PMને એનાયત કરાયો ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ પુરસ્કાર: મોદીએ કહ્યું આ ખેડૂતોનું સમ્માન

નવી દિલ્હી- પર્યાવરણના ક્ષેત્રમાં ઐતિહાસિક પગલાં લેવા માટે સંયુક્ત રાષ્ટ્રએ આજે વડા​​પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ચેમ્પિયન્સ ઓફ અર્થ’ના પુરસ્કારથી સમ્માનિત કર્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં યુનાઈટેડ નેશનના ચીફ એન્ટોનિયો ગુટેરેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમ્માનિત કર્યાં હતાં.વડાપ્રધાન મોદી ઉપરાંત આ એવોર્ડ ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેનક્રોનને પણ એનાયત કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલાં જ યુનાઈટેડ નેશન દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પણ હાજર હતા.

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘ભારત હંમેશાથી પ્રકૃતિને માતા તરીકે જુએ છે. વધુમાં તેમણે કહ્યું કે, આ ભારતના આદિવાસીઓ, ખેડૂતો અને માછીમારોનું સમ્માન છે. આ બધા માટે પણ જીવન પ્રકૃતિ મુજબ જ ચાલે છે. વડાપ્રધાને કહ્યું કે, આ સમ્માન ભારતની મહિલાઓનું સમ્માન છે, જે છોડની સંભાળ રાખે છે’.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જળવાયુની ચિંતા જ્યાં સુધી સંસ્કૃતિમાં નહીં હોય, ત્યાં સુધી આ સમસ્યાને દૂર કરવી મુશ્કેલ છે. અમે પ્રકૃતિને સજીવ માનીએ છીએ. પર્યાવરણ તરફ ભારતની લાગણીઓને આજે સમગ્ર વિશ્વ સ્વીકારી રહ્યું છે. પરંતુ ભારત માટે આ હજારો વર્ષોથી આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે.