રાહુલ ગાંધી પર BJP નેતાના વાક્બાણ: કહ્યાં બાબર ભક્ત અને ખીલજીના સંબંધી

નવી દિલ્હી- ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રામ મંદિરનો મુદ્દો ફરી એકવખત ચર્ચામાં છે. જેને લઈને નેતાઓના શાબ્દિક પ્રહાર પણ સતત ચાલુ છે. BJP નેતા જીવીએલ નરસિંહ રાવે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. જેને લઈને તેઓ ચર્ચામાં છવાઈ ગયા છે. જીવીએલ નરસિંહ રાવે રાહુલ ગાંધીને ‘બાબર ભક્ત અને ખિલજીના સંબંધી’ ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યા રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી 8 ફેબ્રુઆરી સુધી મુલતવી રહી છે. સુન્ની વક્ફ બોર્ડના વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસની સુનાવણી વર્ષ 2019 સુધી ટાળવામાં આવે. જેને લઈને પણ ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.

આ મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો. રામ મંદિરને લઈને તમારી પાર્ટી અને તમારું શું સ્ટેન્ડ છે? રામ મંદિરના મુદ્દા પર પત્રકાર પરિષદ દરમિયાન અમિત શાહે કહ્યું કે ભાજપ ઇચ્છે છે કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જલદી સુનાવણી કરવામાં આવે. કારણકે રામ મંદિરનો મુદ્દો દેશના કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે વધુમાં કહ્યું કે, રામમંદિર કેસની સુનાવણી રોકવાથી રાહુલ ગાંધીને શું મળવાનું છે. તેમણે કહ્યું કે રામ મંદિર કેસની સુનવણીને લઇને કોંગ્રેસ પાર્ટીને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. શાહે કહ્યું કે, એક તરફ તો રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિરે જઈ રહ્યાં છે અને બીજીબાજુ રામ જન્મભૂમિ કેસ પર સુનવણી ટાળવા માટે કપિલ સિબ્બલનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ તેનું આ બેવડુંવલણ સ્પષ્ટ કરવું જોઇએ.