નવા વર્ષનો જલસોઃ લાઈસન્સ ફી ચૂકવ્યા વગર ગીતો વગાડવા પર મુંબઈ હાઈકોર્ટનો પ્રતિબંધ

મુંબઈ – મુંબઈ હાઈકોર્ટે દેશભરમાં 98 રેસ્ટોરન્ટ્સ, પબ્સ તથા હોટેલ્સને આદેશ આપ્યો છે કે એમણે નવા વર્ષની પૂર્વસંધ્યાના ઉજવણી કાર્યક્રમો વખતે કોપીરાઈટને લગતી પરવાનગી મેળવ્યા વગર અમુક ચોક્કસ લોકપ્રિય ફિલ્મો તથા બિન-ફિલ્મી ગીતો વગાડવા નહીં.

વેકેશન જજ ભારતી ડાંગ્રેએ ફોનોગ્રાફિક પરફોર્મન્સ લિમિટેડ (PPL) દ્વારા કરાયેલી પીટિશન પરની સુનાવણીમાં જણાવ્યું છે. PPL મ્યુઝિક માટે લાઈસન્સ આપવાની પરવાનગી ધરાવતી સંસ્થા છે.

PPL સંસ્થા પાસે જુદા જુદી મ્યુઝિક કંપનીઓએ રેકોર્ડ કરાવેલા 20 લાખથી વધુ ગીતોનાં કોપીરાઈટ્સ છે.

સંસ્થાએ એવો દાવો કર્યો છે કે દર વર્ષે ક્રિસમસના તહેવારમાં અને નવા વર્ષની ઉજવણી વખતે પબ્સ, રેસ્ટોરન્ટ્સ અને હોટેલ્સમાં આવા ગીતો વગાડવામાં આવે છે અને પોતાને એની કોઈ લાઈસન્સ ફી ચૂકવતું નથી.

કોપીરાઈટ્સ એક્ટ અંતર્ગત રેસ્ટોરન્ટ્સ, પબ્સ, હોટેલ્સ જેવા એસ્ટાબ્લિશમેન્ટ્સ માટે આવશ્યક છે કે એમણે PPLને ચોક્કસ ફી ચૂકવીને આવા ગીતો વગાડવાની પરવાનગી મેળવવી.

અરજદાર PPL સંસ્થાએ આ કેસમાં ફાઈવસ્ટાર હોટેલ્સ સહિત અનેક જાણીતી હોટેલ્સ તથા રેસ્ટોરન્ટ્સને પ્રતિવાદી બનાવી છે.

પ્રતિવાદોએ PPLની પીટિશનનો એવી દલીલ કરીને વિરોધ કર્યો હતો કે PPL આ ગીતોની ઓરિજિનલ કોપીરાઈટ માલિક નથી અને એણે ગીતોના ઓરિજિનલ માલિકોને શોધી કાઢવા જોઈએ અને એમને આ કેસમાં પક્ષકાર બનાવવા જોઈએ.

જોકે જજે કહ્યું કે PPL દ્વારા રજૂ કરવામાં આવેલા અસાઈનમેન્ટ ડીડ્સ અનુસાર, એને કોપીરાઈટ માલિક તરીકે અરજદારને પૂરો અધિકાર છે અને તે જેના કોપીરાઈટ પોતાની પાસે હોવાનો દાવો કરે છે એ સંગીત-ગીત માટેનો દાવો કરવાનો એને હક છે. તેથી એની પરવાનગી વગર અને એને લાઈસન્સ ફી ચૂકવ્યા વગર તે ગીતો વગાડવા નહીં. કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય એની પૂર્વે જ ગીતો વગાડવા માટે PPL પાસેથી પરવાનગી મેળવવાની રહેશે.