બંગાળમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છેઃ મોદી સરકારનાં વિરોધમાં મમતા બેનરજી ધરણા પર બેઠાં

કોલકાતા – કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ-એનડીએ સરકાર અને પશ્ચિમ બંગાળમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની હેઠળની તૃણમુલ કોંગ્રેસની સરકાર વચ્ચેનું ઘર્ષણ આજે પરાકાષ્ઠાએ પહોંચી ગયું છે.

કરોડો રૂપિયાનાં શારદા ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવાના સીબીઆઈ અધિકારીઓની એક ટૂકડીના પ્રયાસને આજે નિષ્ફળ બનાવ્યા બાદ મમતા બેનરજી ખૂબ રોષે ભરાઈ ગયાં છે અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ જોરદાર ઝુંબેશ આદરીને ધરણા પર બેસી ગયાં છે. બેનરજીએ કહ્યું કે રાજીવ કુમાર એક ઈમાનદાર અધિકારી છે. એમની પ્રામાણિકતા પર શંકા ઉઠાવી શકાય જ નહીં.

શારદા ચિટ ફંડ કૌભાંડ કેસની તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (SIT)ના રાજીવ કુમાર વડા હતા.

પોતાનાં રાજ્યમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ કોઈક બળવાનું ષડયંત્ર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે એવો આરોપ મૂકીને બેનરજી આજે મોડી સાંજે મેટ્રો ચેનલ નજીક ધરણા પર બેસી ગયાં હતાં. એમની સાથે એમનાં સાથી પ્રધાનો તથા પક્ષનાં અન્ય નેતાઓ પણ હતાં.

સીબીઆઈના અધિકારીઓની એક ટીમ આજે બપોરે કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ કરવા ગઈ હતી, પણ કોલકાતા પોલીસે સીબીઆઈના અધિકારીઓને જ પકડી લીધા હતા. એમને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસનો એવો દાવો છે કે સીબીઆઈવાળા વોરંટ વગર એમની પૂછપરછ કરવા આવી ગયા હતા.

આ મામલો શારદા ચિટ ફંડ કૌભાંડને લગતો છે. એને લગતી કેટલીક ફાઈલ્સ ગાયબ થઈ છે, માટે રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે સીબીઆઈ અધિકારીઓ કુમારના ઘેર પહોંચ્યા હતા.

(ડાબે) સીબીઆઈના કાર્યવાહક ડાયરેક્ટર નાગેશ્વર રાવ અને (જમણે) કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર

ભારતના ઈતિહાસમાં આવું પહેલી જ વાર બન્યું છે કે પોલીસે તપાસનીશ સીબીઆઈ અધિકારીઓને અટકમાં લઈ લીધા. એવુંય કહેવાય છે કે ઘટનાસ્થળે કોલકાતા પોલીસ અને સીબીઆઈ અધિકારીઓ વચ્ચે મારામારી પણ થઈ હતી.

કોલકાતા પોલીસે સીબીઆઈના પાંચ અધિકારીઓને અટકમાં લીધા હતા.

આ ઘટનાની જ્યારે મમતા બેનરજીને ખબર પડી ત્યારે એ ખૂબ રોષે ભરાયાં હતાં અને પોલીસ કમિશનરનાં નિવાસસ્થાને પહોંચ્યાં હતાં અને ત્યાં પત્રકારોને સંબોધિત કરતી વખતે પીએમ મોદી, અમિત શાહ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવલ પર આકરાં શાબ્દિક પ્રહારો કર્યાં હતાં. એમણે કહ્યું કે સીબીઆઈને મોકલવામાં કેન્દ્ર સરકાર જવાબદાર છે. ત્યારબાદ બેનરજી ધરણા પર બેસી ગયાં હતાં.

મોડી રાતે સીબીઆઈ અધિકારીઓને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

બેનરજીએ કહ્યું કે હવે જ્યાં સુધી મોદી પદ પરથી હટશે નહીં ત્યાં સુધી પોતે ચૂપ નહીં બેસે. મોદી અને અમિત શાહ બંગાળને હેરાન કરી રહ્યા છે.

જેના હાથ લોહીથી ખરડાયેલાં છે એવા વડા પ્રધાનની સાથે વાત કરતાં પણ મને શરમ આવે છે. મોદી અને અમિત શાહ બંગાળ રાજ્યમાં બળવો કરાવવાનો પ્રયાસ કરે છે, કારણ કે અમે ગઈ 19 જાન્યુઆરીએ કેન્દ્ર વિરુદ્ધ મોટી વિપક્ષી રેલી કાઢી હતી. સીબીઆઈ અમારી પર હલ્લો કરશે એની અમને ખબર હતી.

તે વિપક્ષી રેલીમાં 20 જેટલા વિરોધ પક્ષોનાં નેતાઓએ હાજરી આપી હતી.

મમતા બેનરજીએ પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદેથી હટાવવા માટે તમામ વિરોધ પક્ષોએ એકત્ર થવાની જરૂર છે.

મોદી સરકારના રાજમાં લોકશાહી જોખમમાં આવી ગઈ છે. દેશનું સમવાય તંત્ર, લોકશાહી બચાવવાની જરૂર છે. દેશમાં કટોકટી (ઈમરજન્સી) કરતાં પણ ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે, એવો બેનરજીએ આરોપ મૂક્યો છે.

બેનરજીએ કહ્યું છે કે એમની પાર્ટી આવતીકાલે સમગ્ર બંગાળ રાજ્યમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ દેખાવો કરશે.

બેનરજીના ધરણાની જાણ થતાં રાહુલ ગાંધીએ ફોન કરીને બેનરજી સાથે વાત કરી હતી અને મોદી સરકારની વિરુદ્ધમાં એમની લડતને કોંગ્રેસનો ટેકો હોવાનું કહ્યું હતું. એવી જ રીતે, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવ, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી, આરજેડીના તેજસ્વી યાદવએ પણ બેનરજીને સમર્થન જાહેર કર્યાના અહેવાલો છે.

દરમિયાન, સીબીઆઈના કાર્યવાહક વડા નાગેશ્વર રાવનું કહેવું છે કે, અમે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જ કામ કર્યું છે. અમારી પર કોઈનું દબાણ નથી. અમે આ મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં જઈશું. શારદા ચિટ ફંડ કૌભાંડ કેસની તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (SIT)ના વડા રાજીવ કુમાર હતા. કેસના દસ્તાવેજો SIT પાસે હતા. કેટલાક દસ્તાવેજો ગાયબ છે, અથવા નાશ કરી દેવાયો છે. રાજીવ કુમારની પૂછપરછ કરવા માટે અમારે વોરંટની જરૂર નહોતી. અમારી પાસે પુરાવા છે.