જેને મળ્યા પણ ન હોઇએ એને પ્રેમ કરી શકાય? ઘણા લોકો હા કહેશે. કારણકે સોશિઅલ મીડિયા પર ઘણા લોકો આવું કરતા હોય છે. અને એ પ્રેમ ક્યારે લગ્નમાં પરિણમે ત્યારે બધુજ સારું હોય એવું જરૂરી નથી. થોડા સમય પહેલા જ આવા એક લગ્ન થયા બાદ પત્ની ઘરેણા લઈને ફરાર થઇ ગયાના સમાચાર આવ્યા હતા. આ પ્રક્રિયામાં પ્રેમ ક્યાં છે? પણ વરસો પહેલા એક પ્રેમ એવો થયો કે એ ઐતિહાસિક બની ગયો. એ છે મીરાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ. બંને અલગ યુગમાં જન્મ્યા. ક્યારેય ન મળ્યા. પણ મીરાના હૃદયમાં સતત કૃષ્ણ જ વસ્યા. એક રાજકુમારી, એક રાણી, એ પ્રેમ માટે જોગણ બની ગઈ. આ સાચો પ્રેમ છે. જયારે પ્રેમમાં શરીર શોધાય કે અપેક્ષાઓ જાગે ત્યારે પ્રેમની પરિભાષા બદલાય છે.
આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.
સવાલ: મારા ઘરનું દ્વાર દક્ષિણ દિશા તરફ ખુલે છે. મને ઘણા બધા લોકો બીવડાવે છે કે આ ઘર દુખી કરશે. વેચી દેવું જોઈએ. પણ એ વેંચીને નવું ઘર લેવા જઈએ તો એટલું સારું મળતું નથી. વળી અમે તો આ ઘરમાં સુખી થયા છીએ. મારી એક મિત્ર છે જેને તમારા જ્ઞાન થકી ખુબ જ લાભ થયો છે. એણે એવું પણ કહ્યું કે તમે દક્ષિણ દિશાને સંપૂર્ણ નકારાત્મક નથી માનતા. તમે એના પર ખુબ અભ્યાસ કર્યો છે. તો મારે હવે શું કરવું એની સલાહ આપશો.
જવાબ: ભારતીય વાસ્તુના સિધ્ધાંતો માત્ર વાસ્તુપુરૂષ પર બનાવેલા નકશા પૂરતા સીમિત નથી. એમા ગણિત પણ છે જ. જ્યાં ગણિત આવે છે ત્યાં ચોક્સાઈ પણ આવે જ. સમગ્ર દક્ષિણ દિશામાં કુલ નવ પદ છે. જેના વધુ વિભાજન થઇ શકે. પણ માત્ર નવ પદની વાત કરીએ તો પણ નવે નવ પદ નકારાત્મક નથી. ચારેય મુખ્ય દિશાઓમાં એક દ્વાર તો સકારાત્મક છે જ. સૂર્યની ગતિનો અભ્યાસ કરીએ તો સૂર્ય જયારે દક્ષિણમાં હોય ત્યારે એમાં રેડીએશન વધારે હોય છે. આના કારણે વિવધ સમસ્યાઓ ઉદ્ભવી શકે. પણ આપના ઘરનું દ્વાર સકારાત્મક પદમાં છે. જેના કારણે પદ પ્રતિષ્ઠા વધે. વૈભવ પણ વધે. હા થોડો તણાવ વધે પણ સમગ્ર ઘરની રચના જોતા બાકીના ભાગ સકારાત્મક હોવાના કારણે તમને એની અસર ઓછી થાય એવું બને. કોઈ પણ વિષયને સમજ્યા વિના ઉતાવળિયા નિર્ણય ન લેવા જોઈએ. તમે જો આ ઘરમાં સુખી થયા છો. તો માત્ર કાલ્પનિક ભયના કારણે ઘર ન વેચાય.
સવાલ: હું એક બહુ જ જાણીતી વ્યક્તિ છુ. મને પચાસ વરસ પુરા થયા ત્યાં સુધી કામની વ્યસ્તતાના કારણે મને કોઈ ગમ્યું જ નહતું. એક દિવસ અચાનક મને કોઈ ગમી ગયું. એ વ્યક્તિના પોતાના જીવનમાં અનેક સમસ્યાઓ હોવાના કારણે એ મને સમય આપવા સક્ષમ નથી. એ કબુલે છે કે એને પણ મારા માટે લાગણી છે તો મારે શું કરવું?
જવાબ: આપના વિશે કોઈ ખાસ માહિતી નથી. પણ આપે આપેલી માહિતી પુરતી છે. આ વિભાગમાં આમ પણ માહિતી જાહેર નથી કરાતી. તમે કોઈનું નામ ક્યારેય નહિ વાંચ્યુ હોય. તેથી નચિંત રહેશો. પહેલી વાત આપના પહેલા પણ લગ્ન થયા હતા. તો એમાં પ્રેમ ન હતો? બની શકે એ માત્ર લગ્ન જ હોય. લગ્ન એ જવાબદારી નથી. સમજણ છે. વળી જો એ પ્રેમ નહતો અને આ પ્રેમ છે. તો એ શક્ય છે. પ્રેમ કરવા માટે કોઈ ઉંમર, સ્થળ, કાળ નિશ્ચિત નથી હોતા. તમે પ્રેમ કરો છો તો કરતા રહો. સામે વાળાની સહમતી હોય તો એમને પણ અભિવ્યક્ત કરો. એક મજાની વાત એ છે કે તમે એમને એવું કહ્યું છે કે હું એક દિવસ તમને કિડનેપ કરીને લઇ જઈશ. એ પછી એ તમારાથી દુર દુર રહે છે. મજાકને માણસ સાચી માની લે તો આવું થાય. તમે એવી રીતે કહી શક્યા હોત કે આપણે જીવનભર સાથે રહીએ. તો કદાચ ડર ન લાગ્યો હોત. કોઈને પરાણે પ્રેમ ન થાય. જો એ વ્યક્તિ સાચેજ પ્રેમ કરતી હશે તો સામેથી આવી જશે. સવારે સૂર્યને જળ ચડાવો. ઈશાનમાં તુલસી વાવો. પ્રેમની યોગ્ય સમજણ કેળવાશે.
આજનું સુચન: ઘરની સાવ નજીક પીપળો ન વવાય.
(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો….vastunirmaan@gmail.com)