વાસ્તુ: તમારી સંસ્થાનું દ્વાર નૈરુત્ય પશ્ચિમનું તો નથી ને?

આફ્રિકામાં એક પ્રજાતિ એવી છે કે જયારે કોઈ વ્યક્તિને મૃત્યુદંડની સજા કરવાની હોય ત્યારે એને ફાંસી આપવાના બદલે કે ગોળી મારી દેવાના બદલે ગામના બધાજ માણસો ભેગા થઇ ને એનું આત્મસન્માન ઓછુ થાય એવા શબ્દો કહે છે. સતત શરમમાં એ માણસ મરી જાય છે. આ વાતની ખબર પડતા જ કેટલાક લોકોએ એને હથિયાર તરીકે વાપરવાનું શરુ કરી દીધું. કોઈને સતત નીચા દેખાડી અને પોતાનો સ્વાર્થ સાધવાનું કામ સરળ છે. એમાં કોઈ કાયદો વચ્ચે નથી આવતો એવું એ લોકો માને છે. પણ ક્યારેક માણસ એ ભૂલી જાય છે કે સહુથી ઉપર કુદરતનો ન્યાય છે. અને કુદરતની લાઠી જયારે પડે છે ત્યારે અવાજ તો નથી આવતો પણ ચિત્કાર બહુ મોટા નીકળે છે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુનીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: હું ભણવામાં ખુબ હોંશિયાર છું. મારા શિક્ષક વહાલા દવલાનો ભેદ કરે છે. પેપર આપી દેવા. એમને આગળ લાવવા મારા માર્ક કાપી લેવા વિગેરે કરવા છતાં મારો અભ્યાસ સારો રહ્યો. હવે એ અને એમના વહાલા વિદ્યાર્થીઓ ભેગા થઇ અને મને નીચા દેખાડવા પ્રયત્ન કરે છે. શિક્ષક મજાક કરે છે. ક્યારેક એમના માનીતા વિદ્યાર્થીઓ ગંદી મજાક પણ કરી નીચા દેખાડવા પ્રયત્ન કરે છે. મારે આત્મહત્યા નથી જ કરવી. પણ મારા પ્રિન્સીપાલ એવું કહે છે કે વધારે લોકો જે વાત કરે એ જ સાચી હોય. તો શું એકલી વ્યક્તિ સાચું બોલી જ ન શકે? શું એકલા પડી જઈએ એટલે ભણવાનું છોડી દેવાનું કે પછી એ લોકો જે કરે એ સહન કર્યા કરવાનું? હું કોઈ ખોટું પગલું ભરી બેસીસ એનો ડર લાગ્યા કરે છે.

જવાબ: ભાઈશ્રી.ભીરુતા એ પ્રિન્સિપાલનો ગુણધર્મ નથી. પણ જયારે પ્રિન્સીપાલ કોઈ પણ લાયકાત વિના બની જાય ત્યારે એમના નિર્ણયો આવા જ રહેવાના. આપણા દેશની કરુણતા એ છે કે પી એચ ડી કર્યું હોય અને સીનીયર હોય એ માણસ લાયક ગણાય. એનામાં મેનેજમેન્ટના કયા ગુણ છે એ તો કોઈ ચકાસતું જ નથી. કોઈક જગ્યાએ તો ઓછા પગારમાં મળતો માણસ લાયક ગણવામાં આવે એવું પણ બને. આવું જ શિક્ષકની પસંદગી માટે પણ કહી શકાય. તમે મક્કમ છો એ સારી વાત છે. દરેક આત્મહત્યા કોઈક જગ્યાએ તો હત્યા જ સાબિત થાય છે. કોઈને મરવું થોડું જ ગમે? તમારી સંસ્થાનું દ્વાર નૈરુત્ય પશ્ચિમનું છે. અને તમારા સાહેબ જ્યાં બેસે છે એના કારણે વિકૃતિ જન્મે. આવી સંસ્થામાં વધારે સમય ન રહેવાય. તો પણ જો તમારે રહેવું પડે તો ઘરમાં શિવલિંગ પર અભિષેક કરો. વહેલા ઉઠી અને સૂર્યને જળ ચડાવો.

સવાલ: અમારા એક વડીલ બલી પ્રથામાં માને છે. પોતાના સ્વાર્થ માટે અન્યનો જીવ લેવો એ મને સમજાતું નથી. કોઈ પણ ઈશ્વર કોઈનો જીવ શા માટે માંગે?

જવાબ: ઈશ્વરે દરેક જીવને જીવવાનો સમાન હક આપ્યો છે. એ સમાનતા માનવના સ્વાર્થ સામે વામણી થતી ગઈ. સ્વાર્થના ચશ્માં પહેર્યા બાદ માણસ પોતાને ગમતા નિયમોને ધર્મના આવરણમાં લપેટતો ગયો. કોઈ પણ રાંધેલી વસ્તુને ઈશ્વરને અર્પણ કરવાની ક્રિયાને પણ બલી ગણી શકાય. એમાં ઈશ્વર માટેની કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે. પણ કોઈનો જીવ લેવો જ પડે એવો કોઈ નિયમ ન જ હોય. કોઈ પણ જીવને હાની પહોંચાડવી એ નકારાત્મક જ ગણાય.

આજનું સુચન: બ્રહ્મમાં સારા હવાઉજાસ જરૂરી છે.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]