ઑનલાઇન શોપિંગ, જફા કે સુવિધા ?

જ કાલનો ટ્રેન્ડ છે…નલાઇન શોપિંગ. ઑનલાઇન શોપિંગની સુવિધા કેટલાય લોકોને ગમે છે. પણ સામે કેટલાંક એવા પણ છે જે ઑનલાઇન શોપિંગને છેતરપિંડીનું માધ્યમ માને છે. આપણે ઘણીવાર એવી વાતો સાંભળી જ હશે કે કોઇએ એક ફોન મંગાવ્યો ઑનલાઇન, પણ અંદરથી બીજી કોઈ વસ્તુ નીકળી. તો બીજી તરફ એવા પણ લોકો છે જેઓ ઑનલાઇન શોપિંગથી પોતાનો સમય સાચવીને સંતોષ વ્યક્ત કરે છે.જો કે હવે ગ્રાહક સુરક્ષા મજબૂત બની છે, જેથી ઑનલાઈન શોપિંગમાં છેતરપિંડી સાવ ઘટી ગઈ છે, પણ ઑનલાઈન શોપિંગના ઘણાં ફાયદા છે. ભારતમાં ઑનલાઈન શોપિંગનો બિઝનેસ કૂદકેને ભૂસકે વધી રહ્યો છે.ઑનલાઇન શોપિંગ શા માટે કરવું જો કોઇ એવુ કહે તો તેના માટે અહીં કેટલાક લાભ કહ્યા છે. એક તો રાહ જોવાની ઝંઝટ નહીં. જો ક્યારેક કોઇ મૉલમાં કે દુકાનમાં આપ ખરીદી કરવા ગયા, ખરીદી કરી પણ લીધી, પણ સૌથી વધુ તકલીફ ત્યારે થાય જ્યારે બિલ બનાવવામાં રાહ જોવાનો વારો આવે. શોપિંગ મૉલમાં બિલીંગમાં લાંબી લાઈનો હોય છે, અને હવે અત્યારે તો આપણે ઘડિયાળના કાંટે ચાલીએ છીએ. થોડી રાહ જોવી પણ આપણને પોષાતી નથી. અને જો રજાના દિવસ હોય તો ઘણા એવુ માને કે કોણ રજા આવી રીતે રાહ જોવામાં બગાડે. એટલે લોકો એવુ વિચારે કે બહાર જઇને સમયનો વ્યય કરવો એના કરતાં ઘરે બેઠા બેઠા જ જો ઓર્ડર આપી દેવામાં આવે તો શું ખોટું. પછી એ ભલે હોય ફેશનેબલ કપડા હોય, મોબાઇલ કે શાકભાજી જ કેમ નહીં હોય. આ સિવાય ક્યારેક આપણે એવી વસ્તુની જરુર હોય કે જે જલ્દીથી ઉપલબ્ધ ન થાય એને માટે અલગ અલગ દુકાનોમાં શોધ ચલાવવી પડે. પહેલા તો એવી દુકાન શોધવી પડે જ્યાં આવી વસ્તુ મળતી હોય અને પછી તેમાં પ્રોડક્ટની શોધ… ઘણી વાર કોઇ વસ્તુની ડિમાન્ડ એટલી હોય કે આપણે જઇએ એટલી વાર તે અનઅવેઇલેબલ હોય. આના કરતાં જ્યાં છે ત્યાંથી ડાયરેક્ટ ઓર્ડર આપી દઇએ તો મોટાભાગની ભેજામારી ઓછી થઇ જાય.

જો કે આ સિવાયનો એક લાભ, જે જલ્દી લોકોને આકર્ષે છે એ છે ઑનલાઇન શોપિંગમાં ડિસ્કાઉન્ટ સેલ. કેટલીય એવી વેબસાઇટ્સ છે જ્યાં ચોક્કસ સમયે ચોક્કસ ડિસ્કાઉન્ટ ઓફર્સ મળતી હોય છે. પહેલાના સમયમાં કોઇ સ્ટોરમાં સેલ લાગે તો લોકો વહેલા તે પહેલાના ધોરણે તેના પર તૂટી પડે અને એમા પણ કેટલીક વસ્તુઓ માટે તો યુદ્ધ થઇ જાય. જો કે આ બધી જફાથી મુક્તિ મળી જાય ઑનલાઇન શોપિંગમાં. અને સ્ટોરમાં ઢગલામાંથી શોધવા કરતાં વેબસાઇટ પર ફિલ્ટર કરીને તમારી પસંદની વસ્તુ શોધવું કામ સરળ તો થઇ જ જાય. આ ઉપરાંત દુકાનો અને મૉલ કરતાં પણ શોપિંગ વેબસાઇટ અઢળક ડિસ્કાઉન્ટ્સ આપે એટલે સોને પે સુહાગા…આ ઉપરાંત ઑનલાઇન શોપિંગમાં તમને ચોઇસ વધુ મળે, વેરાઇટી વધુ મળે. સ્થાનિક દુકાન કરતાં ઑનલાઇન વેબસાઇટનુ મંચ તમને પસંદગીની સૌથી વધુ તક આપે છે. એક ઉદાહરણ તેનુ એ છે કે જ્યારે સ્થાનિક સ્થળેથી કોઇ કપડા લીધા. તો માત્ર તમે નહીં પણ કેટલાય લોકો પાસે એ જ સેમ કપડા જોવા મળી જશે. અને કદાચ રસ્તામાં આવા લોકો મળી પણ જાય. કપડા નહીં ને બેગ કે પછી બાળકોના દફતર જ લઇ લો. એક જ વસ્તુ એકથી વધુ લોકો પાસે જોવા મળી જાય, તો એ વસ્તુ ચીલાચાલુ થઇ જાય છે. પણ જો તમારી પાસે કોઇ અનોખી વસ્તુ છે જે બીજા પાસે નથી. તો તેની મજા પણ અલગ જ લાગે છે. અને આ મજા માટે વેરાઈટી વસ્તુના શોપિંગ માટે ઑનલાઇન શોપિંગમાં તમને તક મળે છે.

આ બધા કરતાં વધુ, સૌથી સારો લાભ છે ઑનલાઇન શોપિંગ 24/7 ચાલુ હોય છે. એટલે કે દુકાન કે મૉલમાં જવુ છે તો તેના સમય પર જવુ પડશે, પણ રાત્રે 12 વાગ્યે કે 2 વાગ્યે પણ જો ઑનલાઇન શોપિંગ કરવુ હોય તો તમને કોઇ નહીં રોકી શકે, બસ આપની પાસે ઇન્ટનેટની સુવિધા હોવી જોઇએ. રાત્રે પોતાની પથારીમાં સૂતા સૂતા નાઇટ ડ્રેસમાં જ તમે મથુરાના પેંડાનો ઓર્ડર પણ આપી શકો અને લગ્નની શેરવાની પણ શોધી શકો છો. છે ને કમાલ…

જો કે દરેક વસ્તુના બે પાસાં હોય છે. જે રીતે ઑનલાઇન શોપિંગના ફાયદાઓ છે તો તેના નુકસાન પણ છે. જો તમે કોઇ વસ્તુ ઑનલાઇન ઓર્ડર કરી છે, તો એ પણ થઇ શકે કે વસ્તુ જે જોઇ હતી તે પ્રમાણે ન આવે. સૌથી સરળ ઉદાહરણ કપડા. અહીં તમે મટીરીયલ, તમારી સાઇઝ અને ફિટીંગ જોઇને લઇ શકો. પણ ઑનલાઇન શોપિંગમાં ઓર્ડર કર્યા બાદ તમને ડિલિવરી થતી વસ્તુ કદાચ તમને ન ગમે એવી પણ હોય. સાઇઝ ફિટીંગમાં ફેર પણ હોઇ શકે, કપડાના કલરમાં પણ તફાવત હોઇ શકે. આ ઉપરાંત શિપીંગ ચાર્જ. સરળ શબ્દોમાં કહીએ તો ઘાટ કરતાં ઘડામણ મોંઘી. ડિસ્કાઉન્ટની લ્હાયમાં વસ્તુ લેવા જઇએ, પણ પછી ખબર પડે કે 70 રુપિયાની વસ્તુ પર 170 રુપિયા શિપીંગ ચાર્જ લાગે છે. આ પણ એક ગેરલાભ છે ઑનલાઇન શોપિંગનો.. જો કે સૌથી મોટો ખતરો છે પેમેન્ટ ગેટવેની સુરક્ષા. ઑનલાઇન શોપિંગ કરતા સમયે આપણે પેમેન્ટ પણ ઑનલાઇન કરીએ છીએ, પણ તેમાં છેતરાઇ જવાનુ જોખમ વધે છે. ક્રેડિટકાર્ડથી થતી ખરીદીમાં આવી ઠગાઇનુ પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ઘણીવાર આપની કાર્ડ ડિટેઇલ્સ લઇને તેનો દુરુપયોગ કરે અને બિલ આપણા નામનુ ફાટી જાય છે. આ ઉપરાંત ઘણી વાર આપણે કેશબેક ઓફર્સથી ખેંચાઇને શોપિંગ કરી લઇએ છીએ. પણ મોટાભાગે આવી ઓફર્સ એ (*) સાથે હોય છે એટલે કે કન્ડિશન્સ અેપ્લાય. સાદા શબ્દોમાં લોભામણી વાતમાં ફસાવાનો તખ્તો.

જો કે આ બધી તકલીફ તમારી સતર્કતા પર પણ આધારિત છે. સાવધાન રહીને ઑનલાઇન શોપિંગની સુવિધાનો ઉપયોગ કરશો તો છેતરાશો નહીં. એટલે વાતનો સાર એટલો કે ગમે તે સાઇટ પરથી બસ શોપિંગ જ કરવાનુ ભુત સવાર હોઇ અને વસ્તુ મંગાવી લીધા બાદ થાય કે, અરેરે ! મની વેસ્ટ. એના કરતાં થોડી તકેદારી રાખીને વિશ્વસનીય વેબસાઇટ પરથી ઓર્ડર કરો તો થશે કે, વાહ! વૉટ અ ફેસીલિટી…