‘પદ્માવતી’ સામે જોરદાર વિરોધ; મુંબઈ, સુરત, ગાંધીનગરમાં દેખાવો કરાયા

મુંબઈ – બોલીવૂડ દિગ્દર્શક અને નિર્માતા સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘પદ્માવતી’ આવતી ૧ ડિસેમ્બરે દેશભરમાં રિલીઝ કરવાનું નક્કી થયું છે, પણ એની સામે દેશમાં, ખાસ કરીને પશ્ચિમી ભાગોમાં વિરોધ વધી રહ્યો છે.

આજે મુંબઈમાં ‘પદ્માવતી’ ફિલ્મ સામે દેખાવો કરી રહેલા અખંડ રાજપૂતાના સેવા સંઘ સંસ્થાના ૧૫ સભ્યોને પોલીસે અટકમાં લીધા હતા. દેખાવકારો સંજય લીલા ભણસાલીના નિવાસસ્થાનની બહાર ભેગા થયા હતા અને પોલીસોએ એમાંના ૧૫ને પકડી લીધા હતા.

‘પદ્માવતી’ ફિલ્મમાં ૧૨મી સદીનાં રાજપૂત રાણી પદ્માવતી વિશેની ઐતિહાસિક હકીકતોને કથિતપણે ખોટી રીતે રજૂઆત કરવામાં આવી હોવા બદલ જમણેરી વિચારસરણી ધરાવતા તેમજ રાજપૂત સમુદાયના અમુક જૂથના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

સુરતમાં, રાજપૂત સમુદાય ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રાજપૂત કરણી સેનાનાં સભ્યોએ સાથે મળીને દેખાવો કર્યા હતા.

રાજપૂત કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કળવીએ કહ્યું કે, રાણી પદ્માવતી એ કંઈ ફિલ્મ નથી, એ ઈતિહાસ છે. તમે માત્ર ફિલ્મના નામે ગમે તે બતાવી ન શકો.

ગાંધીનગરમાં રાજપૂત સમુદાયે મહાસંમેલન યોજ્યું હતું. એમાં લાખો લોકો હાજર રહ્યા હતા અને ‘પદ્માવતી’ ફિલ્મને રિલીઝ કરાય એની સામે જોરદાર વિરોધ વ્યક્ત કર્યો હતો.