પીએમ મોદીએ રાયબરેલીમાં રૂ. 1100 કરોડની વિકાસ યોજનાઓનો શુભારંભ કરાવ્યો

રાયબરેલી (ઉત્તર પ્રદેશ) – વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાયબરેલીમાં આજે પહેલી જ વાર આવ્યા હતા અને રૂ. 1100 કરોડની કિંમતની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. રાયબરેલી ગાંધી પરિવારનો પરંપરાગત ચૂંટણી મતવિસ્તાર રહ્યો છે.

મોદીએ હમસફર ટ્રેનના ઉત્પાદન માટેની મોડર્ન કોચ ફેક્ટરીનું ઉદઘાટન કર્યું હતું અને ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલા 900મા કોચને લીલી ઝંડી બતાવી હતી.

મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે આ ફેક્ટરી વિશ્વ સ્તરની ઉત્પાદક બનશે.

આ ફેક્ટરીને 2007માં મંજૂરી આપવામાં આવી હતી અને 2010માં એ બાંધવામાં આવી હતી. કપૂરથલા સ્થિત ફેક્ટરીમાંથી ટ્રેનના ડબ્બાઓના છૂટા ભાગોને રાયબરેલી ફેક્ટરીમાં લાવવામાં આવતા હતા અને એનું એસેમ્બલિંગ કરવામાં આવતું હતું અને રંગકામ કરવામાં આવતું હતું. હવે આ ફેક્ટરીમાં ટ્રેનના ડબ્બાઓનું ઉત્પાદન કરવામાં આવશે અને તે વિશ્વસ્તરની ફેક્ટરી બનશે.

મોદીએ કહ્યું કે મોડર્ન કોચ ફેક્ટરીની ક્ષમતા વધારવામાં આવી છે અને તેને લીધે યુવા વ્યક્તિઓને રોજગાર મળશે. અહીં દરરોજ 10-12 કોચ બનાવવામાં આવશે. ફેક્ટરીનું વિસ્તરણ કરાવાથી એન્જિનીયરો અને ટેક્નિશીયનોને રોજગાર મળશે. આ ફેક્ટરીમાં જ દેશની હાઈસ્પીડ ટ્રેનોનાં કોચ પણ બનાવવામાં આવશે.

રાયબરેલી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને યૂપીએ સંગઠનનાં અધ્યક્ષા સોનિયા ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે અને તેઓ છેલ્લે ગયા એપ્રિલ મહિનામાં અહીં આવ્યાં હતાં. 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વખતે પણ એમણે પોતાનાં આ મતવિસ્તારની મુલાકાત લીધી નહોતી.