અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા બનશે મહત્તવની

ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક નિર્ણય કર્યો કે વિદેશમાં અમેરિકાના સૈનિકો છે તેને ધીમે ધીમે પાછા બોલાવવા. અમેરિકામાં જ અને યુરોપમાં ફ્રાન્સ જેવા સાથી દેશો તેનો વિરોધ કરી રહ્યા છે, પણ ટ્રમ્પ પીછેહઠ કરવાના મૂડમાં નથી. તેમના સંરક્ષણ પ્રધાને પણ રાજીનામું આપી દીધું છે, છતાં ટ્રમ્પે અફઘાનિસ્તાન અને સિરિયામાંથી અમેરિકન દળોને પાછા બોલાવી લેવા માટેના હુકમ પર સહી કરી દીધી છે. અફઘાનિસ્તાનમાં 14,000 જેટલા અમેરિકન સૈનિકો હાલમાં છે, તેમાંથી અડધા જેટલા સૈનિકોને વતન પરત બોલાવી લેવાશે તેવી જાહેરાત અમેરિકાએ કરી છે.

અમેરિકાની આ જાહેરાતથી અફઘાનિસ્તાનમાં પણ હલચલ મચી છે. સાથોસાથ રશિયા, પાકિસ્તાન અને ચીન પણ ઘટનાક્રમ પણ ઝીણી નજર રાખશે, જ્યારે ભારતની ભૂમિકા અફઘાનિસ્તાનમાં વધારે મહત્ત્વની બનવાની છે. અમેરિકામાં પ્રમુખના પગલાના કારણે સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસે સોશ્યલ મીડિયા પર પોતાનું રાજીનામું મૂકી દઈને નારાજી વ્યક્ત કરી હતી. સામે પ્રમુખ ટ્રમ્પે પણ બે મહિના રાહ જોઈને નવા સંરક્ષણ પ્રધાન મૂકવાના બદલે રાતોરાત કાર્યકારી સંરક્ષણ પ્રધાનની નિમણૂકની જાહેરાત પણ સોશ્યલ મીડિયામાં કરી હતી. આ તરફ અફઘાનિસ્તાનમાં પણ ફેરફારો થઈ ગયા છે. પ્રમુખ અશરફ ઘાનીએ સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાન તરીકે નવી નિમણૂકો કરી. આંતરિક અને બાહ્ય સુરક્ષાના આ બંને મહત્ત્વના પદો પર નવી નિમણૂકો કરવામાં આવી છે, તે બંને નેતાઓ તેમના તાલીબાન વિરોધ માટે જાણીતા છે. અમરુલ્લા સાલેહ અને અસાદુલ્લા ખાલેદને સંરક્ષણ અને ગૃહ ખાતા સોંપી દેવાયા છે. આ બંને ભૂતકાળમાં અફઘાન ઇન્ટેલિજન્સ એજન્સીના વડા તરીકે કામ કરી ચૂક્યા છે અને તાલીબાનની રગેરગ જાણે છે.

જેમ્સ મેટિસે

રાતોરાત અફઘાનિસ્તાનમાં ફેરફારો કરી દેવાયા, તેનું કોઈ સત્તાવાર કારણ અપાયું નથી, પણ કારણ સ્વંય સ્પષ્ટ છે. અમેરિકાના 14,000માંથી સાતેક હજાર સૈનિકો પરત ફરે તે પછી ફરી તાલીબાનો માથું ઊંચકી શકે છે. તેમનો સામનો કરવા માટે પ્રમુખે મજબૂત પ્રધાનોની જરૂર છે. તાલીબાન સામે દાયકાઓ સુધીની લડત પછીય તાલીબાનો કાબૂમાં આવ્યા નથી. સોવિયેટ સંઘે ભૂતકાળમાં અહીં માર ખાધો હતો. વર્ષો સુધી સેના રાખ્યા પછી ભૂંડા હાલે રશિયનોએ પાછા ફરવું પડ્યું હતું. તેવો જ કંઈક અનુભવ અમેરિકનોને છેલ્લા 17 વર્ષોથી થઈ રહ્યો છે. અમેરિકન સૈનિકોની સંખ્યા ઘટે તે સંજોગોમાં તાલીબાનોનું જોર વધી શકે છે. અત્યારે પણ અફઘાનિસ્તાનના ઘણા પહાડી વિસ્તારોમાં તાલીબોનોનો કબજો છે. તેથી અફઘાની પ્રમુખે પોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અમેરિકન સૈનિકોની હાજરીમાં પણ કાબુલ સહિતના મહત્ત્વના સ્થળોએ ત્રાસવાદી હુમલા થતા રહે છે. તેના કારણે વર્તમાન સંરક્ષણ પ્રધાન અને ગૃહ પ્રધાન સામે ટીકાઓ થઈ રહી હતી. ચાર મહિના પહેલાં ગૃહ પ્રધાન વારિસ અહમદ બરમાક અને સંરક્ષણ પ્રધાન તારિક શાહ બહરામીએ રાજીનામાં આપી પણ દીધાં હતાં. જોકે તે વખતે પ્રમુખ ઘાનીએ રાજીનામાં સ્વીકાર્યા નહોતા, પણ હવે બદલાયેલી પરિસ્થિતિમાં તેમણે બંને મહત્ત્વની જગ્યાએ નવા પ્રધાનો નીમી દીધા છે.

વારિસ અહમદ બરમાક

અમેરિકનો જતા પહેલાં તાલીબાન સાથે કોઈક પ્રકારનું સમાધાન થાય તે માટે પ્રયત્નો કરતા રહ્યા છે. અમેરિકાના શાંતિ દૂત તરીકે અફઘાનમાં રહેલા ઝાલમે ખાલીઝાદે હાલમાં જ અબુ ધાબી ખાતે તાલીબાનો સાથે વાટાઘાટો કરી હતી. કાબુલમાં ઘાની સરકાર સાથે તેઓ સમાધાન માટે વાટાઘાટો કરે તે માટે તાલીબાનોને મનાવવાની કોશિશ ચાલી રહી છે. જોકે તે પ્રયાસો હવે કેટલા સફળ થશે તે પણ સવાલ રહે છે.

ઝાલમે ખાલીઝાદે

દરમિયાન અમેરિકાએ તાલીબાનો સાથેની વાટાઘાટના મુદ્દે ભારતને દૂર રાખ્યું હતું. અમેરિકન પ્રતિનિધિનો હાલના મહિનાઓમાં પાકિસ્તાન, રશિયા, ચીન, તથા તુર્કી સહિતના દેશોની મુલાકાત લઈ આવ્યા છે, પણ ભારતની અવગણના કરી છે. પણ સાચી વાત એ છે કે અફઘાનિસ્તાનમાં ભારતની અવગણના કરવી શક્ય નથી. ભારત અહીં એકથી વધારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યું છે. મજાની વાત એ છે કે પાકિસ્તાનના પ્રતિનિધિએ હાલમાં કહ્યું હતું કે તાલીબાનો સાથેની વાટાઘાટોના મુદ્દે ભારતનો મત પણ લેવો પડશે, કેમ કે તેમના ઘણા પ્રોજેક્ટ દેશમાં ચાલે છે અને અફઘાન સરકાર સાથે ભારતના સારા સંબંધો છે.


પ્રમુખ ઘાની માટે અમેરિકાની જાહેરાત કસમયે આવી છે. એપ્રિલ મહિનામાં અફનાઘિસ્તાનમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે મોકાના સમયે તેમની સામે સમસ્યા આવીને ઊભી છે. બીજી બાજુ ભારતમાં પણ એપ્રિલ અને મે મહિનામાં જ ચૂંટણીઓ છે, તેથી બંને સરકારો પોતપોતાની રીતે વ્યસ્ત રહેવાન છે. આમ છતાં ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાનમાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખવી પડશે.

આ દિશામાં એક મહત્ત્વનું પગલું ઈરાનને સાથે રાખીને લેવાયું છે. ઈરાનના ચાબહર બંદરને ભારતે વિકસાવ્યું છે અને હવે તેનું સંચાલન સત્તાવાર રીતે ભારતને સોંપી દેવાયું છે. આ અઠવાડિયાથી ભારતે ચાબહર બંદરનું કામકાજ પોતાના હાથમાં લઈ લીધું છે. અમેરિકાએ ઈરાન સામે પ્રતિબંધો મૂક્યા છે, પણ ભારતે અમેરિકા પર દબાણ કરીને પોતાના હિતોની જાળવણી થાય તે માટે ઈરાન સાથે વેપાર શરૂ રખાવવા કેટલીક છૂટછાટો લીધી છે. આ પ્રતિબંધોમાંથી ચાબહર બંદરને પણ બાકાત રખાયું છે. તેના કારણે ભારત અને ઈરાન વચ્ચે આ બંદરેથી વેપાર ચાલતો રહેશે.

ચાબહર બંદર ભારતે પોતાના હાથમાં લીધું તેનું બીજી રીતે પણ મહત્ત્વ છે. ચીન પાકિસ્તાનમાં ગ્વાદર બંદર તૈયાર કર્યું છે. ભારતે તેની નજીકમાં જ ઈરાનનું બંદર બનાવીને ચીનની ચાલ સામે પોતાની ચાલ પણ ચાલી છે. બીજું આ બંદરેથી અફઘાનિસ્તાન સાથેનો વેપાર પણ વધારે સરળ બનશે. ચાબહર બંદરથી અફઘાનિસ્તાન નજીક પડે છે અને હાઇવે દ્વારા તેની સાથે જમીન માર્ગે જોડાણ કરી દેવાયું છે. તેના કારણે ભારતે હવે પાકિસ્તાનની ગરજ નથી અને સરળતાથી અફઘાનિસ્તાન સાથે માલસામાનની આપલે કરી શકશે. ચાબહર અંગેના કરારોમાં અફઘાનિસ્તાનને પણ સામેલ કરાયું છે. માત્ર અફઘાનિસ્તાન નહિ, પણ તેનાથી પણ ઉપરના દેશો – તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને કિર્ગીઝસ્તાન સાથે પણ ભારત સીધો વેપાર કરી શકશે. પાકિસ્તાનને એક કોરાણે રાખીને ભારત આ દેશો સાથે વેપાર વધારે સરળતાથી કરી શકશે.

અમેરિકાની જેમ ભારત પોતાના સૈનિકો બીજા દેશમાં નથી મોકલતું કે મોકલી શકતું, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની આગેવાનીમાં શાંતિ રક્ષક દળો મોકલવામાં આવે છે તેમાં ભારતીય સૈનિકો સૌથી આગળ હોય છે. ભારતીય સેના સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ દળોમાં પ્રથમથી જ મહત્ત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે. અમેરિકાના દળો હટે તે પછી જરૂર પડ્યે સંયુક્ત રાષ્ટ્રસંઘના દળો અફઘાનિસ્તન મોકલવાનું થાય, ત્યારે ભારતીય સેનાની ભૂમિકા અગત્યની થશે. સાથે જ ચાબહર બંદર પણ ત્યારે વધારે ઉપયોગી સાબિત થશે. જૂન 2015માં ચાબહર બંદર અંગેના કરારો કર્યા પછી ભારતે ઝડપ કરીને બંદરને ત્રણ જ વર્ષમાં કાર્ય કરતું કરી દીધું છે.