું સારું છે કે તમારો અંતરાત્મા હજુ પણ જાગૃત છે. સવારે યોગ્ય રીતે ગાયત્રી મંત્ર કર્યા બાદ મહામૃત્યુંન્જય મંત્ર કરો.

સુચન: ગાયત્રી મંત્ર માત્ર સૂર્યનો મંત્ર નથી. તેથી તેને સમજી અને યોગ્ય રીતે કરવો ખુબ જ જરૂરી છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)