ઋષિકેશમાં 1-7 માર્ચે ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં સંદીપ દેસાઈ શીખવશે ‘તાઈ ચી’, ‘અષ્ટાંગ યોગ’

મુંબઈ/ઋષિકેશ – આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ અથવા ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ વિશ્વભરના યોગપ્રેમીઓ અને યોગનિષ્ણાતોમાં જાણીતો છે. આ વર્ષનો ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ (IYF) 1-7 માર્ચે ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે યોજાનાર છે.

ચારેબાજુ પહાડો અને ખળખળ વહેતી ગંગા મૈયા નદીને કાંઠે વસેલું યાત્રાધામ ઋષિકેશ એટલે યોગસાધનાના ઈચ્છુકો માટેનું આદર્શ સ્થળ. ઋષિકેશને તો વિશ્વનું ‘યોગ પાટનગર’ પણ કહેવામાં આવે છે.

ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ-2018નું આયોજન પરમાર્થ નિકેતન આશ્રમ દ્વારા અને ભારત સરકારના ‘આયૂષ (AYUSH)’ મંત્રાલય, ઉત્તરાખંડ ટૂરિઝમ ડેવલપમેન્ટ બોર્ડ તથા GMVNના સહયોગમાં થઈ રહ્યું છે.

ગયા વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં 101 દેશોના 2000 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

આ વર્ષે પણ સાત-દિવસના યોગ મહોત્સવમાં દેશ-વિદેશમાં સેંકડોની સંખ્યામાં યોગવિદ્યાના પ્રેમીઓ અને સાધકો, નિષ્ણાતો ભાગ લે એવી ધારણા છે. આ યોગ મહોત્સવમાં વિશ્વભરના આધ્યાત્મિક ગુરુઓ, યોગવિદ્યાના નિષ્ણાતો, વેલનેસ સ્પેશિયાલિસ્ટ્સ પાસેથી મહત્વની યોગ વિદ્યાઓને પ્રાપ્ત કરવાનો અવસર પ્રદાન થાય છે.

‘તાઈ ચી’, ‘અષ્ટાંગ યોગ’ના પ્રખર અભ્યાસુ સંદીપ દેસાઈને પ્રેઝન્ટર તરીકે આમંત્રણ
ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં પ્રેઝન્ટર તરીકે આમંત્રિત કરાયેલા મુંબઈનિવાસી અને ચાઈનીઝ માર્શલ આર્ટ ‘તાઈ ચી’ તથા ‘અષ્ટાંગ યોગ’ વિદ્યાનાં પ્રખર અભ્યાસુ-નિષ્ણાત સંદીપ દેસાઈએ chitralekha.comને જણાવ્યું કે, આ વખતના યોગ મહોત્સવમાં દલાઈ લામા, બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર જેવી ટોચની હસ્તીઓ હાજર રહેવાની છે.
દેસાઈને આ સતત ત્રીજા વર્ષે ઈન્ટનેશનલ યોગા ફેસ્ટિવલમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.દેસાઈએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ માટે પરમાર્થ નિકેતન આશ્રમ સ્થળ આદર્શ છે, કારણ કે યોગસાધના માટે ત્યાંના વાઈબ્રેશન્સ અદ્દભુત છે. આ સ્થળમાં લોકોને યોગ દ્વારા સાંકળી રાખવાની અદ્દભુત શક્તિ છે. વળી, અહીંની ગંગા આરતી વર્લ્ડ ફેમસ છે. અગાઉના વર્ષોમાં મળેલા જોરદાર પ્રતિસાદની માફક આ વર્ષે IYFમાં દેશવિદેશમાંથી 1200 જેટલા લોકો ભાગ લે એવી ધારણા છે. સંદીપ દેસાઈ 25-30 વર્ષોથી મુંબઈમાં ‘તાઈ ચી’ તેમજ અષ્ટાંગ યોગની તાલીમ આપે છે. IYFમાં રજિસ્ટર થયા બાદ વ્યક્તિ ત્યાં સવારે 4 વાગ્યાથી લઈને રાતે 9.30 વાગ્યા સુધીમાં એની ઈચ્છા મુજબની યોગ સાધના કે ફિટનેસને લગતા સત્રમાં હાજરી આપી શકે છે. ફેસ્ટિવલમાં ‘તાઈ ચી’ અને અષ્ટાંગ યોગના અલગ અલગ સત્ર રહેશે, એવું દેસાઈએ વધુમાં કહ્યું.
ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં આપને પ્રેઝન્ટર તરીકે આમંત્રણ મળ્યું છે તો એક ગુજરાતી તરીકે તમે કેવી લાગણી અનુભવો છો?આ વિશે સંદીપ દેસાઈનું કહેવું છે કે ગુજરાતીઓએ હંમેશાં જીવનનાં દરેક તબક્કે ઉલ્લેખનીય ઊંચાઈ હાંસલ કરી છે. અફસોસ સાથે એટલું કહીશ કે આર્થિક વિકાસ દ્વારા ગુજરાતીઓ તો શારીરિક તકલીફો દૂર કરી શકે છે, પરંતુ એમ કરવાથી જાતજાતના રોગોને આમંત્રણ પણ આપે છે. ગુજરાતી સમુદાયના લોકોએ તાજેતરના સમયમાં આરોગ્ય, ફિટનેસ અને પોષકઆહાર જેવા ક્ષેત્રોમાં થોડીક પ્રગતિ જરૂર સાધી છે, પરંતુ ગુજરાતીઓ શારીરિક રીતે આળસુ છે એવી જે સામાન્ય છાપ પ્રવર્તે છે એને દૂર કરવી એવો મારો સતત પ્રયાસ રહ્યો છે.
વર્લ્ડ ફેમસ ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલમાં પ્રેઝન્ટર તરીકે હાજર રહેવાનું મને આમંત્રણ મળ્યું એનાથી હું અત્યંત ગર્વની લાગણી અનુભવી રહ્યો છું. ત્યાં હું વિશ્વની બેસ્ટ માર્શલ આર્ટ – ‘તાઈ ચી’ને ભારતમાં પ્રસ્તુત કરીશ અને ભારતની શ્રેષ્ઠ વિદ્યા – યોગાને વિશ્વના 100થી વધુ દેશોમાંથી આવનાર 2000 જેટલા લોકો સમક્ષ પ્રસ્તુત કરીશ.
ઋષિકેશમાં ગંગા નદીના કાંઠે આયોજિત આ કાર્યક્રમમાં આ બંને વિદ્યા શીખવવાનો મને મોકો મળ્યો છે એને હું એક ગુજરાતી તરીકે મને પ્રાપ્ત થયેલા અનોખા વિશેષાધિકાર તરીકે ગણું છું. મહોત્સવમાં દલાઈ લામા જેવા માનનીય સાથે મને મેડિટેશન કરવા મળશે અને વાર્તાલાપ કરવા મળશે એને હું મારું સૌભાગ્ય ગણું છું.

પરમાર્થ નિકેતન આશ્રમ ભારતમાં સૌથી મોટી આંતર-ધર્મ યોગ સંસ્થા છે.

શરીર, મન તથા આત્માના શુદ્ધિકરણ માટે ઈન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ-2018 એક અનેરો અવસર છે. એમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવનારાઓ આ વેબસાઈટની વિઝિટ લઈને વધુ જાણકારી મેળવી શકે છે… https://www.internationalyogafestival.org/

httpss://youtu.be/fDXwQRNmmXI