NIAએ હિઝબુલના ચીફ સલાઉદ્દીનના દીકરાની કરી ધરપકડ

શ્રીનગર- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) આજે સવારે શ્રીનગરમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના દીકરા સૈયદ શકીલ અહેમદની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ ધરપકડ આતંકી ફંડિન્ગના કેસમાં કરવામાં આવી છે.NIAના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NIAએ પહેલા સૈયદ સલાઉદ્દીનના દીકરા સૈયદ શકીલ અહેમદના ઘરે દરોડા પાડ્યા હતા. જેમાં તેમને અનેક ચોંકાવનારા દસ્તાવેજ મળ્યાં હતાં. જેના આધારે શકીલ અહેમદની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ તપાસ એજન્સી NIAએ સલાઉદ્દીનના દીકરા સૈયદ શકીલ અહેમદને તેનો પક્ષ રજૂ કરવા ત્રણ-ચાર વખત તક આપી હતી. પરંતુ શકીલ અહેમદે 2011ના ટેરર ફંડિન્ગ કેસ મામલે કોઈ પણ માહિતી તપાસ એજન્સીને આપી નહતી.

સૂત્રોનું માનીએ તો, સૈયદ શકીલ અહેમદ પાસે મની ટ્રાન્ઝેક્શનને લઈને અને વિદેશોમાં રહેતા સૈયદ સલાઉદ્દીનના અન્ય દીકરાઓના ખાતાઓ વિશે વિગતવાર માહિતી છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ NIA સૈયદ સલાઉદ્દીનના અન્ય એક દીકરાની ધરપકડ કરી ચૂકી છે. ગત વર્ષે NIAએ સૈયદ શાહીદની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.