ભારતની બહાર વાસ્તુમાં નથી માનતા તો પણ એ લોકો સુખી કેમ છે?

પુસ્તકીયું જ્ઞાન મેળવીને સમાજને સમજવાની કોશિશ કેટલી કામયાબ નીવડે એ ચર્ચાનો વિષય છે. માણસે ક્યારેક માણસની જેમ પણ વિચારવું જરૂરી છે. કોઈ પણ નિયમને લખી દેવાથી એ નિયમ સાચો જ છે એવું ન માની લેવાય. શરતો લાગુ લખ્યું હોય ત્યારે કેટલા લોકો એ શરતો વાંચે છે? કારણકે ખબર છે કે એ શરતો માનવામાં નહિ આવે તો કામ પણ નહિ જ થાય. શું કોઈ પણ શરતો રાખ્યા વિના સારું કામ ન થાય? મને મંજુર છે એવું કહેવાથી એ સાચે જ મંજુર છે એવું માની ન શકાય. દરેક હા માં સહેમતી છે એવું કહેવું કેટલું વ્યાજબી છે? જયારે માણસ કોઈ શરત વિના મદદ કરવા તૈયાર થશે ત્યારે પૃથ્વી બચાવો કે કુદરત બચાવોના નારા પણ લગાવવા નહિ પડે.

આજે પણ કેટલાક વાચકોના વિવિધ સવાલોની આપણે ચર્ચા કરીએ. જો આપના મનમાં પણ કોઈ સંશય, દ્વિધા કે સવાલ હોય જે વાસ્તુ નીયમો સાથે જોડાયેલા હોય તો આપ પણ અંતમાં જણાવેલા ઈ મેઈલ પર પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: તમે વાસ્તુ માટેની જે વાત કરો છો એમાં ઊંડાણ ઘણું હોય છે. સામાન્ય રીતે ચોપડીઓમાં દિશાઓ અને વાસ્તુપુરૂષની વાત આવે છે. તોડફોડની વાત આવે છે. જયારે તમે અક્ષની વાત કરો છો, ગણિતની વાત કરો છો, કુદરતની વાત કરો છો. વિજ્ઞાનના માણસ તરીકે મને તમારા નિયમો ગમે છે. મને સારા પરિણામો મળ્યા છે એટલે વિશ્વાસ પણ છે જ. પણ મારા એક મિત્રનો સવાલ છે કે ભારતની બહાર કોઈ વાસ્તુમાં નથી માનતું તો પણ એ લોકો સુખી કેમ છે? એમને વાસ્તુના નિયમો અસર કરે કે નહિ?

જવાબ:  જયારે મનમાં સવાલ ઉભો થાય ત્યારે સમજવું કે તમને એ વિષયમાં રસ ઉભો થઇ રહ્યો છે. મારા નિયમોમાં સંશોધન ભળેલું છે એટલે તમને એમાં ઊંડાણ વધારે દેખાય છે. આપણા દરેક શાસ્ત્રો ગહન છે. જેમ દરિયામાં જેટલા ઊંડાણમાં જઈએ એટલા જ વધારે રત્નો મળે એવું વાસ્તુમાં પણ છે. સારા પરિણામો પામવા માટે સાચો અભ્યાસ અને અનુભવ જરૂરી છે. તને લાભ થયો છે એ આનંદની વાત છે. ભારતીય વાસ્તુના નિયમો સાર્વત્રિક છે. કારણકે એનો આધાર કુદરત છે. સમગ્ર વિશ્વમાં સૂર્ય એક જ દિશામાંથી ઉગે અને બીજી એક દિશામાં આથમે. બધા મનુષ્ય ઓક્સીજન જ લે અને બધાનું બંધારણ સરખું જ હોય. કોઈને હૃદય પેટમાં હોય અને કીડની માથામાં હોય એવું ન બને. આપણે મોટાભાગે એવું માની લઈએ છીએ કે વિદેશમાં રહેતા બધા લોકો સુખી હોય છે. જો એ વાત સાચી હોત તો એ લોકો આપણા નિયમોને સન્માન આપવા તરફ ન વળ્યા હોત. યોગ, પ્રાણાયામ, આયુર્વેદની જેમ વાસ્તુનો પ્રસાર પણ છે જ. મારા અન્ય દેશના ક્લાયન્ટ એનું જીવંત ઉદાહરણ છે. ભારતના શાસ્ત્રો માનવ જાતિને મદદ કરવા રચાયેલા છે. તેથી જ્યાં માનવ વસવાટ છે ત્યાં એ મદદરૂપ થઇ શકે.

સવાલ: મને કોઈ ગમે છે. પણ એ વારંવાર બધાની હાજરીમાં મને ઉતારી પાડે છે. ક્યારેક મને એવું લાગે છે કે અમારી બધી વાતો એ એના ગ્રુપમાં કહી દે છે અને પછી બધાની હાજરીમાં મને ફોન કરીને ઉતારી પડી મારી મજાક બનાવે છે. તો મારે શું કરવું જોઈએ?

જવાબ: બહેનશ્રી. જ્યા સન્માન ન હોય ત્યાં વધારે આગળ ન વધાય. તમે એક હાથે તાલી પાડવા પ્રયત્ન કરો છો. જે માણસ તમારું જાહેરમાં અપમાન કરે એ તમને ચાહે છે એ માનવામાં મુર્ખામી છે. તમારા ઘરમાં પૂર્વનો અક્ષ નકારાત્મક છે તેથી તમે આવો સ્વભાવ ધરાવો છો. સવારે યોગ્ય રોતે ગાયત્રી મંત્ર કરી અને સૂર્યને અર્ઘ આપો. એ વ્યક્તિ માટેના સાચા નિર્ણયો લેવાની શક્તિ પ્રાપ્ત થશે.

આજનું સુચન:  વાવ પર ઘર બનાવવું શુભ માનવામાં આવતું નથી.

(આપના સવાલો પૂછવા માટે ઈ મેઈલ કરો…vastunirmaan@gmail.com)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]