તંદુરસ્તી માટે જિમ જરુરી નથી

નાનપણમાં સાઇકલ ચલાવવાનો શોખ થતો. મોટા ના પાડતા તો પણ સાઇકલ ચલાવવા માટે ભાડે લઈ આવતા. હવે તો માબાપ બાળકોને સાઇકલ લઈ દે જ છે. તેથી કોઈ પ્રશ્ન નડતો નથી. પરંતુ એક વિચિત્ર વિરોધાભાસ એ  છે કે ગરીબો પેટની ભૂખ ઠારવા સાઇકલ ચલાવે છે તો શ્રીમંતો ફાંદ ઘટાડવા માટે સાઇકલ ચલાવે છે અને તે માટે જિમ જાય છે.‘અમે તો આજકાલ જિમ જૉઇન કર્યું છે.’ ‘જિમની મસમોટી ફી એક સાથે ભરી દીધી પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડ્યો.’ ‘જિમમાં રોજેરોજ જવાનું શક્ય નથી બનતું.’ આવા સંવાદો તમે ઘણી વાર કોઈ ને કોઈ પરિચિતોના મોઢે સાંભળતા જ હશો. જિમમાં જવાથી તંદુરસ્ત નથી બનાતું, પરંતુ જિમમાં નિયમિત જવાથી તંદુરસ્ત બની શકાય છે. હા, સાથે આહારવિહારની બાબતો તો ધ્યાનમાં રાખવી જ પડે છે.જિમમાં જવાનો તો શરૂઆતમાં ઉમળકો હોય છે પરંતુ ધીમેધીમે તેમાં ખાડાના અખાડા થતા જાય છે. તેમાંય કોઈ એમ સલાહ આપે કે આ જિમમાં જવાથી તમને કોઈ ફરક તો પડ્યો નથી, તો પછી પૈસા શું કામ બગાડો છો? તો આ સલાહનો અમલ તરત જ કરાશે. જિમમાં જવાનાં કારણો શરૂઆતમાં હોઈ શકે છે પરંતુ ધીમેધીમે જિમમાં ન જવાનાં અનેક બહાનાં ઊભા થઈ જાય છે.

આ બહાનામાં એક નવું બહાનું તમને હવે મળી શકે છે! તે પૂરું પાડ્યું છે એક નવા અભ્યાસે. જોકે તેમાં એક શરત જોડાયેલી છે. જો તમે એ શરત પૂરી કરો તો તમને જિમમાં જવાથી મુક્તિ મળી શકે.અભ્યાસ મુજબ, જો તમારાથી જિમમાં ન જવાતું હોય તો તમારે દુઃખી થવાની જરૂર નથી. અમેરિકન કેન્સર સૉસાયટીના અભ્યાસમાં સંશોધકોને જણાયું છે કે પ્રતિ સપ્તાહ છ કલાક ચાલવાથી તમે લાંબું જીવી શકો છો.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા પ્રકાશિત એક અન્ય અહેવાલ મુજબ, ચાલવાથી કાર્ડિયૉવેસ્ક્યુલર રોગનું જોખમ ૩૧ ટકા ઘટે છે અને મૃત્યુનું જોખમ ૩૨ ટકા ઘટે છે.

દર કલાકે થોડી મિનિટ ચાલવું અથવા ચાલવા માટે એક કલાક ફાળવવો એ સારી નિશાની છે અને તેમ જો તમે કરતા હો, તો તમને જિમમાં જવાથી છૂટ્ટી!અમેરિકન કેન્સર સૉસાયટીના સ્ટ્રેટેજિક ડિરેક્ટર સીપીએસ-૩ અને પીએચ.ડી. અલ્પા પટેલ મુજબ, ટૂંકી ગતિથી ચાલવું તેનાથી સ્વાસ્થ્યમાં ખૂબ ફાયદો થાય છે અને તે સરળ છે, નિઃશુલ્ક છે અને ગમે ત્યાં કરી શકાય છે.

જોકે જિમ બાબતે આ ત્રણેય બાબતો લાગુ પડતી નથી. જિમમાં જવું હોય તો નિશ્ચિત (અને મસમોટી) ફી ભરવી પડે. તેના માટે ખાસ સમય કાઢવો પડે છે. વળી, તે ચાલવાની કસરત જેટલું સરળ પણ નથી.

ચાલવા માટે બગીચાથી ઉત્તમ બીજું કોઈ સ્થળ ન હોઈ શકે. જો તમે તમારા ઘરથી બગીચો દૂર હોય તો વાહન લઈ ત્યાં પહોંચી જાવ અને બગીચાની અંદર બનાવેલી ચાલવા માટેની કેડી પર ચાલો. તેનાથી તમને ખુલ્લી હવા મળશે, ઑક્સિજન મળશે, તાજગી મળશે. બીજા લોકોને ચાલતા જોઈ કે પ્રાણાયામ-યોગાસન કરતા જોઈ તમને પણ પ્રેરણા મળશે. જોકે જિમમાં બીજા કેટલાક એવા લોકો હોય જેમને જિમથી કંટાળો આવવા લાગ્યો હોય તો તમને પણ કંટાળો આવી શકે છે. આમ, જિમથી વિરુદ્ધ ચાલવાથી તમને રોજ ચાલવા આવવાની પ્રેરણા મળશે. બગીચામાં લાફિંગ ક્લબ ચાલતી હોય તો તેમાં પણ તમે જોડાઈ શકો છો.

તંદુરસ્ત રહેવું હોય તો ટ્રેડ મિલ પર કલાકો સુધી દોડવું કે ભારે વજન ઉંચકવું જરૂરી નથી. હા, નાચવું, ચાલવું, તમારા પાળીતા પ્રાણીને ચાલવા માટે સાથે લઈ જવું, આમાંથી તમને જે પણ પસંદ હોય તે કરો. પરંતુ ચાલતા રહો.રોજ ૩૦ મિનિટ ચાલતા રહેવાથી તમારી હૃદયની સ્થિતિ સુધરશે. હાડકાં મજબૂત બનશે. વધારાની ચરબી દૂર થશે, સ્થિરતા અને સ્નાયુની શક્તિ વધશે. તેનાથી ટાઇપ ૨ પ્રકારના ડાયાબિટીસ, ઑસ્ટિયોપોરોસિસ, કેટલાક પ્રકારનાં કેન્સર અને હૃદયરોગનું જોખમ ઘટશે.

આથી આગામી વર્ષે જિમમાં મસમોટી ફી ભરવાના બદલે નિયમિત રીતે ચાલો અને રોજેરોજ તમારી હલચલ વધારો તથા તંદુરસ્ત જિંદગી જીવો.

જીવન ચલને કા નામ, ચલતે રહો સુબહો શામ, આ ગીત ભલે જુદા સંદર્ભમાં હોય પરંતુ ચાલતા રહેશો તો તંદુરસ્ત રહેશો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]