મુંબઈઃ ફૂટપાથ પર સૂતેલાઓને ટેન્કરે કચડી નાખ્યા; બે મહિલા, બાળકનું કરૂણ મોત

0
892

મુંબઈ – અહીંના પૂર્વ ભાગમાં આવેલા વિક્રોલી ઉપનગરમાં શનિવારે રાતે બનેલા એક દુખદ બનાવમાં એક બેકાબૂ બનેલા ટેન્કર ફૂટપાથ પર ચડી જતાં ત્યાં સૂતેલા ત્રણ જણનાં કરૂણ મરણ નિપજ્યાં છે. મૃતકોમાં બે મહિલા અને એક નાના બાળકનો સમાવેશ થાય છે. ત્રણેય મૃતક એક જ પરિવારનાં હતાં.

ટેન્કરનો ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ટેન્કર રસ્તા પર ઊભેલા એક અન્ય ટેન્કર સાથે અથડાયું હતું અને પછી ફૂટપાથ પર ચડી ગયું હતું જ્યાં સૂતેલાઓને કચડી નાખ્યા હતા.

આ ઘટનામાં અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

લોકો ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરને પકડે એ પહેલાં બંને જણ ભાગી ગયા હતા, પણ થોડા જ કલાકોમાં, રવિવારે સવારે પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

આ કરૂણ ઘટના શનિવારે રાતે વિક્રોલી (વેસ્ટ)ના પાર્કસાઈટ વિસ્તારમાં 9.45 વાગ્યાની આસપાસ બની હતી. તેલનું એક ટેન્કર રસ્તા પર ઊભું હતું અને એની આડમાં બે મહિલા અને એક બાળક સૂતાં હતાં.

મૃતકોને લક્ષ્મીબાઈ ખંડુ વાઘમારે (50), શ્યામા સાહેબરાવ વાઘમારે (15) અને કાર્તિક ગણેશ વાઘમારે (3) તરીકે ઓળખી કાઢવામાં આવી હતી. બંને મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે બાળકે હોસ્પિટલમાં લઈ જવાયા બાદ ત્યાં દમ તોડ્યો હતો.

રસ્તા પર ઊભેલા તે ઓઈલ ટેન્કર સાથે પાછળથી અન્ય ઓઈલ ટેન્કર આવીને અથડાયું હતું. જોરદાર ટક્કર લાગવાથી રસ્તા પર ઊભેલું ટેન્કર આગળ ચાલ્યું હતું અને એની નીચે સૂતેલા લોકોને કચડીને વધારે આગળ નીકળી ગયું હતું.

પોલીસે 32 વર્ષના ડ્રાઈવર અશોક સાહુની ધરપકડ કરી છે અને એની સામે ભારતીય ફોજદારી ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.