બેટિંગમાં ધબડકો થયા છતાં અફઘાનિસ્તાનને હરાવવામાં શ્રીલંકા સફળ રહ્યું

કાર્ડિફ (વેલ્સ) – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં ગઈ કાલે વરસાદના વિઘ્નવાળી મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને 34-રનથી પરાજય આપ્યો હતો.

પોતાના દાવમાં બેટિંગનો ધબડકો થયો તે છતાં શ્રીલંકાના બે ફાસ્ટ બોલર – નુવન પ્રદીપ અને લસિથ મલિંગાના ઝંઝાવાત સામે અફઘાનિસ્તાનની ટીમ ટકી શકી નહોતી અને 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમે 36.5 ઓવરમાં 201 રન કર્યા હતા. વરસાદ પડતાં ડકવર્થ-લૂઈસ નિયમો અનુસાર મેચને ટીમ દીઠ 41 ઓવર સુધી સીમિત કરી દેવામાં આવી હતી અને અફઘાનિસ્તાનને જીત માટે 187 રનનો નવો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, પણ તેના બેટ્સમેનો 32.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયા હતા.

નુવન પ્રદીપને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે 9 ઓવરમાં 31 રનમાં 4 વિકેટ લીધી હતી. અનુભવી ફાસ્ટ બોલર મલિંગાએ 6.4 ઓવરમાં 39 રન આપીને 3 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાન ટીમમાં નજીબુલ્લા ઝદરાન 43 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. અન્ય 3 બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા – હઝરતુલ્લા ઝઝાઈ (30), મોહમ્મદ નબી (11) અને કેપ્ટન ગુલબદીન નાઈબ (23).

શ્રીલંકાનો સ્કોર એક સમયે 1 વિકેટે 144 રન હતો, પણ ત્યારબાદ એનો ધબડકો થયો હતો.

વરસાદને કારણે ત્રણ કલાકનો સમય વેડફાઈ ગયો હતો.

અફઘાનિસ્તાનનો પણ ધબડકો થયો હતો. એક સમયે એનો સ્કોર એકેય વિકેટ વગર 34 રન હતો, પણ ત્યારબાદ 57 રનના સ્કોર પર એના પાંચ બેટ્સમેન આઉટ થઈ ચૂક્યા હતા.

શ્રીલંકાના દાવમાં, ઓપનર-વિકેટકીપર કુશલ પરેરા 78 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. એણે અને કેપ્ટન દિમૂઠ કરુણારત્ને (30)ની જોડીએ પહેલી વિકેટ માટે 92 રન કર્યા હતા. અફઘાનિસ્તાનના ઓફ્ફ-બ્રેક બોલર મોહમ્મદ નબીએ 9 ઓવરમાં 30 રનમાં 4 વિકેટ લીધી હતી. દૌલત ઝદરાન અને રશીદ ખાને 2-2 વિકેટ લીધી હતી.