શું કહ્યું… ભગવાન પણ રત્ન ધારણ કરે છે?

પણે જાણીએ છીએ કે ગ્રહોના રત્નો, પૌરાણિક સમયથી લોકચાહના પામેલા છે. ગ્રહોને રજૂ કરતા રત્નો થકી, મનુષ્યને જે-તે ગ્રહની દિવ્યઊર્જાનો સ્પર્શ થાય છે. આપણા આદ્ય આચાર્યો અને ઋષિ મુનિઓએ આકાશના ગ્રહોની ઊર્જાને અને તેના ગુણોને પૃથ્વી પર અનુભવ્યા. એ નોંધનીય છે કે ગ્રહોના ગુણ અને માનવજીવન પર તેમની અસર, માત્ર ઋષિમુનિઓ જ સ્પષ્ટપણે કહી શકે. આકાશના આ સાત ગ્રહોને પૃથ્વી પર કયો પદાર્થ રજૂ કરી શકે? તે જિજ્ઞાસાથી ગ્રહોના રત્નો શોધવાની અને તેની ઊર્જા પ્રાપ્ત કરવાની શરૂઆત થઇ હશે, તેમ ધારી શકાય.

સૂર્ય માટે માણેક, શનિ માટે નીલમ, મંગળ માટે લાલ પરવાળું, બુધ માટે આછો લીલો રંગ ધરાવતું પન્ના, ચંદ્ર માટે તેની શાંતિના પ્રતિકસમું મોતી, ગુરુ માટે પોખરાજ અને શુક્ર માટે સ્પષ્ટ ચમકતો ડાયમંડ ગ્રહોના રત્નો તરીકે ઘણા લાંબા સમયથી વપરાય છે. એક વાત ધ્યાને લેવા જેવી છે કે ગ્રહોના રત્નો જેતે ગ્રહની ઊર્જાનો અનુભવ આપે છે, ગ્રહોના રત્નો વિષે ઘણીવાર લોકોમાં વહેમ હોય છે, જેમ કે કોઈ ગ્રહનો રત્ન તેમને નુકસાન આપે છે. આધુનિક મત જોઈએ તો કોઈ પણ ગ્રહનું રત્ન ક્યારેય કોઈને નુકસાન આપતું નથી, કોઈ પણ ગ્રહનું રત્ન પોતાની જરૂરિયાત અનુસાર કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે છે, દરેક ગ્રહની પોતાની અલગ ઊર્જા છે, આ જ મહત્વનો સિદ્ધાંત છે. ગ્રહોના રત્નો રોગોમાં સારવાર માટે પણ વપરાય છે. તો ઘણા રત્નોની ભસ્મ સીધી આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે, તે વાત સર્વવિદિત છે. ટૂંકમાં ઊર્જા ક્યારેય કોઈનું ખરાબ નથી કરતી, તે માત્ર ઊર્જા છે. તેનો અનુભવ મનુષ્યના જીવનમાં સકારાત્મક બદલાવ ચોક્કસ લાવી શકે છે.જાણીને નવાઈ લાગશે કે જ્યોતિષના ગ્રંથો મુજબ દેવતાઓ પણ રત્નો ધારણ કરે છે. તેટલું જ નહિ માત્ર રત્નોને લીધે પણ દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયા છે. જેમ કે, જગતપિતા બ્રહ્મા ચિંતામણી નામનો દિવ્ય રત્ન ધારણ કરે છે, જે હમેશા શાંતિ આપતો અને જ્ઞાનના સાક્ષાત સ્રોત જેવો છે.

શાસ્ત્રો અનુસાર કેટલાકને મતે ઇન્દ્ર દેવ પાસે સ્યમંતક નામક રત્ન છે, ઇન્દ્રદેવના આ રત્નમાં આકાશની દિવ્યતા જોઈ શકાય છે, આ રત્નની આભા ખૂબ વિશાળ છે, તેની અંદર જોવાથી તેનો છેડો મળતો નથી અને આ રત્ન આછા વાદળી જેવા રંગનું છે.

ભગવાન શ્રીકૃષ્ણ કોટી સૂર્યો સમાન તેજસ્વી, ગુલાબી અને સફેદ રંગ જેવો, અનેક ગણો સૌમ્ય, કૌસ્તુભ નામનો દિવ્ય રત્ન ધારણ કરે છે. આ કૌસ્તુભમણીને સામે દેવ-દાનવ કોઈ નજર નથી મિલાવી શકતું. તેની દિવ્યતા એટલી છે કે સમગ્ર બ્રહ્માંડમાં તેની ઊર્જાનો વિસ્તાર થાય છે.

દેવાધિદેવ જગતગુરુ શંકર ભગવાન તો નાગને જ આભૂષણ તરીકે ધારણ કરે છે, ભસ્મ તેમના વસ્ત્રની જેમ તેમના શરીર પર રહે છે. અનેક જીવોનો ઉદ્ધાર કરનાર ભોળાનાથ પાસે પણ ‘રુદ્રમણી’ છે તેવું કહેવાય છે, આ ‘રુદ્રમણી’ અતિગુપ્ત અને દેવોને પણ દુર્લભ છે. આશ્ચર્યજનક રંગોવાળા, સોના સમાન કાંતિવાળા જગતમાં એકમાત્ર આ રત્નનું વર્ણન કરવું પણ શકય નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]