એસી લોકલ દોડાવવાથી પશ્ચિમ રેલવેને થઈ રૂપિયા 9 કરોડની કમાણી

0
887

મુંબઈ – ઘણા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મુંબઈમાં પશ્ચિમ રેલવે વિભાગ પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે શરૂ કરાયેલી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન હવે રેલવેને કમાણી કરાવી રહી છે.

આ ટ્રેન ગયા વર્ષની 25 ડિસેંબરથી શરૂ કરવામાં આવી છે.

આ ટ્રેનને પ્રવાસીઓ તરફથી કેવો પ્રતિસાદ મળે છે એ બાબતમાં રેલવે પ્રશાસન સતત પ્રયત્નશીલ રહે છે.

આ ટ્રેનને પ્રવાસીઓ તરફથી શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યો નહોતો, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે લોકોની પસંદગી વધી રહી છે.

આને કારણે પશ્ચિમ રેલવેને અત્યાર સુધીમાં 9 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

દરરોજ એસી લોકલમાં પ્રવાસ કરતા લોકો તરફથી જાણવા મળ્યા મુજબ, હાલના સમયમાં તો એસી લોકલ હાઉસફુલ હોય છે.

25 ડિસેંબર, 2017થી જુલાઈ, 2018 સુધીમાં 22 લાખ 40 હજાર 462 લોકોએ એસી લોકલમાં પ્રવાસ કર્યો હતો. એમની પાસેથી પશ્ચિમ રેલવેને 9 કરોડ 35 લાખ 4 હજાર 781 રૂપિયાની આવક થઈ છે.

મુંબઈ જેવા શહેરમાં ભેજવાળા હવામાનને કારણે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું ઘણા લોકોને ભારરૂપ લાગતું હોવાની ફરિયાદો મળ્યા બાદ પશ્ચિમ રેલવેએ ચેન્નાઈસ્થિત આઈસીએફ ફેક્ટરીમાંથી એસી લોકલનું ઉત્પાદન કરાવીને એને મુંબઈ લાવવામાં આવી હતી. એ માટે રેલવેને રૂ. 54 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.

એક અંદાજ મુજબ, દરરોજ એસી લોકલમાં 15 હજાર 666 લોકો પ્રવાસ કરે છે. એસી લોકલની દરરોજ 12 ફેરી કરાય છે. રેલવેને પેસેન્જરો પાસેથી ટિકિટ ખરીદી તેમજ સીઝન પાસ ખરીદીથી 9 કરોડની આવક થઈ છે.

દર મહિને આ ટ્રેનમાં અંદાજે 3.8 લાખ લોકો પ્રવાસ કરે છે. દરરોજ એક ફેરીમાં અંદાજે 1,306 જણ સીટ પર બેસીને અને 6000 લોકો ઊભા રહીને પ્રવાસ કરે છે.

આ ટ્રેનમાં સૌથી વધારે સંખ્યામાં લોકો સાંજે 7.49 વાગ્યાના સમયે ચર્ચગેટથી વિરાર ફેરી વખતે પ્રવાસ કરતા હોવાનું માલૂમ પડ્યું છે. આશરે 11 હજાર પ્રવાસીઓ આ ફેરીમાં પ્રવાસ કરતા હોય છે.

આવતા વર્ષના ઉનાળા સુધીમાં પશ્ચિમ રેલવે લોકલ નેટવર્ક પર વધુ 9 એરકન્ડિશન્ડ ટ્રેનો શરૂ કરવા ધારે છે.